ETV Bharat / state

Gandhinagar News : આદિવાસી વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમય ? વિદ્યાર્થીઓ 15 મહિનાથી સ્કોલરશીપથી વંચિત

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 26, 2023, 4:12 PM IST

Updated : Oct 26, 2023, 5:15 PM IST

ગાંધીનગર બિરસા મુંડા ભવન ખાતે આજે ધારાસભ્ય ચૈતર વસાવા અને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહની આગેવાનીમાં 100 થી વધુ વિદ્યાર્થીઓએ ઘેરાવો કર્યો હતો. 15 મહિનાથી સ્કોલરશીપથી વંચિત વિદ્યાર્થીઓએ વહીવટી તંત્રને તાત્કાલિક સમસ્યાનું સમાધાન લાવવા રજૂઆત કરી હતી.

Gandhinagar News
Gandhinagar News

આદિવાસી વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમય ? વિદ્યાર્થીઓ 15 મહિનાથી સ્કોલરશીપથી વંચિત

ગાંધીનગર : ગુજરાતમાં અંબાજીથી ઉમરગામ સુધીનો પટ્ટો આદિવાસી બેલ્ટ તરીકે ઓળખાય છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા આદિવાસી પટ્ટામાં આદિવાસી વિદ્યાર્થીઓમાં શિક્ષણનું સ્તર વધે તે માટે શૈક્ષણિક સહાય યોજના અને કરોડ રૂપિયાની ગ્રાન્ટની જાહેરાત કરવામાં આવે છે. પરંતુ આજે ગાંધીનગર બિરસા મુંડા ભવન ખાતે એક અલગ જ ચિત્ર સામે આવ્યું હતું. જેમાં છેલ્લા 15 મહિનાથી આદિવાસી વિદ્યાર્થીઓને ગ્રાન્ટ ન મળતા બિરસા મુંડા ભવનનો વિદ્યાર્થીઓ દ્વારા ઘેરાવો કરવામાં આવ્યો હતો.

બિરસા મુંડા ભવનનો વિદ્યાર્થીઓ દ્વારા ઘેરાવો કરવામાં આવ્યો
બિરસા મુંડા ભવનનો વિદ્યાર્થીઓ દ્વારા ઘેરાવો કરવામાં આવ્યો

શું હતો મામલો ? આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને આદિવાસી નેતા ચૈતર વસાવાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા કોલેજમાં અભ્યાસ કરતા આદિવાસી વિદ્યાર્થીઓને છેલ્લા 15 મહિનાથી સ્કોલરશીપથી વંચિત રાખવામાં આવ્યા છે. કોલેજની શરૂઆત થઈ ત્યારથી કુલ 2 લાખ 67 હજાર જેટલા વિદ્યાર્થીઓએ સ્કોલરશીપ માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, પરંતુ 15 મહિના વીત્યા હોવા છતાં પણ સરકાર દ્વારા સ્કોલરશીપ હજી સુધી જમા કરાવવામાં આવી નથી. ત્યારે અમે આજે બિરસા મુંડા ભવન ખાતે તેની રજૂઆત કરવા માટે આવ્યા છીએ. જો હજુ પણ દિવાળી પહેલા સ્કોલરશીપ જમા નહીં થાય તો આગામી દિવસમાં વધારે વિદ્યાર્થીઓ સાથે બિરસા મુંડા ભવન અને ગુજરાત વિધાનસભાનો ઘેરાવો પણ કરવામાં આવશે.

વિદ્યાર્થીઓની સમસ્યા : વિદ્યાર્થીઓને 15 મહિનાથી સ્કોલરશીપ પ્રાપ્ત થઈ નથી, ત્યારે હવે કોલેજ દ્વારા પણ વિદ્યાર્થીઓને ફી ભરવા માટેનું દબાણ કરવામાં આવે છે. કડી કોલેજમાં અભ્યાસ કરતા અલકાબેન ભૂરાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા છેલ્લા 15 મહિનાથી સ્કોલરશીપ આપવામાં આવી નથી. જેથી હવે કોલેજમાં ફી ભરવા માટેનું દબાણ કરવામાં આવે છે અને આના કારણે અમુક વિદ્યાર્થીઓએ ભણવાનું પણ મૂકી દીધું છે. અમારા માતા-પિતા મજૂરી કરે છે તો અમે ફી કઈ રીતે ભરી શકીએ.

