ETV Bharat / state

Geo Heritage Site Zanskar Range : લાખો વર્ષનો ઈતિહાસના રહસ્યો ઉજાગર કરશે ઝંસ્કાર વેલી

author img

By

Published : Aug 8, 2023, 9:21 PM IST

વિશ્વ પ્રસિદ્ધ હિમાલય પર્વતમાળાના ગર્ભમાં અનેક રહસ્યો છુપાયેલા છે. નિષ્ણાતો સતત આ રહસ્યોને ઉજાગર કરવા સંશોધન કરતા રહેતા હોય છે. ત્યારે કચ્છ યુનિવર્સિટીના બે પ્રોફેસર અને અન્ય નિષ્ણાંતો દ્વારા આ અંગે એક રિસર્ચ પેપર પ્રકાશિત કરવામાં આવ્યું છે. જેમાં હિમાલય પર્વતમાળાની ઝંસ્કાર રેન્જ અંગે સંશોધન રજૂ કર્યું હતું. ત્યારે જાણો ભારતની પ્રથમ એરિયલ જિયો હેરિટેજ સાઈટ ઝંસ્કાર રેન્જની એક્સક્લુસિવ માહિતી ETV BHARAT ના આ ખાસ અહેવાલમાં...

Zanskar Range
Zanskar Range

લાખો વર્ષનો ઈતિહાસના રહસ્યો ઉજાગર કરશે ઝંસ્કાર વેલી

કચ્છ : વિશ્વના સૌથી ઊંચા પર્વત ધરાવતી હિમાલય પર્વતમાળાના ગર્ભમાં પૃથ્વીના અનેક રહસ્યો છુપાયેલા છે. તેથી જ નિષ્ણાંતો હિમાલયના પર્વતો પર સતત સંશોધન કરતા હોય છે. ત્યારે હાલમાં સંશોધકોએ ભારતનો પહેલો એરિયલ જિયો પાર્ક શોધ્યો છે. લદાખ પાસે આવેલા હિમાલય પર્વતમાળાની ઝંસ્કાર રેન્જ ભારતના પહેલા એરિયલ જિયો પાર્ક તરીકે ઓળખાય છે. કચ્છ યુનિવર્સિટી ડિપાર્ટમેન્ટ ઓફ અર્થ એન્ડ એન્વાયરમેન્ટ સાયન્સના બે પ્રોફેસર અને અન્ય નિષ્ણાતો દ્વારા આ અંગે એક રિસર્ચ પેપર પ્રકાશિત કરવામાં આવ્યું છે. જેમાં જણાવ્યું હતું કે, ઝંસ્કાર રેન્જ ભારતના પ્રથમ એરિયલ જિયો પાર્ક તરીકે વિકસી શકે તેવું સક્ષમ છે. આ રિસર્ચ પેપર એક પ્રતિષ્ઠિત પિઅર રિવ્યૂડ જર્નલમાં પણ પ્રકાશિત થયું છે.

હિમાલય પર્વતમાળા
હિમાલય પર્વતમાળા

ઝંસ્કાર રેન્જ : હાલમાં જ સંશોધકોએ હિમાલય પર્વતમાળાની ઝંસ્કાર રેન્જને ભારતની પ્રથમ એરિયલ જિયો હેરિટેજ સાઈટ તરીકે ઓળખાણ આપી છે. સામાન્યપણે કોઈપણ સ્થળનું ભૂસ્તરશાસ્ત્ર જાણવા તેને નજીકથી જોવું પડે છે. પરંતુ સંશોધકો મુજબ આ ઝંસ્કાર રેન્જનું વિહંગાવલોકન પણ તેની જિયોલોજી વિશે ઘણું સમજાવે છે.

