ETV Bharat / state

Narmada Dam Foundation Day : નર્મદા ડેમને 62 વર્ષ પૂર્ણ, કઇ રીતે બન્યો "ગુજરાતની જીવાદોરી' જૂઓ

author img

By

Published : Apr 5, 2023, 9:32 PM IST

ગુજરાતની જ નહીં દેશના ચાર રાજ્યો માટે મહત્ત્વાકાંક્ષી જળ પ્રકલ્પ યોજના એવા નર્મદા ડેમની આજે 62મી વર્ષગાંઠ છે. ગુજરાતની જીવાદોરીના નામે આ બંધને ઓળખવામાં આવે છે તે યોગ્ય જ છે તેટલું મોટું પ્રદાન છે. નર્મદા ડેમના 62 વર્ષના પ્રલંબ અસ્તિત્વની અનેક વાતો આજે યાદ કરવામાં આવી રહી છે.

Narmada Dam Foundation Day : નર્મદા ડેમને 62 વર્ષ પૂર્ણ, કઇ રીતે બન્યો "ગુજરાતની જીવાદોરી' જૂઓ
Narmada Dam Foundation Day : નર્મદા ડેમને 62 વર્ષ પૂર્ણ, કઇ રીતે બન્યો "ગુજરાતની જીવાદોરી' જૂઓ

નર્મદા ડેમના અસ્તિત્વની અનેક વાતો

નર્મદા : ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમના પાયા નંખાયાને આજે 62 વર્ષ પૂર્ણ થયાં છે. 5મી એપ્રિલ 1961ના રોજ પૂર્વ વડાપ્રધાન સ્વ. જવાહરલાલ નહેરૂએ કેવડિયા ખાતે નર્મદા ડેમનો પાયો નાંખ્યો હતો. આજે 62 વર્ષ બાદ નર્મદા ડેમ તેની 138.68 મીટરની પૂર્ણ સપાટી સુધી બંધાઇ ચુકયો છે તથા ડેમની બાજુમાં વિશ્વની સૌથી ઉંચી સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા બની ચૂકી છે.

135 શહેરોને પીવાનું પાણી : નર્મદા ડેમ આજે 18.45 લાખ હેકટર જમીનને સિંચાઇનું પાણી તથા 8,000 ગામો અને 135 શહેરોને પીવાનું પાણી પૂરુ પાડવા માટે સક્ષમ બન્યો છે. નર્મદા ડેમનું બાંધકામ 9 વર્ષમાં 16.76 મીટર જેટલું વધ્યું હતું. ડેમ વિસ્તારમાં બનેલી સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાના હદયમાંથી નર્મદા ડેમનો અદભુત નજારો માણી શકાય છે.

પારસી ઇજનેરની પરિકલ્પના : નર્મદા યોજનાનો વિચાર મૂળ તો મુંબઈના જમશેદજી એમ.વાચ્છા નામના પારસી ઇજનેરને ફેબ્રુઆરી 1947માં આવ્યો હતો. ત્યારે તે સમયના વડાપ્રઘાન સ્વ.પંડિત જવાહરલાલ નહેરુને મળી સરકારમાં આ પ્રોજેક્ટ રજૂ કર્યો હતો. જે 14 વર્ષ બાદ એટલે કે પાંચમી એપ્રિલ 1961 માં અમલમાં આવ્યો અને જવાહરલાલ નહેરુના હસ્તે થયું હતું.આ ડેમ સેકડો ઇજનેર અને હજારો કારીગરોના પુરુષાર્થ થકી ગત તા-31 ડીસેમ્બર 2006 સુધીમાં 121.92 મીટરે પહોચ્યો હતો. સરદાર સરોવર નર્મદા ડેમ 17 મી સપ્ટેમ્બર 2020 ના રોજ 138.68 મીટર પોતાની પૂર્ણ સપાટીએ પહોંચ્યો હતો.

