ETV Bharat / state

રાજકોટ મનપાની જનરલ બોર્ડમાં આરોગ્ય પ્રશ્ને ભાજપ કોંગ્રેસ આમને સામને, 19 દરખાસ્તો મંજૂર

author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 20, 2023, 6:31 PM IST

રાજકોટ મહાનગરપાલિકાની જનરલ બોર્ડ બેઠક યોજાઇ હતી. જેમાં આરોગ્ય પ્રશ્ને ભાજપ કોંગ્રેસ આમને સામને આવી ગયાં હતાં. કોંગ્રેસ કોર્પોરેટર ભાનુબેન સોરાણીને પ્રશ્નોનો યોગ્ય જવાબ ન મળતા થોડા સમય માટે ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરો વચ્ચે તુંતુંમેંમેં સર્જાઇ હતી. Rajkot Corporation General Board Meeting Clash between BJP Congress

રાજકોટ મનપાની જનરલ બોર્ડમાં આરોગ્ય પ્રશ્ને ભાજપ કોંગ્રેસ આમને સામને, 19 દરખાસ્તો મંજૂર
રાજકોટ મનપાની જનરલ બોર્ડમાં આરોગ્ય પ્રશ્ને ભાજપ કોંગ્રેસ આમને સામને, 19 દરખાસ્તો મંજૂર

ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરો વચ્ચે તુંતુંમેંમેં

રાજકોટ : દિવાળીના નવા વર્ષ બાદ આજે રાજકોટ મહાનગરપાલિકાની જનરલ બોર્ડની બેઠક યોજાઇ હતી. જ્યારે જનરલ બોર્ડની બેઠકમાં આરોગ્ય, રોડ રસ્તા, આંગણવાડી તેમજ કુપોષિત બાળકોના પ્રશ્નો ચર્ચા કરવામાં આવી હતી. જેમાં કોંગ્રેસ કોર્પોરેટર ભાનુબેન સોરાણીને વિવિધ પ્રશ્નોનો યોગ્ય જવાબ ન મળતા થોડા સમય માટે ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરો વચ્ચે તુંતુંમેંમેં સર્જાઇ હતી. ત્યારબાદ 19 જેટલી દરખાસ્તોને સર્વાનુંમતે જનરલ બોર્ડમાં મંજૂર કરવામાં આવી છે. કોંગ્રેસ કોર્પોરેટર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે બોર્ડમાં પ્રજાના પ્રશ્નો સિવાય બિનજરૂરી પ્રશ્નો ઉપર ચર્ચા કરવામાં આવી છે.

કોંગ્રેસ કોર્પોરેટર દ્વારા કરાયા ગંભીર આક્ષેપ : મનપાની જનરલ બોર્ડ પૂર્ણ થયા બાદ કોંગ્રેસના કોર્પોરેટર ભાનુબેન સોરાણીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ગયા જનરલ બોર્ડમાં પણ મારા જે આરોગ્ય, રોગચાળો સહિતના પ્રશ્નો હતા તે પૂછવા દેવામાં આવ્યા નહોતા. હાલમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની ભીડ જોવા મળી રહે છે, શહેરમાં જે પાણી વિતરણ વ્યવસ્થા છે તેમાં પણ અલગ અલગ વિસ્તારોમાં દૂષિત પીવાનું પાણી આપવામાં આવી રહ્યું છે. જેના કારણે રોગચાળો વધ્યો છે. જ્યારે તાજેતરમાં જ રાજકોટના સર્વેશ્વર ચોકમાં કોર્પોરેશન સંચાલિત વોકળા પરનો પુલ તૂટી ગયો હતો અને એક વ્યક્તિનું મોત થયું છે પરંતુ આ મામલે કોર્પોરેશનના સત્તાધીશો દ્વારા હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આજની જનરલ બોર્ડમાં આંગણવાડીના પ્રશ્નોમાં એકથી દોઢ કલાકનો સમય વેડફાઈ ગયો હતો.

નિયમ પ્રમાણે પ્રશ્નો પૂછવામાં આવે છે : બીજી તરફ આ મામલે રાજકોટ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મનપાની સામાન્ય સભામાં આજે 19 જેટલી દરખાસ્તો હતી તે તમામ દરખાસ્તોને મંજૂર કરવામાં આવી છે.

જનરલ બોર્ડમાં આંગણવાડીને લઈને જે પ્રશ્નો હતા તેના ઉપર ચર્ચા કરવામાં આવી હતી. જનરલ બોર્ડમાં અલગ અલગ કોર્પોરેટરો દ્વારા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતાં અને કોર્પોરેશનના અધિકારીઓએ તમામ પ્રશ્નોના જવાબો પણ આપ્યા હતાં. જનરલ બોર્ડમાં સામે આવ્યું છે કે આંગણવાડીના બાળકોને OR પ્લાન્ટનું નથી મળતું ત્યારે કોર્પોરેશન દ્વારા આગામી દિવસોમાં આંગણવાડીના બાળકોને શુદ્ધ પીવાનું પાણી મળે તે પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે. કોંગ્રેસના આક્ષેપ મામલે જયમીન ઠાકરે વધુમાં જણાવ્યું હતું કે નિયમ પ્રમાણે જે તે સભ્યોને પ્રશ્ન પૂછવાનો વારો આવતો હોય છે...જયમીન ઠાકર ( સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન )

શહેરમાં 700 કુપોષિત બાળકો : રાજકોટ મહાનગરપાલિકાની જનરલ બોર્ડમાં ભાજપના સભ્ય દ્વારા પ્રશ્ન પૂછવામાં આવતા હતા અને આ પ્રશ્ન ઉપર 1થી દોઢ કલાક લાંબી ચર્ચા ચાલી હતી. ત્યારે કોંગ્રેસના કોર્પોરેટરો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે તેમને જનરલ બોર્ડમાં પ્રશ્ન પૂછવા દેવામાં આવતા નથી. બીજી તરફ જનરલ બોર્ડમાં ચર્ચા દરમિયાન રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં 700 જેટલા કુપોષિત બાળકો હોવાનું પણ સામે આવ્યું છે. જ્યારે રાજકોટ ગ્રામ્ય વિસ્તારની વાત કરવામાં આવે તો ત્યાં પણ 1000 કરતાં વધુ કુપોષિત બાળકો હોવાનું સામે આવ્યું છે.

મોબાઈલ લોકરમાં મૂકાયાં : ઉલ્લેખનીય છે કે રાજકોટ મહાનગરપાલિકાની જનરલ બોર્ડમાં ઘણી વખત કોર્પોરેટરો પ્રજાના પ્રશ્નોની ચર્ચા દરમિયાન પોતાના મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા હોય છે. જેને લઇને આજે યોજાયેલી જનરલ બોર્ડમાં કોર્પોરેટરોના મોબાઈલને કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલા લોકરમાં મૂકવામાં આવ્યાં હતાં.

  1. દિવાળી તહેવાર બાદ રાજકોટમાં રોગચાળો વકર્યો, શરદી-તાવ-ઉધરસના કેસમાં ઉછાળો
  2. Bhai Dooj 2023 : રાજકોટ મનપા દ્વારા ભાઈબીજ નિમિત્તે મહિલાઓ માટે વિશેષ સુવિધા, સિટી બસમાં નિઃશુલ્ક મુસાફરીનો લાભ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.