ETV Bharat / state

Valsad Paper Leak : વલસાડની કોલેજમાં પેપર લીક થયાનો મામલો, વિદ્યાર્થીઓએ કર્યો હોબાળો

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 3, 2023, 8:10 PM IST

વલસાડની શાહ એન. એચ. કોમર્સ કોલેજમાં પેપર લીક થયાનો મામલો સામે આવ્યો છે. કોલેજની પરીક્ષાનું એક પેપર સોશિયલ મીડિયામાં લીક થયું હોવાનું ધ્યાને આવતા કોલેજ મેનેજમેન્ટ દ્વારા પરીક્ષા રદ કરવામાં આવી હતી. જોકે આ મામલે હાલ વિદ્યાર્થીઓએ કોલેજના એક પ્રાધ્યાપક સામે પેપર લીક કર્યાનો આક્ષેપ કર્યો છે. ઉપરાંત કોલેજમાં દોષિત સામે કાર્યવાહી કરવાની માંગ સાથે સૂત્રોચ્ચાર કરી હોબાળો કર્યો હતો.

Valsad Paper Leak
Valsad Paper Leak

વલસાડની કોલેજમાં પેપર લીક થયાનો મામલો

વલસાડ : વલસાડની શાહ એન. એચ. કોમર્સ કોલેજમાં પેપર લીક થયાનો મામલો સામે આવ્યો છે. કોલેજમાં પાંચમા સેમેસ્ટરની ઇન્ટરનલ પરીક્ષાનું એકાઉન્ટનું પેપર સોશિયલ મીડિયામાં લીક થયાનો બનાવ બન્યો છે. આ પેપર કેટલાક વિદ્યાર્થીઓ પાસે પહોંચી જતા સમગ્ર બાબતે વિદ્યાર્થીઓએ પેપર લીક થયાની જાણ કોલેજ મેનેજમેન્ટને કરી હતી. આથી સમય પર પેપર સ્થગિત કરી દેવામાં આવ્યું હતું. જોકે વિદ્યાર્થીઓએ એક પ્રોફેસર સામે પેપર લીક કર્યાના આક્ષેપ સાથે હોબાળો કર્યો હતો. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ આચાર્ય કચેરી બહાર સૂત્રોચ્ચાર કરી દોષિત સામે કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

વલસાડ કોમર્સ કોલેજની ઘટના : વલસાડની શાહ એન. એચ. કોમર્સ કોલેજમાં તારીખ 22 થી 29 દરમિયાન ઈન્ટરનલ પરીક્ષા ચાલી રહી છે. જોકે તારીખ 29 સપ્ટેમ્બરના રોજ પાંચમા સેમેસ્ટરનું કોમર્સનું પેપર લીક થયું હોવાનું ધ્યાને આવ્યું હતું. કેટલાક વિદ્યાર્થીઓએ કોલેજના ઇન્ચાર્જ આચાર્ય સમક્ષ આ અંગે રજૂઆત કરી હતી. ત્યારબાદ આચાર્યએ આ ઘટનાને ગંભીરતાથી લીધી હતી. ઘટના બાબતે સાચી હકિકત તપાસવા માટે મીટીંગ બોલાવી તમામના મોબાઈલની ચકાસણી કરવામાં આવી હતી. સમગ્ર ઘટનામાં જે વિદ્યાર્થી પાસે પેપર મળ્યું તેનું નિવેદન પણ લેવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું. બાદમાં પરીક્ષા સ્થગિત કરી દેવામાં આવી હતી.

મારા ઉપર કરવામાં આવેલા આક્ષેપ તદ્દન ખોટા અને પાયા વિહોણા છે. હું એમ.કોમનો વીઝીટીંગ લેકચરર છું. મારે એડવાન્સ એકાઉન્ટ પેપર સાથે કોઈ લાગતું વળગતું નથી. -- હેમરાજ ચૌહાણ (પ્રાધ્યાપક)

વિદ્યાર્થીઓનો આક્ષેપ : કોલેજના અધ્યાપક હેમરાજ દ્વારા પેપર લીક કર્યું હોવાનો આક્ષેપ વિદ્યાર્થીઓ કરી રહ્યા છે. ઉપરાંત માંગ કરી રહ્યા છે કે, હેમરાજ સર સામે કાયદાકીય કાર્યવાહી થાય. જેને લઈને અનેક વિદ્યાર્થીઓએ આજે સુત્રોચ્ચાર સાથે વિરોધ કરીને કોલેજના આચાર્યની કેબીન સુધી ધસી ગયા હતા. સાથે જ એબીવીપી અને અન્ય વિધાર્થી સંગઠનો પણ સમગ્ર કિસ્સામાં લડત ચલાવી રહેલા વિદ્યાર્થીઓને સહયોગ ન આપતા હોવાનો આક્ષેપ વિદ્યાર્થીઓ કરી રહ્યા છે. 29 તારીખે એડવાન્સ એકાઉન્ટનું પેપર હતું. જે લીક થતા કેટલાક સોશિયલ મીડિયા ગ્રુપમાં જોત જોતામાં વાઈરલ થઈ ગયું હતું. તે પેપર આવ્યું ક્યાંથી અને કોણે તે ફોડ્યું તે તપાસનો વિષય બન્યો છે.

