ગાંધીનગર : OBC બિલ ઉપર ચર્ચા પૂર્ણ થયા બાદ જ્યારે મતદાન પર બિલ મૂકવાનું હતું ત્યારે કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ ગુજરાતમાં યુનિટ દીઠ વસ્તી ગણતરી કરીને ઓબીસી અનામત લાગુ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. જ્યારે અનેક સભ્યોએ કોર્ટમાં જવાની પણ ચીમકી ઉચ્ચારી હતી. ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર હાલમાં 27 ટકા અનામત આપવા જઈ રહી છે અને જો કોર્ટમાં જાય તેવી પણ શક્યતાઓ હવે ઉદ્ભવી છે, તો આ કાયદો અટકી જશે. આમ અત્યારે જેની જરૂર છે એના માટે જ કાયદો લાવ્યા છીએ. અમિત ચાવડાએ પણ વિરોધ કરતા નિવેદન આપ્યું હતું કે, રાજ્ય પ્રધાન ઋષિકેશ પટેલ 27 ટકા અનામત આપીને દયા ઉપકાર કરતા હોય તેવું લાગી રહ્યું છે.
કોંગ્રેસ પક્ષની હંમેશા અનામતમાં નકારાત્મક ભૂમિકામાં જોવા મળે છે. ગુજરાતમાં 1980થી 1985 સુધી માધવસિંહ સોલંકીની સરકાર હતી, તેમાં માધવસિંહ સરકારે 18 ટકા ઓબીસી આપવાની જાહેરાત કરી હતી. પરંતુ કેન્દ્રની કોંગ્રેસ સરકારે માધવસિંહનું રાજીનામું લઈ લીધું અને ત્યારબાદ 1993માં ભાજપના તમામ ધારાસભ્યોએ અનામત બાબતે ટેકો આપ્યો હતો, પરંતુ આ અનામત 10 ટકાથી આગળ વધ્યું નથી. વર્ષ 2021માં સુપ્રીમ કોર્ટ દ્વારા સ્થાનિક સ્વરાજની સંસ્થામાં અનામત માટેની સૂચના આપવામાં આવી હતી. ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને બિહારમાં ઓબીસી અનામત આપવામાં આવ્યા બાદ ગુજરાત પાંચમું રાજ્ય બન્યું છે. રાજ્યમાં સૌથી વધુ 27 ટકા અનામત છે. મહારાષ્ટ્રમાં 27, બિહારમાં 20, રાજસ્થાનમાં 21 ટકા જ્યારે પશ્ચિમ બંગાળમાં શહેરી વિસ્તારમાં કોઈ જ પ્રકારની જોગવાઈ ઓબીસી અનામત માટે રાખવામાં આવી નથી. ગુજરાતમાં શહેર, ગ્રામ્ય, તાલુકા અને જિલ્લામાં તમામ જગ્યા ઉપર ઓબીસી અનામત રાખવામાં આવી છે. જેના કારણે 14,000 જેટલી ગ્રામ પંચાયત, 12,500 બેઠકમાંથી 22,618 બેઠકો, 8 કોર્પોરેશન વિસ્તારમાં 67 બેઠકથી વધીને 181 બેઠકો. 156 નગરપાલિકામાંથી 481 ઓબીસી બેઠક માંથી કુલ 1270 બેઠકો થશે. આમ રાજ્યમાં કુલ આશરે 11,081 OBCની બેઠકોમાં વધારો થશે. - ઋષિકેશ પટેલ, ભાજપા પ્રવક્તા
વડાપ્રધાન મોદી OBC સમાજ માંથી આવે છે અને તેમના પર ચોપડી છપાઈ છે, તે ગર્વ ની વાત છે. ગુજરાતમાં 30 વર્ષથી ભાજપની સરકાર છે. તો કેમ ખ્યાલ ન આવ્યો કે 10 ટકા અનામત છે, તો કેમ વધારી નહિ ? વર્ષ 2022 સુપ્રીમ કોર્ટ ચુકાદો આપ્યો પછી સરકાર નિર્ણય કરે છે. કોંગ્રેસને આશા હતી કે, સમયસર સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી થશે પણ રિપોર્ટ ન આવતા ચૂંટણીઓ ન થઈ અને અધિકારીઓ નીમવામાં આવ્યા. નિયમ પ્રમાણે 6 માસથી વધુ વહીવટદાર રહી શકે નહિ. પણ સરકાર આ માનીતા અધિકારી વહીવટદાર વહીવટ કરી રહ્યા છે. જ્યારે રાજ્ય સરકારે યુનિટ પ્રમાણે વસ્તી ગણતરી કરવાની હતી, તે કરી નહતી. બિલ ગૃહમાં લાવતા પહેલા સરકારે પ્રજા વચ્ચે રિપોર્ટમાં ઝવેરી કમિશન દ્વારા કઈ ભલામણ કરવામાં આવી છે, તેની જાહેરાત સાથે રિપોર્ટની માંગ કરવામાં આવી છે. - અમિત ચાવડા, વિરોધ પક્ષના નેતા
