સુરત જિલ્લાના માંડવી તાલુકાના બલેઠી ગામના પ્રગતિશીલ ખેડૂતે ઓછા ખર્ચે થતી પ્રાકૃતિક ખેતીમાં મેળવી સફળતા - A farmer of Balethi village

By ETV Bharat Gujarati Team

Published : Jun 15, 2024, 8:23 PM IST

thumbnail
બલેઠી ગામના પ્રગતિશીલ ખેડૂતે ઓછા ખર્ચે થતી પ્રાકૃતિક ખેતીમાં મેળવી સફળતા (ETV Bharat Gujarat)

સુરત: રાસાયણિક દવા અને યુરિયા ખાતરની ખર્ચાળ ખેતીને તિંલાંજલિ આપીને ખેડૂતો હવે મોટી સંખ્યામાં પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યાં છે, ત્યારે સુરત જિલ્લાના માંડવી તાલુકાના બલેઠી ગામના ખેડૂત વાલજીભાઈ રાયાભાઈ ચૌધરીએ પ્રાકૃતિક ખેતીમાં પણ એક કદમ આગળ વધીને જંગલ મોડલ આધારિત પ્રાકૃતિક ખેતી શરૂ કરીને સફળતા મેળવી છે. ખેડ અને ખાતર વગરની આ પ્રાકૃતિક ખેતી કરનાર વાલજીભાઈએ સૌપ્રથમ બે એકર જમીનમાં પ્રયોગ કરી ધાર્યું પરિણામ મેળવ્યું છે. ત્યારબાદ સતત સાત વર્ષથી જંગલ મોડેલ આધારિત ખેતી કરી અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા છે. આ પદ્ધતિથી તેઓ નજીવા ખર્ચમાં એક જ જમીનમાં 20થી વધુ પ્રકારના પાકોનું ઉત્પાદન લઈને વાર્ષિક રૂ.12 લાખથી વધુની આવક મેળવી રહ્યા છે.

શિબિરોમાંથી પ્રાકૃતિક ખેતીનું માર્ગદર્શન મેળવ્યું: છેલ્લા સાત વર્ષથી જંગલ મોડલ આધારિત પ્રાકૃતિક ખેતી કરી સારો પાક, વધુ ઉત્પાદન અને વધુ આવક મળતા હર્ષ સાથે ખેડૂત વાલજીભાઈ ચૌધરીએ જણાવ્યું કે, તેમનો નાનપણથી જ ખેતી પ્રત્યે લગાવ રહ્યો છે. જેમાં શાકભાજીની ખેતીમાં વધુ રસ લેતા અને શાકભાજીની માવજત જાતે જ કરતા હતા. ધોરણ 8 સુધી અભ્યાસ કર્યો. ત્યારબાદ સીવણ ક્લાસમાં સીવણ શીખી દરજી કામ સાથે જોડાયા હતા. જેના કારણે ખેતીમાંથી દૂર થયા હતા. પરંતુ વર્ષ 1982માં દરજી કામ છોડી પરંપરાગત ખેતી કરવાનું નક્કી કરી ફરી એક વાર ખેતી તરફ વળ્યા હતા. ત્યારબાદ વર્ષ 2017માં ખેતીને લગતી વિવિધ શિબિરોમાંથી પ્રાકૃતિક ખેતીનું માર્ગદર્શન મેળવ્યું હતુ. આત્મા પ્રોજેક્ટની શિબિર થકી પ્રાકૃતિક ખેતીની પ્રેરણા મળી હતી. ત્યારબાદ વર્ષ 2018માં એક ગાય લાવી પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી હતી.