વિદ્યાર્થીઓએ કર્યો હોબાળો
વિદ્યાર્થીઓએ કર્યો હોબાળો

પ્રાધ્યાપકનો ખુલાસો : વિદ્યાર્થીઓ જે પ્રાધ્યાપક ઉપર આક્ષેપ કરી રહ્યા છે તે હેમરાજ ચૌહાણે ETV BHARAT સાથે વાતચીત કરતા જણાવ્યું કે, મારા ઉપર કરવામાં આવેલા આક્ષેપ તદ્દન ખોટા અને પાયા વિહોણા છે. હું એમ.કોમનો વીઝીટીંગ લેકચરર છું. જે પેપર ફૂટ્યું છે તે સબ્જેક્ટ મારો છે કે નહિ અને મેં જે પેપરો કાઢ્યા હતા તે પેપર એકાઉન્ટ સેવન અને નાઈન છે. જેથી મારે એડવાન્સ એકાઉન્ટ પેપર સાથે કોઈ લાગતું વળગતું નથી. મારે ટ્યુશન ક્લાસ ચાલતા હોય તેમાં કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા વાત લીક કરીને મારા ઉપર આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.

29 તારીખે પેપર લીક થયા જાણકારી મળતા તરત જ પેપર સ્થગિત કરી દેવાયું હતું. આજે વિદ્યાર્થીઓ દોષિત સામે પોલીસ કેસ કરી કાર્યવાહી કરવામાં આવે એવી માંગ કરી રહ્યા છે. ચોક્કસ રીતે દોષિત સામે કાર્યવાહી થશે, પરંતુ આજે જ કાર્યવાહી થાય એ માંગ યોગ્ય નથી. -- ગીરીશ રાણા (આચાર્ય, શાહ એન. એચ. કોમર્સ કોલેજ)

આચાર્યની બાંહેધરી : ETV BHARAT સાથે વાતચીત કરતા આચાર્ય ગીરીશ રાણાએ જણાવ્યું કે, 29 તારીખે સવારે 10 વાગ્યે સોશિયલ મીડિયામાં પેપર લીક થયું અને તેની જાણકારી મળી હતી. તરત જ પેપર સ્થગિત કરી દેવાયું હતું. ત્યારબાદ આજે 30 તારીખના રોજ પરીક્ષા લેવાનું નક્કી કરવામાં આવ્યું હતું. પરંતુ આજે વિદ્યાર્થીઓ દોષિત સામે પોલીસ કેસ કરી કાર્યવાહી કરવામાં આવે એવી માંગ કરી રહ્યા છે. સોશિયલ મીડિયામાં પેપર કોણે અપલોડ કર્યું તેના સુધી પહોચવા માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ચોક્કસ રીતે દોષિત સામે કાર્યવાહી થશે, પરંતુ આજે જ કાર્યવાહી થાય એ માંગ યોગ્ય નથી.

વિદ્યાર્થી સંગઠન દ્વારા રજૂઆત : વલસાડ જિલ્લા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા એડવાન્સ એકાઉન્ટ પેપર લીક મુદ્દે વિદ્યાર્થીઓના હિતમાં આચાર્ય સમક્ષ રજૂઆત કરતા જણાવ્યું કે, યુનીવર્સીટી અને યુજીસી નિયમ અનુસાર કોલેજમાં પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવતા પ્રાધ્યાપકો ટ્યુશન લઇ શકે નહીં. પ્રાથમિક તપાસમાં જણાયું છે કે, ટ્યુશન ક્લાસ ચાલવતા પ્રાધ્યાપકને ત્યાંથી જ પેપર લીક થયું છે. સાથે જ બે વાર પરીક્ષાની તારીખ બદલવામાં આવી છે. હવે પછી જો નિયત સમયે પરીક્ષા ન લેવાય તો એબીવીપી વિધાર્થી શક્તિ સાથે આંદોલન કરશે. ઉલ્લેખનિય છે કે, વલસાડ શહેરમાં આવેલી કોલેજમાં અનેક પ્રાધ્યાપકો પાછલે બારણે ખાનગી ટ્યુશન ક્લાસ ચલાવી પોતાના ખિસ્સા ખર્ચ કાઢી રહ્યા છે. ત્યારે બની શકે કે પેપર લીક આવા જ કોઈ ટ્યુશન ક્લાસમાંથી થયું હોય. હાલ તો વિદ્યાર્થીઓએ દોષિત સામે કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. ત્યારે હકીકત શું છે તે તપાસ બાદ જ બહાર આવશે.

  1. Paper Leak : જુનિયર કલાર્કની પરીક્ષામાં પેપર લીક મામલે 30 વિદ્યાર્થીઓની ધરપકડ, 12થી 15 લાખમાં કર્યો હતો સોદો
  2. Paper Leak: ધોરણ 12ના કોમ્પ્યુટર વિષયની પરીક્ષાનું પ્રશ્નપત્ર ફૂટ્યું, બોર્ડ ચેરમેને આપ્યું નિવેદન
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.