Geo Heritage Site
Geo Heritage Site

કેવી રીતે થઈ શોધ ? કચ્છ યુનિવર્સિટી ડિપાર્ટમેન્ટ ઓફ અર્થ એન્ડ એન્વાયરમેન્ટ સાયન્સ વિભાગના હેડ ડો. મહેશ ઠક્કરે માહિતી આપી હતી. તેઓએ જણાવ્યું હતું કે, કચ્છ યુનિવર્સિટીના ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી અને વાડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ હિમાલયન જિયોલોજી સંશોધકોએ 2015 થી ઝંસ્કાર રેન્જ પર સંશોધન કરવાનું શરૂ કર્યું હતું. સંશોધનમાં એક વખત કાશ્મીર સુધી હવાઈ સફર દરમિયાન ટીમના લોકોએ પ્લેનમાંથી ઝંસ્કાર વેલીના દ્રશ્યો જોયા હતા. હિમાલય પર્વતમાળામાં અન્ય ક્યાંય જોવા ને મળે તેવા આહલાદક દ્રશ્યો અહીં સામે આવતા સંશોધકોએ પહેલી વખત એરિયલ જિયો હેરિટેજ શબ્દનો ઉપયોગ કર્યો હતો. ત્યારથી ઝંસ્કાર વેલીને ભારતની પ્રથમ એરિયલ જિયો હેરિટેજ સાઈટ તરીકે ઓળખ મળી હતી.

પ્રથમ એરિયલ જિયો પાર્ક
પ્રથમ એરિયલ જિયો પાર્ક

55 મિલિયન વર્ષો પહેલા ધરતી પરની યુરેશિયન પ્લેટ અને ઇન્ડિયન પ્લેટ અથડાતાં ટેથિસ ઓશિયન ભાગનો પ્રદેશ જમીનથી આઠ-નવ કિલોમીટર ઉપર ઉઠ્યો હતો. આવી રીતે હિમાલય પર્વતમાળા બની હતી. તેના કારણે જ હિમાલય પર્વતમાળાના ગર્ભમાં પૃથ્વીના ઉત્થાનના અનેક રહસ્યો સંશોધકોને જાણવા મળે છે. તેમાં પણ ઝંસ્કાર રેન્જમાં 2 હજાર મિલિયન વર્ષથી લઈને આજ સુધીના પથ્થર જોવા મળે છે. આ વિસ્તારમાં ખૂબ જ ઓછા સંશોધન થયા છે.-- ડો. મહેશ ઠક્કર (હેડ, ડિપાર્ટમેન્ટ ઓફ અર્થ એન્ડ એન્વાયરમેન્ટ સાયન્સ-કચ્છ યુનિવર્સિટી)

લાખો વર્ષનો ઈતિહાસ : ઝંસ્કાર વેલીમાં પેલિઓઝોઈક, મેસોઝોઇક અને સેનોઝોઈક યુગના પથ્થરો હાજર છે. જે ઊંચાઈ પરથી ખૂબ સારી રીતે દેખાય છે. આ પથ્થરો પર હજારો-લાખો વર્ષો પહેલા થયેલ પ્રાકૃતિક નક્ષિકરણ પણ ખૂબ સારી રીતે જોઈ શકાય છે. ઉપરાંત ઝંસ્કાર વેલીમાં અનેક ગ્લેશિયર આવેલા છે. જે સમયની સાથે પાછળ હટેલી જોવા મળતા ગ્લોબલ ક્લાઈમેટ ચેન્જનો અભ્યાસ પણ તેના વિહંગાવલોકન વડે થઈ શકે છે.

નિષ્ણાતોની ટીમ
નિષ્ણાતોની ટીમ

નિષ્ણાતોની ટીમ : આ સંશોધનમાં કચ્છ યુનિવર્સિટીના અર્થ એન્ડ એન્વાયરમેન્ટ સાયન્સ વિભાગના વડા ડો. મહેશ ઠક્કર, આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. ગૌરવ ચૌહાણ, યુનિવર્સિટીના PhD વિદ્યાર્થી આદિલ હુસેન પદ્દર જોડાયા હતા. ઉપરાંત પ્રખ્યાત સંશોધક વાડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ હિમાલયન જિયોલોજી પૂર્વ ડાયરેક્ટર વી.સી. ઠાકુર, વાડિયા ઇન્સ્ટિટ્યૂટના વૈજ્ઞાનિક સૂરજ કુમાર પર્ચા, ફિઝિકલ રિસર્ચ લેબોરેટરીના વૈજ્ઞાનિક શુભ્રા શર્મા અને લદાખના જાણીતા સંશોધક સી.પી. દોરજોય જોડાયા હતા.

  1. Himalayan Mountain : રમવા-કુદવાની ઉંમરે વડોદરાની બે દિકરીઓએ હિમાલય પર્વત કર્યો સર
  2. World Environment Day 2022: ગરમ પ્રદેશ ગુજરાત અને ઠંડા પ્રદેશ હિમાચલના રહેણાંક મકાનોની વિશેષતા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.