અનામતનો મુળ ઉદ્દેશ પ્રતિનિધિત્વનો છે અને આપણા દેશમાં જુદી જુદી અનામત વ્યવસ્થા હોવાથી જ્ઞાન, જમીન, વેપાર વગેરે પર ચોક્કસ સમાજનો કંટ્રોલ છે. જ્યારે ગુજરાતમાં જાતિ આધારિત જનગણના થાય તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ જાય. ગુજરાતમાં ડબલ એન્જીનની સરકાર તો છે પણ 56 ઈંચની છાતી માધવસિંહ સોલંકીની હતી. કે જેમણે 27 ટકા અનામત અપાવી હતી. જ્યારે અત્યાર સુધી ઓબીસી સમાજને જે નુકસાન થયું છે તેનું સાચું વળતર વસ્તી ગણતરી આધારે અનામત આપવામાં આવે તો જ ડબલ એન્જીનની સરકાર કહેવાશો. - જીગ્નેશ મેવાણી, કોંગ્રેસ નેતા
અનામત જળવાઈ રહે અને નુક્સાન ન થાય એવો કેન્દ્રમાં નિર્ણય કર્યો તેને સમાજની સમરસતા કહેવાય. વર્ષ 2017માં કોંગ્રેસ ગેરમાર્ગે દોરતી હતી, હવે તો હાર્દિક પટેલ તો ભાજપમાં જોડાઈ ગયા કેમ કે એમને ખ્યાલ આવી ગયો છે. એક બાજુ અનામત બચાવવા, અનામત માંગવા આંદોલન થતા ત્યારે કોંગ્રેસ ક્યાં હતી? માત્ર ભડકાવવાની જ રાજનિતી કરવામાં આવતી હતી. તે દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ પોઇન્ટ ઓફ ઓર્ડર ઉઠાવીને નિવેદન આપ્યું હતું કે, હાર્દિક પટેલનું આંદોલન ચાલતું હતું ત્યારે નિતી વિષયક નિર્ણય લઈ અને આર્થિક રીતે બેકવર્ડ હોય તે લોકોને અનામત આપવાના નિર્ણય વખતે હું હાજર હતો. - જીતુ વાઘાણી, ભાજપના ધારાસભ્ય
વિપક્ષ કહે છે કે, વસ્તી આધારે નિર્ણય થવો જોઈએ પણ એમ થાય છે કે, અજબ તેની દુનિયા, ગજબ તેરા ખેલ, છછુંદર કે સર પે ચમેલી કા તેલની ટુચકો કર્યો હતો. જ્યારે કમિશનની રચના થઈ ત્યારે તમામ પક્ષના લોકો રજૂઆત માટે જતા હતા. ભાજપના બક્ષીપંચ પ્રમુખ તરીકે હું પણ ગયો હતો. કોંગ્રેસના મિત્રો પણ એ જ દિવસે રજૂઆત કરવા આવ્યા હતા ત્યારે અમિત ચાવડાએ હાલ જેમ વિસ્તાર વિશે માહિતી આપી છે પરંતુ એ સમયે એમણે પત્ર આપ્યો ત્યારે તેમણે લખ્યું હતું કે, 10 ટકા અનામતથી નુક્સાન થયું છે. રીઝર્વેશન સરકારે રદ કર્યું હતું. અન્ય પછાત વર્ગના લોકોને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 27 ટકા અનામતનો લાભ આપવા ભલામણ છે. આ 27 ટકા કયા આધારે કહી હતી? કેમ કે રાજકારણ કરવું છે. નથી સંગઠન, નથી નેતા કે નથી નિયત. તેવા પ્રશ્નો કર્યા હતાં. ગુજરાત ભાજપમાં આજે પણ બક્ષીપંચ સમાજના રાજ્યસભાના 1, લોકસભામાં 9 સભ્યો, વિધાનસભામાં 50 ધારાસભ્યો છે. ભાજપે દરેક સમાજને નેતૃત્વ કરવાની તક આપી છે. વિપક્ષ કહે છે કે કોર્ટમાં જઈશું. આ ધમકી છે પરંતુ હું કહું છું કે ઓબીસી સમાજને 27 ટકા અનામત આપીને રહીશું. અમે ડરવાના નથી. - ઉદય કાનગઢ, ભાજપના ધારાસભ્ય