સરકાર પર આક્ષેપ : આદિવાસી નેતા અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ સરકાર વિરુદ્ધ વધુમાં આક્ષેપ કર્યો હતો કે, રાજ્ય સરકાર આદિવાસી સમાજ માટે ગ્રાન્ટ ફાળવે છે. પરંતુ આ ગ્રાન્ટ અન્ય જગ્યાએ વાપરવામાં આવે છે અને તેનો પૂરેપૂરો ઉપયોગ આદિવાસી સમાજ માટે કરવામાં આવતો નથી, જ્યારે આજે બિરસા મુંડા ભવન ખાતે વિદ્યાર્થીઓ સ્કોલરશીપ માટે આવ્યા છે અને બીજી બાજુ સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર કે જ્યાં આદિવાસી વિસ્તાર છે ત્યાં શિક્ષણ મુદ્દે કાર્યક્રમ થઈ રહ્યો છે. પરંતુ આદિવાસી સમાજના બાળકો માટેની જે આદર્શ શાળા છે તેમાં હજુ સુધી પુસ્તકો અને ગણવેશ પણ પહોંચ્યા નથી.

વિદ્યાર્થીઓની માંગ : ચૈતર વસાવા અને વિદ્યાર્થી આગેવાન યુવરાજસિંહ જાડેજાની આગેવાનીમાં 100 થી વધુ કોલેજના વિદ્યાર્થીઓ બિરસા મુંડા ભવન ખાતે સ્કોલરશીપની માંગ માટે આવ્યા હતા. પરંતુ બિરસા મુંડા ભવનના મુખ્ય કમિશનર જ ગેરહાજર રહ્યા હતા. મુખ્ય કમિશનરની ગેરહાજરીમાં નાયબ કમિશનરે ચૈતર વસાવાની રજૂઆત સાંભળી હતી. ત્યારબાદ મીડિયા સાથેની વાતચીતમાં નિવેદન આપ્યું હતું કે, આગેવાનો તરફથી જે લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે તેનું નોટિંગ કરીને આગળ ફોરવર્ડ કરવામાં આવશે, ટુંક સમયમાં નિર્ણય પણ આવશે.

રાજ્ય સરકારની ગ્રાંટ : ગુજરાત વિધાનસભામાં રાજ્ય સરકારે નાણાકીય વર્ષ 2023-24 માં આદિજાતિ વિકાસ વિભાગના બજેટમાં કુલ 3,410 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જેમાં સૌથી વધુ 2294.29 કરોડની રકમ માત્ર શૈક્ષણિક વિભાગ માટે જ ફાળવવામાં આવી છે. જે સરકારની આદિવાસી શિક્ષણ માટેની પ્રતિબદ્ધતા દર્શાવતું હોવાનું નિવેદન રાજ્ય સરકારે વિશ્વ આદિવાસી દિવસ દરમિયાન આપ્યું હતું. ત્યારે આજે ગાંધીનગર બિરસા મુંડા ભવન ખાતે જે વિદ્યાર્થીઓને સ્કોલરશીપ હજી સુધી પ્રાપ્ત થઈ નથી તે અલગ ચિત્ર દર્શાવતું હોય તેવું લાગી રહ્યું છે.

  1. Palanpur Flyover Slab Collapse : પાલનપુર બ્રિજ દુર્ઘટના મામલે મુખ્યપ્રધાને કેબિનેટમાં ટકોર કરી, વિપક્ષના સરકાર પર આક્ષેપ
  2. Guajrat Cabinet Meetng: આવતીકાલની કેબિનેટ બેઠકમાં યુવકોને હાર્ટ એટેક, પાલનપુર બ્રિજ દુર્ઘટના, વાયબ્રન્ટ ગુજરાતની તૈયારીઓની સમીક્ષા મહત્વના મુદ્દા બની રહેશે
Last Updated : Oct 26, 2023, 5:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.