આ પણ વાંચો નર્મદે સર્વદે હવે ખરા અર્થમાં સાબિત થશે, નર્મદા ડેમ 138.68 મીટરની પૂર્ણ સપાટીએ

2014 બાદ દરવાજા લાગવાની શરૂઆત : 2006 બાદ દરવાજા લગાવવાના મુદ્દે ડેમની કામગીરી અટકી પડી હતી. દેશમાં 2014માં નરેન્દ્ર મોદીની સરકાર બન્યાં બાદ નર્મદા કંટ્રોલ ઓથોરીટીએ દરવાજા નાંખવાની મંજૂરી આપી હતી. 121.92 મીટરની સપાટી બાદ 30 ગેટ લગાવવામાં આવ્યાં છે. ગેટ લાગી ગયાં બાદ હાલ ડેમની સપાટી 138.68 મીટર સુધી પહોંચી ચુકી છે. ત્રણ વખત ડેમ 138.68 મીટરની પૂર્ણ સપાટી સુધી ભરાઇ પણ ચૂકયો છે.

દેશની મહત્વાકાંક્ષી જળ યોજના : નર્મદા ડેમ જેને સરદાર સરોવર ડેમના નામે ઓળખવામાં આવે છે તે આપણા દેશની સૌથી મોટી જળ પ્રકલ્પ યોજના છે. આ યોજનામાં મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્ય પ્રદેશ અને રાજસ્થાન જેવા મોટાં રાજ્યો જોડાયેલાં છે. પાણી વહાવવાની શક્તિની ક્ષમતાના આધારે નર્મદા ડેમ વિશ્વનો ત્રીજો સૌથી મોટો ડેમ છે. આ યોજના 532 કિલોમીટર લાંબી નર્મદા મુખ્ય નહેર વિશ્વની સૌથી લાંબી સિંચાઇ નહેર છે. કોંક્રિટથી બનેલો નર્મદા ડેમ ભારતનો ત્રીજો સૌથી ઉંચો ડેમ છે અને તેમાંથી ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રના દુષ્કાળ પ્રભાવિત વિસ્તારોમાં સિંચાઈનું પાણી પૂરું પાડી શકાય છે. પાડોશી રાજ્ય રાજસ્થાન અને ગુજરાતની મોટી જનસંખ્યા માટે નર્મદાનું પીવાલાયક પાણી જીવનદાયી બન્યું છે.

સરદાર પટેલના નામે કેમ : નર્મદા ડેમનું સ્વપ્ન લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે જોયું હતું. જેથી આ ડેમનું નામ સરદાર સરોવર રાખવામાં આવ્યું છે. ગુજરાતમાં ભાજપ કે, કોંગ્રેસ નર્મદા મુદ્દે ક્યારે વિરોધ કરતા જોવા મળ્યા નથી. ગુજરાતના રાજકારણમાં નર્મદા ડેમની એક આગાવી વિભાવના રહી છે. ગુજરાતમાં નર્મદા ડેમ અને સરદાર પટેલના નામે રાજનીતિ થતી રહી છે. કોંગ્રેસના પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ નર્મદા ડેમનો પાયો નાંખ્યો હતો. તો આજે ભાજપના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના કાર્યકાળમાં આ ડેમનું કામ પૂર્ણ કરાવ્યું છે.

આ પણ વાંચો SoU સહિત તમામ પ્રોજેક્ટ પ્રવાસીઓ માટે હોટ ફેવરિટ

ડેમના કામમાં વિઘ્નો આવ્યાં : નર્મદા ડેમ બનાવવાના કામકાજની શરૂઆત વર્ષ 1987માં થઇ હતી પરંતુ ભૂમિપૂજનથી લઈ કામની શરૂઆતમાં 26 વર્ષનો સમયગાળો નીકળી ગયો હતો. જેની પાછળ મુખ્ય કારણ નર્મદા બચાવો આંદોલન હતું. નર્મદા બચાવો આંદોલનમાં મેધા પાટકર, બાબા આમ્ટે અને કેટલીક સ્વેચ્છિક સંસ્થાની આગેવાની હતી અને તેઓએ ડેમના કામકાજ સામે પર્યાવરણના મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. જોકે 1993માં સરદાર સરોવર પ્રોજેક્ટને વિશ્વ બેન્કે સહાય પરત ખેંચી લીધી હતી. તે પછી વર્ષ 2000ના ઓક્ટોબર મહિનામાં સુપ્રીમ કોર્ટે મંજૂરી આપતા સરદાર સરોવર બંધનું રોકાયેલું કામઆગળ ધપ્યું હતું.

