ETV Bharat / state

પોરબંદરમાં દીપડાએ ફરી દેખા દીધી, RGT કોલેજ વિસ્તારમાં તરસ છીપાવતો દીપડો કેમેરામાં કેદ થયો

author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 3, 2023, 12:23 PM IST

પાણી પીતો દીપડો કેમેરામાં કેદ થયો
પાણી પીતો દીપડો કેમેરામાં કેદ થયો

પોરબંદરમાં છેલ્લા સાત દિવસથી RGT કોલેજ વિસ્તાર નજીક દીપડાએ દેખા દીધી છે. ત્યારે ફરી એકવાર આ વિસ્તારમાં દીપડો પાણી પીતો દેખાયો હતો. જેને કોઈએ મોબાઈલ કેમેરામાં વીડિયો બનાવ્યો હતો. પોરબંદર વન વિભાગ દ્વારા અલગ અલગ ત્રણ સ્થળોએ પાંજરું પણ મૂકવામાં આવ્યું છે. પરંતુ દીપડો હજુ પણ પાંજરે પુરાયો નથી જેથી લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

પોરબંદર RGT કોલેજ વિસ્તારમાં દીપડાએ દેખા દીધી

પોરબંદર : છેલ્લા સાત દિવસથી પોરબંદરની RGT કોલેજ વિસ્તારમાં દીપડો દેખાવાની ઘટના સામે આવી છે. ત્યારે RGT કોલેજ વિસ્તારમાં રહેતા મોટાભાગના લોકોમાં ભયનો માહોલ છે. 4 દિવસ પહેલા સ્કૂલમાં દીપડો હોવાનો વીડિયો સામે આવ્યો હતો. ત્યારે ગઈકાલે આ વિસ્તારમાં દીપડો પાણી પીતો હોય તેવો વીડિયો સામે આવ્યો છે. વધુ એકવાર દીપડો દેખાતા વન વિભાગ દ્વારા તાત્કાલિક દીપડાને પકડવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.

પોરબંદરમાં દીપડાના આંટાફેરા : પોરબંદર શહેરની આસપાસનો વિસ્તાર દીપડાને જાણે માફક આવી ગયો હોય તે રીતે છેલ્લા એક વર્ષમાં અલગ અલગ સ્થળોએ અનેકવાર દીપડા જોવા મળ્યા છે. જુલાઈ માસમાં દીપડો શહેરના વાડી પ્લોટ વિસ્તારમાં રહેણાંક મકાનમાં આવી ચડ્યો હતો. જેને મહામુસીબતે વન વિભાગ દ્વારા પાંજરે પૂરવામાં આવ્યો હતો. ત્યારે માંડ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

બોખીરામાં સિંહ દેખાયાની ચર્ચા : પોરબંદરમાં એક તરફ દીપડો દેખાયો તો બીજી તરફ બોખીરા આવાસ યોજના નજીક સિંહ દેખાયો હોવાની ચર્ચા લોકોમાં ફેલાય છે. એક મહિલાએ દાવો કર્યો છે કે છેલ્લા ત્રણ દિવસથી આ વિસ્તારમાં સિંહ દેખાય છે તથા તેમની પાસે ફોટા પણ છે. પરંતુ વન વિભાગ દ્વારા આ પ્રકારની કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી. ઉપરાંત તપાસ દરમિયાન બોખીરા આવાસ યોજનાના નજીકથી સિંહના ફૂટ પ્રિન્ટ પણ મળ્યા નથી. આથી સિંહ બોખીરા વિસ્તારમાં આવ્યાની પુષ્ટિ વન વિભાગે કરી ન હતી.

જિલ્લામાં દીપડાની વસ્તી વધી : ઉલ્લેખનિય છે કે, પોરબંદર જિલ્લામાં દીપડાની સંખ્યામાં પણ વધારો નોંધાયો છે. આ અંગે વન વિભાગે જણાવ્યું છે કે, મે 2023 ની ગણતરી મુજબ પોરબંદર જિલ્લામાં 22 જેટલા દીપડા નોંધાયા છે. આ દીપડા બરડા જંગલ વિસ્તારમાં વસવાટ કરે છે અને ખોરાકની શોધમાં પોરબંદર શહેર સુધી આવી ચડે છે. વાડી વિસ્તારોમાં પણ દીપડા જોવા મળી રહ્યા છે. છેલ્લા એક વર્ષમાં કુલ ત્રણ દીપડા પાંજરે પૂરીને બરડા જંગલમાં રિલીઝ કરવામાં આવ્યા છે.

  1. પોરબંદર આરજીટી કોલેજ વિસ્તારમાં દીપડો દેખાતાં ત્રણ પાંજરાં મૂકાયા
  2. પોરબંદરમાં કમોસમી કેસર કેરીનો રેકોર્ડ બ્રેક ભાવ 1551 રુપિયા, એક જ દિવસમાં ભાવ ડબલ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.