ETV Bharat / state

વાંસદાના ગામડાઓની શાળાઓમાં શરૂ થયેલા આઇસોલેશન સેન્ટરોમાં સુવિધાનો અભાવ

author img

By

Published : May 14, 2021, 6:19 PM IST

નવસારી જિલ્લામાં વસતા કોરોના સંક્રમણને રોકવા માટે ગામડે-ગામડે સરકારી પ્રાથમિક શાળાઓમાં આઇસોલેશન સેન્ટરો શરૂ કરવામાં આવ્યા છે. જેમાં વાંસદા તાલુકાના છેવાડાના માનકુનિયા ગામે 10 દિવસ અગાઉ શરૂ કરેલા આઇસોલેશન સેન્ટરના દરવાજે ખંભાતી તાળું લટકી રહ્યું છે.

વાંસદાના ગામડાઓની શાળાઓમાં શરૂ થયેલા આઇસોલેશન સેન્ટરોમાં સુવિધાનો અભાવ
વાંસદાના ગામડાઓની શાળાઓમાં શરૂ થયેલા આઇસોલેશન સેન્ટરોમાં સુવિધાનો અભાવ

  • માનકુનિયા પ્રાથમિક શાળાના આઇસોલેશન સેન્ટરના દરવાજે ખંભાતી તાળુ
  • સુવિધા ન મળવાથી દર્દીઓ ઘરના ઓટલા પર આઇસોલેટ થવા મજબૂર
  • આઇસોલેશન સેન્ટરોમાં યોગ્ય સુવિધા આપવા ગ્રામજનોની માગ
    વાંસદાના ગામડાઓની શાળાઓમાં શરૂ થયેલા આઇસોલેશન સેન્ટરોમાં સુવિધાનો અભાવ

નવસારી: જિલ્લામાં વસતા કોરોના સંક્રમણને રોકવા માટે ગામડે-ગામડે સરકારી પ્રાથમિક શાળાઓમાં આઇસોલેશન સેન્ટરો શરૂ કરવામાં આવ્યા છે. જેમાં વાંસદા તાલુકાના છેવાડાના માનકુનિયા ગામે 10 દિવસ અગાઉ શરૂ કરેલા આઇસોલેશન સેન્ટરના દરવાજે ખંભાતી તાળું લટકી રહ્યું છે, જ્યારે વાંસદાના આઇસોલેશન સેન્ટરમાં ડૉક્ટર દૂરથી જ હાલચાલ પૂછીને જતા રહે છે. આ સાથે જ આઇસોલેશન સેન્ટરો પર દવા, પાણી, જમવા તેમજ અન્ય સુવિધા ન મળતા ગામના કોરોના સંક્રમિત લોકો ઘરે આઇસોલેટ થઈને સારવાર લઇ રહ્યા છે. જેને કારણે ગ્રામજનોમાં તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચોઃ સરકારના પોકળ દાવા, જૂનાગઢનું સરગવાળા ગામ આજે પણ તબીબી સહાયથી વંચિત

આઇસોલેશન સેન્ટરમાં ફક્ત ગાદલાની વ્યવસ્થા

નવસારી જિલ્લામાં સતત વધી રહેલા કોરોના સંક્રમણને કારણે જિલ્લાની ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં જગ્યા નથી. જેને કારણે કોરોના સંક્રમણને રોકવા માટે જિલ્લાના ગામડાઓની સરકારી પ્રાથમિક શાળાઓમાં આઇસોલેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે. જેમાં તંત્ર દ્વારા ગાદલા-તકિયાની વ્યવસ્થા કરવા સાથે જ દર્દીઓને માટે ચા-નાસ્તો જમવાનું તેમજ કોરોનાની પ્રાથમિક સારવારમાં ઉપયોગી એવી દવાઓ તથા નજીકના PHC-CHCના ડૉક્ટરો દ્વારા નિયમિત તપાસ કરવામાં આવે એવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, પરંતુ જિલ્લાના આઇસોલેશન સેન્ટરોની જમીની હકીકત કંઇક અલગ જ છે. જેમાં વાંસદા તાલુકાના સરહદી ગામોમાં વધેલા કોરોના સંક્રમણ બાદ દસ દિવસ અગાઉ માનકુનિયા પ્રાથમિક શાળામાં આઇસોલેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યું હતુ, પરંતુ તંત્ર દ્વારા સેન્ટરમાં ફક્ત ગાદલા અને તકિયાની વ્યવસ્થા કરવામાં આવી છે. ગ્રામજનોના આક્ષેપો છે કે, આઇસોલેશન સેન્ટરમાં દવાની વ્યવસ્થા નથી. આ સાથે જ અહીં રહેનારા દર્દીને જમવાનું તેમના ઘરેથી લાવવું પડે તેવી સ્થિતિ છે. દર્દીને સમાયંતરે ચકાસવા માટે ડૉક્ટર કે નર્સની વ્યવસ્થા પણ નથી. જેથી ગામના કોરોના સંક્રમિત દર્દીઓ પોતાના કાચા મકાનમાં આઇસોલેટ થઈ કોરોનાની સારવાર લઇ રહ્યા છે, જ્યારે ઘણા દર્દીઓ ઘરના ઓટલા પર જ રહીને સારવાર લે છે. જેથી ઘરમાં રહેતા અન્ય સભ્યો કોરોનાના સંક્રમણથી બચી શકે. જેથી તંત્ર દ્વારા સેન્ટર ઉપર રહેવા સાથે જમવાની તેમજ પૂરતી દવા અને ડૉક્ટરો દ્વારા તપાસ કરાય એવી માંગણી ગ્રામજનો કરી રહ્યા છે.

