ETV Bharat / state

કોરોનાકાળમાં ઉદ્ઘાટનનો મોહ: સી. આર. પાટીલે નેતાઓ સાથે જઈને 2 કોવિડ કેર સેન્ટર ખુલ્લાં મૂક્યાં

author img

By

Published : May 6, 2021, 10:21 PM IST

સુરત જિલ્લાના વાંકલ અને ઉમરપાડા ખાતે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટિલ, વન અને આદિજાતિ પ્રધાન ગણપત વસાવા સહિતના નેતાઓની ફોજ કોવિડ સેન્ટરના ઉદ્ઘાટન માટે પહોંચી હતી. રાજકીય કાર્યક્રમોનો પ્રતિબંધ હોવા છતાં વારંવાર કાર્યક્રમો યોજી માત્રને માત્ર દેખાડા માટે કરવામાં આવતા કાર્યક્રમોને લઈ લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.

કોરોનાકાળમાં ઉદ્ઘાટનનો મોહ: સી. આર. પાટીલે નેતાઓ સાથે જઈને 2 કોવિડ કેર સેન્ટર ખુલ્લાં મૂક્યાં
કોરોનાકાળમાં ઉદ્ઘાટનનો મોહ: સી. આર. પાટીલે નેતાઓ સાથે જઈને 2 કોવિડ કેર સેન્ટર ખુલ્લાં મૂક્યાં

  • વાંકલમાં 240 બેડનું આઇસોલેશન સેન્ટર શરૂ કરાયું
  • ઉમરપાડામાં 100 બેડના કોવિડ કેર સેન્ટરની સુવિધા
  • ઉદ્ઘાટન માટે પ્રદેશ પ્રમુખ સાથે નેતાઓની ફોજ પહોંચી


બારડોલી: ભાજપના નેતાઓનો ઉદ્ઘાટનનો મોહ હજુ પણ છૂટતો નથી. રાજ્યમાં ઓક્સિજન અને હોસ્પિટલોમાં બેડના અભાવે અનેક લોકોના મોત થઈ રહ્યા છે, ત્યારે કોવિડ સેન્ટરો તાત્કાલિક શરૂ કરવાની જગ્યાએ નેતાઓના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવી રહ્યા છે. રાજકીય કાર્યક્રમો કરવા પર પ્રતિબંધ હોવા છતાં સરકારના પ્રતિનિધિઓ જ તેનું ખુલ્લેઆમ ભંગ કરી રહ્યા છે. સુરતના વાંકલની વિજ્ઞાન કોલેજમાં અને ઉમરપાડાની કુમાર છાત્રાલય ખાતે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ અને રાજ્યના વન અને આદિજાતિ પ્રધાન ગણપત વસાવાની ઉપસ્થિતિમાં કોવિડ કેર સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જેમાં સોશિયલ ડિસ્ટન્સિંગનો પણ ભંગ થતો જોવા મળ્યો હતો.

કોરોનાકાળમાં ઉદ્ઘાટનનો મોહ: સી. આર. પાટીલે નેતાઓ સાથે જઈને 2 કોવિડ કેર સેન્ટર ખુલ્લાં મૂક્યાં

રાજકીય કાર્યક્રમો પર પ્રતિબંધ છતાં થઈ રહ્યા છે કાર્યક્રમો

રાજ્યમાં કોરોનાની દયનીય સ્થિતિ વચ્ચે પણ ભાજપના નેતાઓ તાયફા કરવામાં જ વ્યસ્ત છે. મહામારીની વિપરીત પરિસ્થિતીમાં પણ સત્તાધારી પક્ષ ભાજપના નેતાઓનો ઉદ્ઘાટનનો મોહ નથી છૂટી રહ્યો. નાના નાના કોવિડ સેન્ટરોના ઉદ્ઘાટન કરવા માટે પણ ભીડ લઈને પહોંચી જતાં નેતાઓના કારણે કોરોના ગાઈડલાઇનનો ખુલ્લેઆમ ભંગ થઈ રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા રાજકીય, સામાજિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક કાર્યક્રમો કે મેળવડા કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. તેમ છતાં સરકારના જ આદેશની અવગણના કરી સત્તાધારી પક્ષના પ્રતિનિધિઓ તેનો જાહેરમાં ભંગ કરી રહ્યા હોવાથી લોકોમાં પણ સરકારની બેધારી નીતિ સામે રોષ જોવા મળી રહ્યો છે.

વાંકલમાં 240 અને ઉમરપાડામાં 100 બેડનું કોવિડ કેર સેન્ટર શરૂ

સુરત જિલ્લાના વાંકલ ખાતે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ, વન અને આદિજાતિ પ્રધાન ગણપત વસાવા, જિલ્લા ભાજપ પ્રમુખ સંદીપ દેસાઇ, જિલ્લા પંચાયત પ્રમુખ ભાવેશ પટેલ સહિતના નેતાઓ અને કાર્યકર્તાઓની ફોજ કોવિડ કેર સેન્ટરના ઉદ્ઘાટન કરવા માટે પહોંચી ગઈ હતી. જ્યાં 60 બેડના ઓક્સિજન સાથેના અને 180 આઇસોલેશન બેડ ધરાવતા કોવિડ કેર સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ઉમરપાડા ખાતે પણ 100 બેડની સુવિધા ધરાવતું કોવિડ સેન્ટર શરૂ કરવામાં આવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.