ETV Bharat / state

CM રૂપાણી કેબિનેટમાં ‘ધ ગુજરાત ગુંડા એન્ડ એન્ટી સોશિયલ એકટીવિટીઝ (પ્રિવેન્શન) એકટ’ કરશે રજૂ

author img

By

Published : Sep 1, 2020, 10:54 AM IST

Updated : Sep 1, 2020, 1:07 PM IST

રાજ્યમાં શાંતિ સલામતી અને સુરક્ષાનો અહેસાસ કરાવવાને લઈને રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી આવતીકાલે એટલે કે બુધવારે મળનારી કેબિનેટ બેઠકમાં ગુંડારાજ વિરોધીનો પ્રસ્તાવ રજૂ કરશે. આ પ્રસ્તાવ થકી રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપતાં જણાવ્યું કે, આગામી દિવસોમાં ગુંડા ગર્દી છોડો અથવા ગુજરાત છોડો.

મુખ્યપ્રધાન વિજય રૂપાણી
મુખ્યપ્રધાન વિજય રૂપાણી

ગાંધીનગર: રાજ્યમાં શાંતિ સલામતી અને સુરક્ષાનો અહેસાસ કરાવવાને લઈને રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી બુધવારે મળનારી કેબિનેટ બેઠકમાં ગુંડારાજ વિરોધીનો પ્રસ્તાવ રજૂ કરશે. આ પ્રસ્તાવ થકી રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપતાં જણાવ્યું છે કે, આગામી દિવસોમાં ગુંડા ગર્દી છોડો અથવા ગુજરાત છોડો. દર બુધવારે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મંત્રીમંડળની કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવે છે. આવતીકાલે યોજાનારી મંત્રીમંડળની આગામી કેબિનેટ બેઠકમાં વિજય રૂપાણી ગુંડા વિરોધી કડક કાયદા માટે ‘ધ ગુજરાત ગુંડા એન્ડ એન્ટી સોશિયલ એકટીવિટીઝ (પ્રિવેન્શન) એકટ’- ઓર્ડિનન્સ માટે પ્રસ્તાવ રજૂ કરશે.

રાજ્યમાં દારૂનો વેપાર, જુગાર, ગાયોની કતલ, નશાનો વેપાર, અનૈતિક વેપાર, માનવ વેપાર, બાળકોની જાતિય સતામણી, બનાવટી દવાનું વેચાણ, લોન શાર્ક (વ્યાજ ખોર) , જમીન છીનવી લેવી, અપહરણ, ગેરકાયદે કૃત્યો, ગેરકાયદેસરના હથિયારો વગેરે જેવી અસામાજિક પ્રવૃતિઓ આચરતા ગુંડા તત્વો સામે કડક કાયદાકીય જોગવાઇ ઉભી કરવાના હેતુથી નવા અલગ કાયદાની આ દરખાસ્ત કરવામાં આવી છે. ગુંડા તત્વોની વ્યાખ્યામાં વ્યક્તિગત અથવા જુથમાં હિંસાની ધમકી આપવી, ધાક ધમકી આપવી અથવા અન્ય રીતે જાહેર વ્યવસ્થાને નુકસાન પહોંચાડવાના ઉદ્દેશથી કામ કરતી અસામાજિક પ્રવૃતિઓમાં સંડોવાયેલી વ્યક્તિઓનો સમાવેશ પણ આ કાયદા અંતર્ગત સજા પાત્રતામાં કરવામાં આવ્યો છે.

કોઇ ગુંડા તત્વ અસામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલ હોય કે તેવી પ્રવૃત્તિ કરવાની તૈયારી કરતા હોય અથવા રાજ્યમાં શાંતિની જાળવણીમાં બાધક બને ત્યારે તેને સાત વર્ષથી ઓછી નહિ અને 10 વર્ષ સુધીની કેદની અને 50 હજાર રૂપિયાથી ઓછો નહિ તેટલા દંડની શિક્ષાની જોગવાઇ પણ આ નવા કાયદામાં સુનિશ્ચિત કરી છે. એટલું જ નહિ, સરકારી કર્મચારી હોય તેવી કોઇ વ્યક્તિ આવા ગુંડા તત્વોને ગુનો કરવા પ્રેરિત કરે કે મદદ કરે અથવા ગેરકાયદેસર રીતે કોઇ મદદ કરે કે સાથ આપે તો તેને ત્રણ વર્ષથી ઓછી નહિ પરંતુ દસ વર્ષ સુધીની કેદની સજા અને દંડની જોગવાઇ કરવામાં આવી છે.

રાજ્યમાં નશાબંધી ધારો, કેફી ઔષધ ધારાની જોગવાઇનો ભંગ કરી દારૂ, માદક દ્રવ્યો, જોખમી ઔષધોનું સેવન કરવું, ઉત્પાદન કરવું, હેરાફેરી કરવી અથવા આયાત નિકાસ કરવા જેવી બાબતોનો પણ સજા પાત્રતામાં સમાવેશ થાય છે.કાયદાની જોગવાઇથી વીપરીત રીતે સ્થાવર મિલકતોનો કબજો લેવો, તેમાં મદદ કરવી, માલીકી હકના ખોટા દાવા ઉભા કરવા કે તે સંદર્ભમા બનાવટી દસ્તાવેજો ઉભા કરવા જેવી બાબતોને આ કાયદામાં સજા પાત્ર બાબત તરીકે આવરી લેવાઇ છે.

