ETV Bharat / state

Maha Shivratri 2023 : હર હર મહાદેવના નાદ સાથે મહાશિવરાત્રી મેળાનો થયો શુભ આરંભ

author img

By

Published : Feb 15, 2023, 4:58 PM IST

ગરવા ગઢ ગિરનારની તળેટીમાં સ્થિત ભવનાથ મહાદેવ મદિરમાં આજે અદમ્ય ઉત્સાહનો માહોલ જોવા મળતો હતો. દેવાધિદેવ ભવનાથ મહાદેવ પર ધર્મની ધજા ચડાવીને મહાશિવરાત્રીના મહાપર્વની ધાર્મિક પૂજન સાથે શરૂઆત કરવામાં આવી છે.

Maha Shivratri 2023 : હર હર મહાદેવના નાદ સાથે મહાશિવરાત્રી મેળાનો થયો શુભ આરંભ
Maha Shivratri 2023 : હર હર મહાદેવના નાદ સાથે મહાશિવરાત્રી મેળાનો થયો શુભ આરંભ

ભવનાથ મહાદેવ પર ધર્મની ધજા ચડાવવાની વિધિ

ભવનાથ : ભવનાથ મહાશિવરાત્રીનું મહાપર્વ ભવનાથની ગીરી તળેટીમાં હર હર મહાદેવના નાદની સાથે શરૂ થયું છે. આજે વહેલી સવારે શુભ ચોઘડિયામાં દેવાધિદેવ ભવનાથ મહાદેવ પર ધર્મની ધજાનું આરોહણ કરીને મહાશિવરાત્રીના મહાપર્વની ધાર્મિક પૂજન સાથે શરૂઆત કરવામાં આવી હતી. ધ્વજા પૂજન વખતે મહામંડલેશ્વર સહિત તમામ નાનામોટા સન્યાસીઓએ હાજર રહીને દેવાધિદેવ મહાદેવની ધર્મધ્વજાના પૂજનના સાક્ષી બન્યા હતા. ધ્વજાનું પૂજન બાદ વિધિવત રીતે શિવના ચરણોમાં અર્પણ કરાઇ હતી.

મહાશિવરાત્રીના મહાપર્વની ધાર્મિક પૂજન સાથે શરૂઆત
મહાશિવરાત્રીના મહાપર્વની ધાર્મિક પૂજન સાથે શરૂઆત

મહાશિવરાત્રી મહાપર્વ થયું શરૂ : મહાશિવરાત્રીનું મહાપર્વ આજે ધાર્મિક રીતે શરૂ થયું છે. વહેલી સવારે શુભ ચોઘડિયા દરમિયાન નૂતન ધ્વજાનું પૂજન કરીને ભવનાથ મહાદેવ પર તેમનું આરોહણ કર્યા બાદ મેળાને વિધિવત રીતે શરૂ કરવામાં આવ્યો હતો. વહેલી સવારે ભાવનાથ મંદિર પરિસરમાં સાધુ સંતો અને મહામંડલેશ્વરની હાજરીમાં મહાદેવની ધ્વજાને પંડિતોની હાજરી અને મંત્રોચ્ચાર સાથે પૂજન કર્યા બાદ મહાશિવરાત્રી મેળાની શુભ શરૂઆત કરવામાં આવી છે.

આ પણ વાંચો Maha Shivratri 2023: મહાશિવરાત્રિના મેળામાં જોવા મળશે ધર્મના અનેક દ્રષ્ટાંત, મેળામાં આવ્યા ખડેશ્રી બાબા

ગીરી તળેટી શિવમય બનતી જોવા મળી : ધજાના પૂજન વખતે હર હર મહાદેવ જય શિવ શંકરના નાદથી ભવનાથની ગીરી તળેટી શિવમય બનતી પણ જોવા મળી હતી. આજથી ચાર દિવસ સુધી મહાશિવરાત્રીના આ મહાપર્વનો ભવનાથની ગીરી તળેટીમાં ધર્મની સાક્ષીએ આયોજન થયું છે. જેનો આજે પ્રથમ દિવસ ખૂબ જ ધાર્મિક રીતે મહત્વનો માનવામાં આવે છે. જેમાં મહાદેવની ધ્વજા પૂજા કરીને મેળાને વિવિધ રીતે મહાદેવ અને ગુરુ દત્તાત્રેયને અર્પણ કરીને ધાર્મિક મહોત્સવની શુભ શરૂઆત કરવામાં આવી છે.

મીની કુંભની સમકક્ષ છે મહાશિવરાત્રીનો મેળો : ભવનાથની ગીરી તળેટીમાં આદિ અનાદિકાળથી આયોજિત થતો આવતો મહાશિવરાત્રીનો આ મેળો મીની કુંભની સમકક્ષ માનવામાં આવે છે. દર વર્ષે આયોજિત થતા શિવરાત્રીના મેળામાં સમગ્ર દેશ અને દુનિયાભરથી ખૂબ મોટી સંખ્યામાં સન્યાસીઓની હાજરી જોવા મળે છે. જે આ મેળાની ધાર્મિક મહત્તા પણ પૂર્ણ કરે છે.

આ પણ વાંચો Russian Sadhvi in Junagadh : ઇતિહાસમાં પ્રથમ વખત વિદેશી સાધ્વીએ ગીરી તળેટીમાં ધખાવ્યો ધુણો

મુક્તાનંદ બાપુએ શુભકામના આપી : મેળાના આયોજનને લઈને સાધુ સમાજના ભારત વર્ષના પ્રમુખ મુક્તાનંદ બાપુએ પણ મેળાના આયોજનને લઈને સૌને શુભકામનાઓ પાઠવી હતી. સાથે સાથે આ મેળો ધર્મની ધજાને વધુ બુલંદ કરવા માટે પણ સનાતન ધર્મમાં મહત્વનો માનવામાં આવે છે. ત્યારે આજે તમામ સાધુ સંતો અને મહામંડલેશ્વરની હાજરીમાં મેળાની શુભ શરૂઆત થઈ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.