Ashadeep Charitable Trust : જૂનાગઢના મનોદિવ્યાંગ બાળકોના દિવ્ય હાથ કરશે તમારા ઘરને રોશન

Ashadeep Charitable Trust : જૂનાગઢના મનોદિવ્યાંગ બાળકોના દિવ્ય હાથ કરશે તમારા ઘરને રોશન
જૂનાગઢમાં આવેલી આશાદીપ ચેરીટેબલ ટ્રસ્ટના મનોદિવ્યાંગ બાળકો દ્વારા બનાવવામાં આવેલા 30 હજાર કરતાં વધુ દિવડાઓ આગામી નવરાત્રી અને દિવાળીના મહાપર્વમાં સૌ કોઈના ઘરને રોશન કરતા જોવા મળશે. અમદાવાદ સ્થિત ખાનગી દવા બનાવતી કંપની દ્વારા 30 હજાર દીવડાનો ઓર્ડર આશાદીપ ચેરીટેબલ ટ્રસ્ટને પ્રાપ્ત થયો છે. જેમાંથી થતી તમામ આવક મનોદિવ્યાંગ બાળકોમાં વહેંચી આપવામાં આવશે.
જૂનાગઢ : પાછલા 18 વર્ષથી આશાદીપ ચેરીટેબલ ટ્રસ્ટ સંસ્થા મનોદિવ્યાંગ બાળકો માટે કામ કરી રહી છે. ત્યારે આ વર્ષે દિવાળીના દિવસો દરમિયાન મનોદિવ્યાંગ બાળકો દ્વારા બનાવવામાં આવેલા દીવડાઓની વિશેષ માંગ જોવા મળી રહી છે. આશાદીપ ચેરીટેબલ ટ્રસ્ટમાં 60 જેટલા મનોદિવ્યાંગ બાળકો અલગ અલગ પ્રકારની તાલીમ લઈ રહ્યા છે.
30 હજાર દીવાનો ઓર્ડર : અમદાવાદ સ્થિત ખાનગી ફાર્માસ્યુટિકલ કંપની દ્વારા આ વર્ષે જૂનાગઢના દિવ્યાંગ બાળકોના હાથથી બનેલા 30 હજાર જેટલા દીવડાનો ઓર્ડર સંસ્થાને પ્રાપ્ત થયો છે. જેને લઈને મનોદિવ્યાંગ બાળકો દ્વારા દીવડા બનાવવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે. આ કાર્યથી ઉભી થતી તમામ આવક સંસ્થામાં કૌશલ્ય તાલીમ પ્રાપ્ત કરી રહેલા મનોદિવ્યાંગ બાળકોમાં સરખા ભાગે વહેંચી આપવામાં આવશે.
બાળકોને કૌશલ્ય તાલીમ : આશાદીપ સંસ્થામાં તાલીમ લઈ રહેલા મનોદિવ્યાંગ બાળકોને તેમની કામ કરવાની ક્ષમતા અને આવડત મુજબ કામ આપવામાં આવે છે. જે બાળકો સરળતાથી કોઈ કામને સમજી શકે તેવા મનોદિવ્યાંગ બાળકને મુશ્કેલ કહી શકાય તેવા કામની ફાળવણી થાય છે. તો કેટલાક બાળકો એવા પણ હોય છે કે, જેમને કોઈ પણ કામ માટે ખૂબ જ સમજાવવા પડે છે.
સંસ્થાનો હેતુ મનોદિવ્યાંગ બાળકોને તેમની યોગ્યતાના આધારે તાલીમબધ્ધ કરીને ફરી પાછા સમાજ જીવનમાં જોડી શકાય તેટલી હદે કાબેલ કરવાનો છે. પાછલા 18 વર્ષથી આ સંસ્થા જૂનાગઢના અનેક મનોદિવ્યાંગ બાળકોને શારીરિક રીતે અક્ષમ હોવા છતાં પણ આર્થિક રીતે પગભર થવાની સાથે સમાજ જીવનમાં પુનઃસ્થાપિત કરી ચૂકી છે. -- કર્મજ્ઞા બુચ (ટ્રસ્ટી, આશાદીપ ચેરીટેબલ ટ્રસ્ટ)
મનોદિવ્યાંગ બાળકો : સંસ્થામાં તાલીમ માટે આવતી મનોદિવ્યાંગ શિવાની જેઠવાએ તેનો પ્રતિભાવ આપ્યો હતો. તેણે જણાવ્યું હતું કે, અમને દીવડા બનાવવાના કામમાં ખૂબ જ મજા આવે છે. દીવડાને કલર કરવો, તેમાં દિવેટ લગાવવી, મીણ ભરવું અને તેમાં ઝરી કામ કરીને દીવડાને આકર્ષક પેકિંગ કરવું. આવા કામોને લઈને મને ખૂબ મજા આવે છે. મનોદિવ્યાંગોને ખૂબ જ સરળતા પડે તે પ્રકારના કામની વહેંચણી કરીને આગામી દિવસોમાં કંપની દ્વારા પ્રાપ્ત થયેલ 30 હજાર દીવડાના ઓર્ડરને પૂરો કરવાને લઈને કામ ચાલી રહ્યું છે.
આશાદીપ ચેરીટેબલ ટ્રસ્ટ : સંસ્થામાં પાછલા ઘણા વર્ષોથી કામ કરી રહેલા પૂર્ણાબેન હેડાવે પણ ઈટીવી ભારત સાથે એક્સક્લુસિવ વાતચીત કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે, અહીં તાલીમ લઈ રહેલા તમામ બાળકોને તેની યોગ્યતા અને તેની કામ કરવાની ક્ષમતાને ધ્યાને રાખીને તમામ બાળકોને દીવડા બનાવવાનું કામ સોંપવામાં આવ્યું છે. પાછલા એક મહિનાથી બાળકો કામ કરી રહ્યા છે. આગામી એક મહિના દરમિયાન તમામ પ્રકારનું કામ માત્ર દિવ્યાંગ બાળકો દ્વારા પૂર્ણ કરી દેવામાં આવશે. ત્યારબાદ દીવડાનો તમામ જથ્થો ખાનગી ફાર્માસ્યુટિકલ કંપનીને મોકલી આપવામાં આવશે.
