ETV Bharat / city

રાજકોટનો ક્રિકેટર ચડી ગયો ડ્રગ્સના રવાડે,પોલીસે 6 લોકોને ઝડપ્યા

author img

By

Published : Oct 22, 2021, 6:22 PM IST

ડ્રગ્સના કાળા કારોબારનો આ ચોંકાવનારો કિસ્સો રંગીલા રાજકોટ (Rajkot Drugs Case)નો છે, જેમાં અન્ડર 19 ક્રિકેટ (Under 19 Cricket) રમી ચૂકેલા ક્રિકેટરની માતાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, તેમનો પુત્ર ડ્રગ્સના રવાડે ચડ્યો છે અને તે હાલ ઘર છોડીને જતો રહ્યો હતો. માતાએ પોલીસ (Rajkot Police)ને 11 લોકોના નામ આપ્યા હતા, જેમાંથી 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

રાજકોટનો ક્રિકેટર ચડી ગયો ડ્રગ્સના રવાડે,પોલીસે 6 લોકોને ઝડપ્યા
રાજકોટનો ક્રિકેટર ચડી ગયો ડ્રગ્સના રવાડે,પોલીસે 6 લોકોને ઝડપ્યા

  • અંડર 19 ક્રિકેટર ડ્રગ્સના રવાડે ચડ્યો
  • માતાએ પોલીસને ફરિયાદ કરતા 11 લોકોના નામ આપ્યા
  • ક્રિકટર, તેની પત્ની અને એક અન્ય વ્યક્તિને હોટેલમાંથી ઝડપ્યા

રાજકોટઃ રાજકોટમાં અંડર 19 ક્રિકેટર (Under 19 Cricketer) ડ્રગ્સમાં રવાડે ચડી ગયો છે અને તેની માતાએ સમગ્ર મામલો મીડિયા સમક્ષ વર્ણવ્યા બાદ પોલીસ પણ એક્શનમાં આવી હતી. જ્યારે નશાના કારણે પુત્ર પણ ઘર છોડીને જતો રહ્યો હતો. ત્યારે પોલીસે મોડી રાતે આ પુત્રને ડ્રગ્સ (Drugs) સાથે રંગેહાથે ઝડપી પાડ્યો હતો. રેસકોર્ષ પાસે આવેલી શિવશક્તિ હોટલ (Shivshakti Hotel)ના એક રૂમમાંથી આકાશ, તેની પૂર્વ પત્ની અમી દિલીપભાઇ ચોલેરા અને ઇરફાન અબ્બાસભાઇ પટણી મળી આવ્યા હતા.

ડ્રગ્સના રવાડે ચડ્યો પુત્ર, ઘર છોડીને જતો રહ્યો

તેમનો સામાન ચેક કરતા ગાદલા ઉપરથી 3 ઇન્જેક્શન, જેમાંથી એક ખાલી તથા એક થોડું ભરેલું અને એક પુરૂ ભરેલું ઇન્જેક્શન એમ કુલ ત્રણ ઇન્જેકશન મળી આવ્યા હતા. પોલીસે ત્રણેયને ઝડપી લઈને વધુ કાર્યવાહી કરી છે. ડ્રગ્સના કાળા કારોબારનો આ ચોંકાવનારો કિસ્સો રંગીલા રાજકોટનો છે, જેમાં અન્ડર 19 ક્રિકેટ રમી ચૂકેલા ક્રિકેટરની માતા અલ્કાબેન મનોજભાઇ અંબાસણાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, તેમનો પુત્ર ડ્રગ્સના રવાડે ચડ્યો છે અને તે હાલ ઘર છોડીને જતો રહ્યો હતો.

રાજકોટ પોલીસ એક્શનમાં, તમામ લોકોની શોધખોળ ચાલી રહી છે

આ મામલે માતાએ પોલીસને અરજી પણ કરી હતી. તેમજ જે પણ લોકો આ ડ્રગ્સ સાથે સંકળાયેલા છે તે તમામ લોકોના નામ પણ આપ્યા છે, પરંતુ પોલીસ દ્વારા આ મામલે કોઇ કાર્યવાહી કરવામાં આવી નહોતી. જેને લઇને અંતે આ માતાએ મીડિયાનો સહારો લેવો પડ્યો હતો. આ સમગ્ર મામલો સામે આવતા રાજકોટ પોલીસે પણ તાત્કાલિક એક્શન લીધી હતી. તેમજ આ મહિલા દ્વારા જે પણ લોકોના નામ આપ્યા હતા તે તમામની શોધખોળ શરૂ કરી છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.