ડેમની ઊંચાઇનો વિવાદ થયો : 1999માં ફરી નર્મદા ડેમનું કામ અટક્યું હતું કારણ કે ડેમની ઊંચાઇ માત્ર 80.3 મીટર હતી, ત્યાર બાદ નર્મદા કંટ્રોલ ઓથોરિટીએ ડેમની ઊંચાઇ વધારવાની મંજૂરી આપી અને વર્ષ 2000માં ડેમની ઊંચાઈ 85 મીટર થઈ હતી.. ક્રમશઃ 2001, 2002 અને 2003માં તબક્કાવારપાંચ પાંચ મીટર ઊંચાઇ વધારવાની પરવાનગી આપવામાં આવી હતી. 2006ની 31 ડિસેમ્બરે ડેમનું કામ 121.92 મીટરે ફરી અટકી ગયું હતું. ત્યારે નર્મદા વિવાદ સામે લડી રહેલા ગુજરાતના તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી 51 કલાકના ઉપવાસ પર બેઠાં. તેઓએ નર્મદા ડેમની ઊંચાઇ વધારવા મુદ્દે લડત આપી પણ તત્કાલીન UPA સરકાર આ મુદ્દો માન્યો નહીં.

મોદીને મળ્યો મોકો : નર્મદા ડેમની ઊંચાઇ વધારવાનું સપનું સાકાર કરવા માટે નરેન્દ્ર મોદીને 2014ની લોકસભા ચૂંટણીમાં જંગી બહુમતી જીતીને વડાપ્રધાન પદ પર બેઠાં બાદ મોકો મળ્યો હતો. વડાપ્રધાન તરીકેના કાર્યકાળના શરૂઆતના દિવસોમાં જ પીએમ નરેન્દ્ર મોદીએ નર્મદા ડેમની ઊંચાઈ 138.39 મીટર સુધી લઇ જવાની પરવાનગી આપી દીધી. અંતે 17 જૂન 2017ના દિવસે ડેમના દરવાજા બંધ થતાંની સાથે ડેમની ઊંચાઇ વધારવાનું કામ પૂર્ણ થયું હતું. જે બાદ પીએમ મોદીએ નર્મદા નીરને વધાવ્યાં હતાં.

સ્ટેચ્યૂ ઓફ યુનિટી પ્રોજેકટ આવ્યો : નર્મદા બંધ જ્યાં આવેલો છે તે કેવડિયા કોલોનીમાં ર નર્મદા બંધના પ્રાકૃતિક સૌંદર્યને નવો ઓપ આપવા સ્ટેચ્યૂ ઓફ યુનિટી પ્રોજેકટ લાવવામાં આવ્યો હતો. સરદાર પટેલના 'એકતા સ્મારક'માં 450 ફૂટની ઉંચાઇ ઉપર દર્શક ગેલેરી, સરદાર પટેલના જીવન-દર્શનની ઝલક આધુનિક ટેકનોલોજીથી પ્રસ્તુત કરવામાં આવી છે જેની મુલાકાતે અત્યાર સુધીમાં લાખો લોકો આવી ચૂક્યાં છે. આ સ્ટેચ્યુ ઓફ યુનિટી દેશ અને દુનિયાના નાગરિકો હોટ ફેવરિટ ડેસ્ટિનેશન બન્યું છે સાથે આસપાસના ગામોના યુવાનોને રોજગારીના અવસર પૂરા પાડવાનું માધ્યમ પણ બન્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.