આઇસોલેશન સેન્ટર
આઇસોલેશન સેન્ટર

વાંસદા ગામની 20,000ની વસતી સામે 6 બેડનું આઇસોલેશન સેન્ટર કાર્યરત કરાયું

વાંસદા તાલુકાના 96 ગામડાઓમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે. જેમાંથી ઘણા ગામડાઓમાં કોરોના સંક્રમિતોની સંખ્યા સાથે મૃત્યુનો આંક પણ વધુ છે. મુખ્ય મથક એવા વાંસદા ટાઉનમાં કોટેજ હોસ્પિટલમાં પણ બેડની સંખ્યા ઘટી પડી છે, ત્યારે વાંસદાની 20,000થી વધુની વસ્તી સામે ગ્રામ પંચાયત દ્વારા વાંસદા કુમાર શાળામાં ફક્ત 6 બેડનું આઇસોલેશન સેન્ટર શરૂ કરાયું છે. અહીં પણ રહેવા સાથે જમવાની તથા દવાની વ્યવસ્થા કરવામાં આવી ન હોવાની ફરિયાદો ઉઠી છે, જ્યારે આઇસોલેશન સેન્ટરમાં દાખલ દર્દીને જોવા આવતા ડૉક્ટર દૂરથી હાલચાલ પૂછીને જતા રહે છે. દર્દીનું ઓક્સિજન લેવલ કે બીપી માપવા માટેની તસ્દી પણ લેવામાં આવતી નથી, જ્યારે દવા પણ દર્દીના સગાએ બહારથી લાવવા પડે છે. જેને જોતા અહીં આઇસોલેશન થવા આવતા દર્દીઓની સંખ્યા નહીંવત છે.

આઇસોલેશન સેન્ટર
આઇસોલેશન સેન્ટર

આ પણ વાંચોઃ જામનગરમાં કોરોના વચ્ચે પણ નાઘેડી ગામે આરોગ્ય કેન્દ્રમાં અલીગઢી તાળુ

જિલ્લામાં 357 શાળાઓમાં શરૂ કરાયા આઇસોલેશન સેન્ટર

નવસારી જિલ્લામાં પણ મારૂ ગામ, કોરોના મુક્ત ગામ હેઠળ 360 ગ્રામ પંચાયતોમાંથી 357 ગામોની સરકારી પ્રાથમિક શાળાઓમાં રહેવાની, જમવાની વ્યવસ્થા સાથે નજીકના PHC કે CHCના ડૉક્ટરો સેન્ટરની વિઝીટ કરી, દર્દીઓની તપાસ કરી જરૂરી સારવાર આપે, એવી વ્યવસ્થા ગોઠવી, દવા પણ દર્દીને મળી રહે એવી વાત જિલ્લા વિકાસ અધિકારી કરી રહ્યા છે, પરંતુ ગામડાઓના ઘણા આઇસોલેશન સેન્ટરો પર પાણી, જમવાની, દવાની સુવિધા જ નથી મળી રહી. જેથી આદિવાસી પટ્ટાના ગામડાઓમાં તંત્ર સામે રોષ છે. આ સાથે જ તંત્ર કોરોનાકાળમાં મદદરૂપ બને એવી અપીલ પણ કરી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.