ETV Bharat / state

સુરતમાં કેમિકલ એસિડ ફેક્ટરીમાં ભીષણ આગ, એકનું મોત, બે ઈજાગ્રસ્ત

author img

By

Published : Feb 27, 2020, 6:46 PM IST

સૂરતની પાંડેસરા જીઆઈડીસીમાં એક એસિડ ફેક્ટરીમાં લાગેલી આગમાં એક કર્મચારીનું મોત અને બે કર્મીઓ ઈજાગ્રસ્ત થયાં છે. ઈજાગ્રસ્ત કર્મીઓને સારવાર માટે દવાખાને ખસેડી દેવામાં આવ્યાં છે. જોકે એક કર્મચારીની ભાળ મળી નથી. ઘટના અંગે ફેક્ટરી માલિકો દ્વારા પડદો પાડવાની કોશિશ થઈ રહી હોવાનું બહાર આવ્યું છે.

કેમિકલ એસિડ ફેક્ટરીમાં ભીષણ આગમાં એકનું મોત, બે ઈજાગ્રસ્ત
કેમિકલ એસિડ ફેક્ટરીમાં ભીષણ આગમાં એકનું મોત, બે ઈજાગ્રસ્ત

સૂરત : પાંડેસરા જીઆઇડીસી વિસ્તારમાં આવેલી કેમિકલ એસિડ ફેક્ટરીમાં ભીષણ આગની ઘટનામાં એક કર્મચારી આગમાં ભથ્થું થઇ જતાં ફેકટરીની ઘોર બેદરકારી છતી થવા પામી છે. ઘટનામાં બે લોકો હાલ હોસ્પિટલના બિછાને સારવાર હેઠળ છે. જોકે અન્ય એક કર્મચારી હાલ પણ લાપતા હોવાનું જાણવા મળે છે.આગ સામે સુરક્ષાના નિયમોને ઘોળીને પી ગયેલ ફેકટરી માલિક દ્વારા ફાયરની કોઈ પણ પ્રકારે એનઓસી મેળવવામાં આવી નહોતી. આ ઘટનાને લઈ ફેકટરી માલિકો દ્વારા ઘટના પર પડદો પાડવાના પ્રયાસ કરવામાં આવ્યા છે. ત્યારે આ ઘટના અંગે સૂરત મનપા તેમ જ પાંડેસરા પોલિસે હાલ તપાસ હાથ ધરી છે.

કેમિકલ એસિડ ફેક્ટરીમાં ભીષણ આગમાં એકનું મોત, બે ઈજાગ્રસ્ત
પાંડેસરા જીઆઇડીસી ખાતે આવેલ એસીટો કેમ નામની કેમિકલ એસિડ ફેકટરીમાં બપોરે બાર વાગ્યાના આસપાસ ભીષણ આગનો કોલ સૂરત ફાયરને મળ્યો હતો. આગ વધુ વિકરાળ બનતા ફાયરની 25થી વધુ ગાડીઓ તેમ જ શહેરના તમામ ફાયરમથકોની ગાડીઓ સહિતના કાફલાને ઘટનાસ્થળે દોડાવવામાં આવ્યો હતો. જો કે ઘટના સ્થળે ફાયરની ટીમે આગ પર કાબૂ મેળવવો ખૂબ જ મુશ્કેલ બન્યું હતું. ફેકટરીમાં રહેલ સલ્ફરિક નાઈટ્રિક નામના એસિડ ટેન્કમાં લીકેજ થવાના કારણે અચાનક મોટી આગ ફાટી નીકળી હતો. જેના કારણે એસિડનો સ્મોક આજુબાજુના વિસ્તારોમાં પ્રસરતા લોકોના શ્વાસ પણ રૂંધાવા લાગ્યાં હતાં. આ પગલે ફેકટરીમાં નાસભાગ અને અફરાતફરી મચી ગઇ હતી. જ્યાં ફાયર વિભાગના જવાનોએ માસ્ક અને ઓક્સિજન સિલિન્ડરની મદદથી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ હાથ ધર્યા હતા.

પોલિસે સ્થળ પર પહોંચી અડધો કિલોમીટર સુધીનો માર્ગ અવરજવર માટે બંધ કરાવી દીધો હતો. બીજી તરફ સૂરત ફાયર વિભાગના જવાનોએ સતત પાણીનો મારો ચલાવી બે કલાકથી વધુની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. પરંતુ પાણી અને એસિડ એકસાથે ભળી જવાના કારણે બળતરા જેવી સ્થિતિનો સામનો ફાયરના જવાનોએ કરવો પડ્યો હતો.એસિડ યુક્ત કેમિલવાળા પાણીમાંથી પસાર થવા ફાયરના જવાનોએ ગમ બૂટ પહેરવા પડ્યાં હતાં. ભીષણ આગના પગલે કેમિકલયુક્ત ધુમાડાના ગોટેગોટા દૂરદૂર સુધી પ્રસરી ગયાં હતાં. જેની અસર આશરે બે કિલોમીટર સુધી લોકોમાં શ્વાસ રૂંધાવાની સમસ્યા જોવા મળી હતી.આગ પર કાબૂ મેળવ્યા બાદ કુલિંગની કામગીરી ફાયર દ્વારા હાથ ધરવામાં આવી. ત્યાં બીજીતરફ નિયમોને ઘોળીને પી ગયેલ ફેકટરી માલિક દ્વારા કોઈ પણ ફાયરની એનઓસી લેવામાં આવી ન હતી. ફેકટરીમાલિકની બેદરકારી સ્પષ્ટ છતી થઈ હતી.

આગની ઘટના બન્યા બાદ ફેકટરીમાં કામ કરતાં અમનસિંઘ નામના કર્મચારીએ ત્રીજા માળેથી પોતાનો જીવ બચાવવા કૂદકો મારી દીધો હતો.જ્યાં તેને તાત્કાલિક સારવાર અર્થે સૂરત નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.સદનસીબે બચાવ થયો હતો,પરંતુ પગના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. આ સાથે જ કંપનીમાં કામ કરતાં અન્ય એક કર્મચારીનો મૃતદેહ આગમાં ભથ્થું થઈ ગયો હતો. જ્યાં કુલિંગની કામગીરી વેળાએ કર્મચારીનો મૃતદેહ મળી આવતાં અન્ય કર્મચારીઓમાં શોકનો માહોલ સર્જાયો હતો. પાંડેસરા પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સૂરત નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. એસિડયુક્ત કેમિકલના સ્મોક થી આમોદ નામનો કર્મચારી ગૂંગળામણથી બેભાન થઈ ગયો હતો તેને પણ ખાનગી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.

ફેકટરી માલિકની બેદરકારીના પગલે એક કર્મચારીએ પોતાનો જીવ ગુમાવ્યો,જ્યારે અન્ય બે હોસ્પિટલના ખાટલે પડવાનો વારો આવ્યો. ત્યારે આ ઘટનામાં હવે તંત્ર ફેકટરી માલિક સામે શું પગલાં ભરે છે તે જોવું રહ્યું.


ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.