મહિલાઓના અનૈતિક વ્યાપાર સંદર્ભના ગુનાઓ, બાળ રક્ષણ અધિનિયમ હેઠળના ગુનાઓ, જુગાર પ્રતિબંધ હેઠળના ગુનાઓ, સામુદાયિક સંવાદિતાને ખલેલ પહોચાડવી તે માટે હિંસાનો આશ્રય લેવો, પ્રજામાં ગભરાટ ફેલાવવો કે આતંક ફેલાવવો ખંડણીના ઇરાદાથી વ્યક્તિનું અપહરણ કરવું, નાણા ધિરધાર અધિનિયમ હેઠળ મુદ્દલ કે વ્યાજની વસુલાત માટે કોઇ પણ વ્યક્તિની સ્થાવર કે જંગમ મિલકત લઇ લેવા શારિરીક હિંસા કરવી કે ધમકી આપવી, ગેર કાયદેસર રીતે પશુ ધનની હેર ફેર કરવી, શસ્ત્ર અધિનિયમનો ભંગ કરી શસ્ત્ર અને દારૂગોળાના ઉત્પાદન વેચાણ અને હેર ફેરમાં સંડોવણી જેવા કિસ્સાઓમાં આ ગુંડા ધારા હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.


કાયદાના ઝડપી અમલ અને નાગરિકોને સત્વરે ન્યાય આપી શકાય તે હેતુસર વિશેષ અદાલતોની સ્થાપના કરવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે અને એ માટે પુરતી જોગવાઇ પણ કરી દેવાઇ છે. જરૂર જણાયે નિયત સિવાયના અન્ય સ્થળે પણ કોર્ટ કાર્યવાહી માટે બેઠક બોલાવી શકાય તેવી જોગવાઇ પણ કરાઇ છે અને વિશેષ અદાલતોની રચના થયેથી તે અગાઉના કોઇ પણ ન્યાયાલયમાં પડતર કેસો વિશેષ અદાલતની હકુમતોમાં આવી જશે. જરૂર જણાયે કોઇ કેસને નિકાલ માટે એક વિશેષ અદાલતમાંથી બીજી વિશેષ અદાલતમાં તબદીલ કરવાની પણ જોગવાઇ આ કાયદામાં કરવામાં આવી છે. આરોપીઓ સામે વિશેષ કોર્ટ સિવાય અન્ય કોર્ટમાં કામ ચાલતું હોય તો આરોપીની ગેરહાજરીમાં પણ આવા કેસો ચલાવી શકાશે અને આવા કેસોનો નિકાલ પણ થઇ શકશે.

ઇમાનદાર નાગરિકોને આવા ગુંડા તત્વોથી રક્ષણ આપવા એવી જોગવાઇ પણ સુનિશ્ચિત કરી છે કે, ગુંડા ધારા હેઠળ ગુનામાં જે વ્યકિત સાક્ષી બનશે તેને પણ રાજ્ય સરકાર પુરેપુરૂ રક્ષણ આપશે અને સાક્ષીની ઓળખ, સરનામું ગુપ્ત રાખવામાં આવશે. સાક્ષીઓના નામ અને સરનામાનો ઉલ્લેખ કરવામાં આવશે નહીં. આ જોગવાઇના ઉલ્લંઘન બદલ જે તે વ્યક્તિને એક વર્ષ સુધીની કેદ અને 5 હજાર રૂપિયા સુધીના દંડની જોગવાઇ કરાઇ છે. આ ઉપરાંત ગુંડા તત્વો દ્વારા મેળવવામાં આવેલી મિલકત ગુંડા ધારા હેઠળ કાનુની કાર્યવાહીને પાત્ર હોય તેવા કિસ્સામાં જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા તે ટાંચમાં લઇ શકાશે અને જરૂર જણાયે આવી મિલકતના વહીવટકર્તાની પણ તેઓ નિમણૂંક કરી શકશે.

આ ઓર્ડિનન્સની મહત્વપૂર્ણ જોગવાઇઓ

  • ગુંડાગીરી કરનારા તત્વોને 10 વર્ષ સુધીની સખત કેદ અને 50 હજાર રૂપિયાનો દંડ કરાશે
  • ગુંડાઓ સામેના કેસ ચલાવી ઝડપી ન્યાયિક તપાસની કાર્યવાહી અને સજા માટે સ્પેશ્યલ કોર્ટની રચના કરાશે
  • ગુંડા તત્વો દ્વારા મેળવવામાં આવેલી મિલકત જિલ્લા મેજિસ્ટ્રેટ ટાંચમાં લઇ શકશે
  • સાક્ષીઓને પુરતું રક્ષણ આપી નામ-સરનામા ગુપ્ત રાખવામાં આવશે
  • ગૂનો નોંધતા પહેલા સંબંધિત રેન્જ આઇ.જી અથવા પોલીસ કમિશનરની પૂર્વ મંજૂરી આવશ્યક

દારૂનો વેપાર, જુગાર, ગાયોની કતલ, નશાનો વેપાર, અનૈતિક વેપાર, માનવ વેપાર, બનાવટી દવાનું વેચાણ, વ્યાજખોરી, અપહરણ, ગેરકાયદે કૃત્યો આચરવા કે ગેરકાયદેસર હથિયારો રાખવા જેવી બદીઓને નશ્યત કરવા કડક કાયદાકીય જોગવાઇઓ કરાશે.

ઉલ્લેખનીય છે કે, આવતીકાલે મળનારી કેબિનેટ બેઠકમાં પાસા એક્ટના વિસ્તારનો પણ પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે.

Last Updated : Sep 1, 2020, 1:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.