પ્રાકૃતિક ખેત પદ્ધતિમાં ઉત્પાદન ખર્ચ ઓછો થાય છે: ખેડૂત વાલજીભાઈ ચૌધરી વધુમાં જણાવ્યું કે,પહેલા રાસાયણિક ખેતીમાં આવક ન મળતાં જંગલ મોડેલ આધારિત પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા હતા. જેમાં કોઈ ખેડ કર્યા વગર ખેતી કરવાની શરૂઆત કરી હતી. આ ખેતીમાં બધા પાક એક સાથે વાવવાના હોય છે. તેથી તેમણે ખેતરમાં એકસામટા 20 થી 25 પાકનું વાવેતર કર્યું હતું. જેમાં અનાજ, કઠોળ, શાકભાજી અને ફ્રૂટની ખેતીનો સમાવેશ થાય છે. ફ્રૂટની ખેતીમાં દાડમ, ચીકુ, જામફળ, સીતાફળની સાથે શાકભાજીનું વાવેતર કરવામાં આવ્યું છે. જુવાર, બાજરી, મકાઈ જેવા અનાજનું પણ વાવેતર કરી રહ્યા છે. સાથે ચોળી, મગ,અડદ જેવા કઠોળ પાક પણ છે. સામૂહિક પાકના કારણે ઉત્પાદન ખર્ચ ઓછો અને પ્રાકૃતિક ખેત પદ્ધતિ અપનાવવાથી ઉત્પાદન પણ વધુ મળી રહ્યું છે.

ઉપરાંત, તેઓ કહે છે કે, પ્રાકૃતિક કૃષિમાં થોડી વધુ મહેનત જોઈએ. બાકી ઉત્પાદન ખર્ચ તો નહિવત હોય છે. આ ખેતીના કારણે મહત્તમ અને બમણું ઉત્પાદન મળે છે, બમણી આવક થાય છે. પર્યાવરણ અને માનવીય સ્વાસ્થ્યને રક્ષણ મળે છે, તેમજ પાણીની બચત થાય છે. આ ઉપરાંત, જમીનની ભેજ સંગ્રહશક્તિ પણ વધે છે. જેથી જમીન બંજર થતી નથી. પ્રત્યેક વર્ષમાં સારો પાક મેળવી શકાય છે. સરકાર દ્વારા મળેલી આર્થિક સહાય વિશે વાત કરતા કહે છે કે, રાજ્ય સરકારની ખેડૂતલક્ષી વિવિધ યોજનાઓ થકી અમારા જેવા છેવાડાના ખેડૂતો આર્થિક રીતે પગભર બન્યા છે. જંગલ મોડલ આધારિત ખેતી માટેનું મોડેલ ફોર્મ બનાવવા સરકાર દ્વારા રૂ.13,500ની સહાય પ્રાપ્ત થઈ છે. ઉપરાંત, ખેતરમાં પાકને પૂરતું પાણી મળી શકે એ માટે રૂ.5 લાખના ખર્ચે સરકારી યોજના હેઠળ બોરીંગ કરી પાકો આર.સી.સી. સ્ટ્રકચર વાળો કુવો બનાવ્યો છે. આટલું જ નહિં રૂ.1.80 લાખના મિની ટ્રેક્ટરની ખરીદી પર સરકાર દ્વારા રૂ.60 હજાર સબસિડી પ્રાપ્ત થઈ છે. 

ગાય આધારિત ખેતીમાં ઉત્પાદન વધુ મળ્યું: તેમણે ઉમેર્યું કે, રાજ્ય સરકાર પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા દેશી ગાય નિભાવ ખર્ચ માટે મહિને રૂ.900ની સહાય આપે છે, જે યોજનાનો લાભ હું પણ લઈ રહ્યો છું. ઉપરાંત આત્માના અધિકારીઓ પણ સમયાંતરે ખેડૂતોને પ્રાકૃતિક ખેતીનું ઉમદા માર્ગદર્શન આપે છે, જે સરાહનીય છે. હું જાતે ગૌ-મુત્ર અને છાણમાંથી જીવામૃત અને ઘનજીવામૃત બનાવી ખેતીમાં વપરાશ કરૂ છું. જેના કારણે જમીનની ગુણવત્તા પણ સુધરી છે. 

ખેતરની મુલાકાત લઈ લોકો માર્ગદર્શન લેવા આવે છે: શાકભાજીના વાવેતરમાં રીંગણ, ટામેટાં, કોબિજ, ફુલાવર, પાલક, ખજૂર, ગલકા, દૂધી, ફુદીના અને કારેલા જેવા સીઝન પ્રમાણેના આ વિસ્તારમાં જોવા મળતા દરેક પ્રકારની શાકભાજીઓ છે. જ્યારે જુવાર, બાજરી અને મકાઈ જેવા અનાજ પણ છે અને કઠોળમાં ચોળી, ગવાર, મગ અને અડદ જેવા પાકો છે. અન્ય ખેડૂતો પણ મારા ખેતરની મુલાકાત લેવા માટે આવે છે.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.