ETV Bharat / state

એક લાખની લાંચ માગનાર હેડ કોન્સ્ટેબલ સહિત અન્ય એક ખાનગી વ્યક્તિ ACBના સકંજામાં

author img

By

Published : Feb 20, 2021, 5:28 PM IST

સુરત જિલ્લાના કામરેજ પોલીસ મથકના જમાદારે ખાનગી વ્યક્તિ મારફત બાયો ડીઝલ વેચવા મામલે નોંધાયેલા ગુનામાં આરોપીઓને જામીન પર છોડવા અને પ્રકરણની જાણ પુરવઠા વિભાગને નહીં કરવાના અવેજમાં 1 લાખની લાંચ માંગી હતી. આંગડિયા પેઢી મારફતે લાંચની રકમ મંગાવતા ACBના છટકામાં આવી ગયો હતો. જો કે, બંને રકમ લેવા આવ્યા ન હતા. હાલ તેમના વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

એક લાખની લાંચ માંગનાર હેડ કોન્સ્ટેબલ સહિત અન્ય એક ખાનગી વ્યક્તિ ACBના સકંજામાં
એક લાખની લાંચ માંગનાર હેડ કોન્સ્ટેબલ સહિત અન્ય એક ખાનગી વ્યક્તિ ACBના સકંજામાં

  • આંગડિયા પેઢી મારફત મંગાવી હતી લાંચની રકમ
  • પોલીસ કર્મી અને ખાનગી વ્યક્તિ વિરુદ્ધ નોંધાયો ગુનો
  • આંગડિયા પેઢી પાસેથી 1 લાખ રૂપિયા રિકવર કર્યા

બારડોલી: સુરત જિલ્લાના કામરેજ પોલીસ સ્ટેશનના એક હેડ કોન્સ્ટેબલ અને ખાનગી વ્યક્તિ વિરુદ્ધ 1 લાખ રૂપિયાની લાંચ માંગવાનો ગુનો નોંધાયો છે. ગેરકાયદે બાયોડીઝલ વેચવાના મામલે કામરેજ પોલીસે નોંધેલા ગુનામાં બે વ્યક્તિની અટક કરી હતી. તેમને જામીન પર છોડી પુરવઠા મામલતદારને જાણ નહીં કરવા પેટે 1 લાખ રૂપિયાની માંગણી કરી હતી. આ રૂપિયા આંગડિયા પેઢી મારફત લેવા મામલે ખાનગી વ્યક્તિ અને જમાદાર વિરુદ્ધ ACBની ટીમ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો છે.

15મીએ નોંધાયો હતો ગુનો

ગત 15મી ફેબ્રુઆરીના રોજ કામરેજ પોલીસે નવાગામ ઉદ્યોગનગર ખાતેથી બાયોડિઝલ વેચવા મામલે ગુનો નોંધી માલિક અને કર્મચારીની અટક કરી હતી. બાદમાં બંનેને પોલીસે જામીન પર છોડી મુક્યા હતા.

પુરવઠા મામલતદારને વિગત નહીં આપવાના અવેજમાં માંગી લાંચ

તપાસ દરમિયાન આ કેસની વિગતો પુરવઠા મામલતદારને નહીં આપવાના અવેજમાં કામરેજ પોલીસમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ રમેશ શંકર વસાવાએ ખાનગી વ્યક્તિ અશ્વિન બેચર પટેલ મારફતે એક લાખ રૂપિયાની માંગ કરી હતી. જો કે ફરિયાદી આ રકમ આપવા માંગતા ન હોય તેમણે આ અંગે અમદાવાદ ACBમાં ફરિયાદ નોંધાવી હતી.

આંગડિયા પેઢી મારફતે મંગાવી લાંચની રકમ

જમાદાર રમેશ અને ખાનગી વ્યક્તિએ લાંચની રકમ કામરેજ ચાર રસ્તા ખાતે આવેલી વી.પટેલ એન્ડ કંપની નામની આંગડિયા પેઢી મારફત મંગાવી હતી.

બંને લાંચની રકમ લેવા ન આવ્યા

ગુરુવારના રોજ અમદાવાદ ACBની ટીમે છટકું ગોઠવ્યું હતું. પોલીસે આંગડીયા પેઢી પાસેથી રૂ. 1 લાખની રકમ કબ્જે કરી હતી. જો કે, ખાનગી વ્યક્તિ અને જમાદાર આ રકમ લેવા આવ્યા ન હતા. પોલીસે જમાદાર રમેશ વસાવા અને ખાનગી વ્યક્તિ અશ્વિન પટેલ વિરુદ્ધ સુરત જિલ્લા ગ્રામ્ય ACBમાં ગુનો નોંધાવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા સમય અગાઉ જ કીમ ચાર રસ્તા ખાતે બાયોડીઝલના ધંધામાં લાંચ લેવાના મામલે સુરત રેન્જ IG કચેરીના ઓપરેશનના જવાબદાર મહાદેવ કિશનરાવ અને LCB હેડ કોન્સ્ટેબલ દીપેશ હસમુખ મૈસૂરિયા વિરુદ્ધ પણ ગુનો નોંધાયો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.