ETV Bharat / state

ડોક્ટર્સ બન્યા ‘દાનવ’, સારવાર તો ઠીક પરંતુ પરિજનોની જાણ બહાર મૃતદેહને શબઘરમાં ધકેલી દેવાયો

author img

By

Published : Jul 13, 2020, 9:37 PM IST

સારવારમાં બેદરકારી દાખવવામાં અનેક વખત લોકોના રોષનો ભોગ બનેલા મરવડ હોસ્પિટલના તબીબો અને પેરામેડિકલ સ્ટાફનો વધુ એક છબરડો સામે આવ્યો છે. જેને લઈને દર્દીના પરિવારજનોએ ન્યાયની માગણી સાથે પ્રશાસન સમક્ષ રજૂઆત કરી છે. તેમજ જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.

Marvad Hospital
દમણ ન્યૂઝ

દમણઃ દમણ હોસ્પિટલની એક ગંભીર બેદરકારી સામે આવી છે. આ કિસ્સામાં જોઇએ તો, ક્યારેય એવું બન્યું કે દર્દીને હોસ્પિટલમાં લઈ જાઓ પછી તે દર્દીને હોસ્પિટલ સ્ટાફ તમને જાણ કર્યા વિના જ અન્ય હોસ્પિટલમાં સારવાર માટે મોકલી આપે, એટલું જ નહીં જ્યાં તેની સારવાર થવાને બદલે તેમનો મૃતદેહ પરત આવે; એ મૃતદેહ અંગે પણ પરિવારજનોને જાણ કરવાને બદલે અજાણી વ્યક્તિનો મૃતદેહ ગણી તેને શબઘરમાં પણ મોકલી દેવામાં આવે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે, કાળજું કંપાવી દેતી આવી ગંભીર ઘટના દમણની મરવડ હોસ્પિટલમાં બની છે.

દમણની મરવડ હોસ્પિટલની ગંભીર બેદરકારી

  • ડૉક્ટર્સે જાણ બહાર દર્દીને અન્ય હૉસ્પિટલમાં ખસેડ્યો
  • જ્યાં અન્ય હોસ્પિટલમાં દર્દીનું થયું હતું મોત
  • એટલું જ નહીં, અજાણ્યો મૃતદેહ ગણી મૃતદેહને શબઘરમાં ધકેલાયો
  • પરિજનોએ ડૉક્ટર્સની બેદરકારીના કર્યા આક્ષેપ
  • જવાબદાર સામે કડક કાર્યવાહી કરવાની પરિજનોની માગ

સમગ્ર ઘટનાની વિગતે વાત કરીએ તો 10 જુલાઈએ દમણના નટુભાઈ હળપતિ નામના દર્દીને એટેક આવતા તેને સારવાર માટે મોટી દમણ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં ફરજ પરના ડૉક્ટરે તેને મરવડ હોસ્પિટલમાં ખસેડવાનું જણાવતા નટુભાઇના દીકરા નિલેશ હળપતી અને અન્ય પરિવારજનો નટુભાઈને મરવડ હોસ્પિટલમાં સારવાર માટે લાવ્યાં હતાં. જ્યાં તબીબોએ તેને ICUમાં અને તે બાદ સઘન સારવાર માટે સ્પેશ્યલ રૂમમાં રિફર કર્યા હતાં.

Marvad Hospital
પરિજનોએ પોલીસને કરી રજૂઆત

આ દરમ્યાન તેમના પરિવારજનોને દર્દીથી મળવા દેવાયા નહોતા. એટલે તેમનો પરિવાર હોસ્પિટલમાં બહાર આખી રાત ઉજાગરો કરીને બેસી રહ્યો હતો. એ રીતે રવિવારના દિવસે પણ નટુભાઈ અંગે તબીબોએ કોઈ પ્રતિક્રિયા ના આપતા આખરે પરિવારજનોએ હોસ્પિટલમાં હંગામો મચાવ્યો હતો. ગભરાયેલા તબીબોએ પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ દર્દીના પરિવારજનોએ સઘળી હકીકત જણાવી હતી.

જે બાદ પોલીસે આ અંગે તબીબોને પૂછતાં જે વિગતો સામે આવી હતી. જેમાં એ હકીકત સામે આવતા જ મૃતકના પરિવારજનોને આઘાત લાગ્યો હતો, કેમ કે મરવડ હોસ્પિટલમાં દાખલ નટુભાઈનું દેહાંત થઈ ગયું હતું અને તેનો મૃતદેહ એક દિવસથી શબઘરમાં અજાણ્યા વ્યક્તિના મૃતદેહ તરીકે મોકલી દેવામાં આવ્યો હતો.

દમણની મરવડ હોસ્પિટલમાં ડૉક્ટર્સની ગંભીર બેદરકારી

વધુ તપાસમાં એ વિગતો પણ સામે આવી કે, જ્યારે નટુભાઈની સારવાર માટે પરિવારજનો તેને હોસ્પિટલમાં લાવ્યા હતા તે બાદ તેને હોસ્પિટલમાં સારવાર આપવાને બદલે છેક 35 કિલોમીટર દૂર સેલવાસમાં પરિવારજનોની જાણ બહાર સારવાર માટે ખસેડાયા હતા. જ્યાં તેને વધુ સારવર મળે તે પહેલાં મૃત્યુ નીપજ્યું હતું અને તેના મૃતદેહને અજાણ્યા મૃતદેહ તરીકે ઓળખ ખપાવી શબઘરમાં મોકલી દેવાઈ હતો.

આટલી ગંભીર બેદરકારી દાખવવા બદલ હવે મૃતકના પરિવારજનોએ ન્યાયની માગણી કરી છે અને સાથે જ બેદરકારી દાખવનાર તબીબો, નર્સ, પેરામેડિકલ સ્ટાફ સામે સખ્ત કાર્યવાહી કરી તેને સસ્પેન્ડ કરવાની માંગ કરી છે. તેમને અફસોસ છે કે, તબીબોએ તેમને જાણ કરી હોત તો તેઓ પોતે જ તેને પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવા તૈયાર હતા.

પરિવારજનોએ આ માટે દમણ પ્રશાસક, દમણ જિલ્લા પોલીસવડા અને આદિવાસી સમાજમાં લેખિત ફરિયાદ કરી છે. ત્યારે મરવડ હોસ્પિટલના તબીબોની બેદરકારી સામે મૃતકના પરિવારજનો અને દમણના નાગરિકોમાં રોષની લાગણી ભભૂકી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.