ડ્રગ્સના રવાડે ચડેલા 6 લોકોને પોલીસે ઝડપ્યા

પોલીસને ડ્રગ્સ માફિયાઓ અંગેની કરી અરજી

મહિલા દ્વારા એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે, તેણે એક અરજી કરીને પોલીસને રાજકોટમાં ડ્રગ્સ સાથે સંકળાયેલા અને ડ્રગ્સ વેચતા લોકોના નામ પણ આપ્યા છે. તેમ છતાં પણ પોલીસે આ મામલે કોઈ કાર્યવાહી કરી નથી. મારો પુત્ર રૂ.2500થી 3000 સુધીમાં ખરીદતો હતો. જ્યારે મેં પોલીસમાં અરજી કરી હોવાના કારણે મને ડ્રગ્સ વેચનારા લોકોની વારંવાર ધમકીઓ પણ મળતી હતી. અત્યારે મારો પુત્ર ડ્રગ્સના રવાડે ચડી ગયો છે અને ઘરેથી નાસી છૂટ્યો છે. તે ક્યાં છે તેની પણ મને ખબર નથી. જેને લઇને આ મામલે પોલીસને પણ જાણ કરી છે. હાલ મને ડ્રગ્સ સાથે જોડાયેલા લોકોના વારંવાર ફોન પણ આવી રહ્યા છે અને તેઓ અમને ધમકી પણ આપી રહ્યા છે.

પોલીસ દ્વારા કરવામાં આવી કાર્યવાહી

મહિલાએ સમગ્ર મામલે મીડિયા ચેનલને ઈન્ટરવ્યૂ આપ્યા બાદ રાજકોટ SOGએ તાત્કાલિક આ મામલે કાર્યવાહી કરી હતી. તેમજ આ મહિલાનું નિવેદન લીધું હતું. ત્યારે મહિલા દ્વારા ડ્રગ્સ સાથે સંકળાયેલા જે જે લોકોના નામ આપવામાં આવ્યા હતા. તે તમામના ઘરે પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. હજુ પણ આ મામલે રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા વધુ કાર્યવાહી કરવામાં આવી રહી છે, જ્યારે આ મહિલાનો પુત્ર જાણીતા ક્રિકેટરો સાથે અગાઉ અંડર 19માં ક્રિકેટ પર રમી ચૂકયો છે. ત્યારે એક ક્રિકેટર ડ્રગ્સના રવાડે ચડ્યો હોવાની વાત સામે આવતા શહેરભરમાં ચકચાર મચી જવા પામી છે. મહિલા દ્વારા પણ આ મામલે અનેક ચોંકાવનારા ખુલાસા કરવામાં આવ્યા છે.

મહિલા દ્વારા 11 નામ આપવામાં આવ્યા હતા

રાજકોટમાં ડ્રગ્સનો મામલો સામે આવતા પોલીસે પણ તાત્કાલિક કાર્યવાહી કરી હતી, જ્યારે સમગ્ર મામલે રાજકોટ DCP મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, આ મહિલાએ જે પણ નામો આપ્યા છે તેમાંથી 6 જેટલા આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે. જ્યારે પોલીસ દ્વારા આ મામલે આરોપીઓને ઝડપી પાડવા માટે 3 વખત ટ્રેપ પણ ગોઠવવામાં આવી હતી, પરંતુ આરોપીઓ ઝડપાયા નહોતા. જ્યારે હજુ પણ આ મામલે અમારી કાર્યવાહી ચાલુ છે. મહિલા દ્વારા કુલ 11 નામ આપવામાં આવ્યા હતા. જેમાંથી 6 જેટલા આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા હતા હાલ તમામની પૂછપરછ ચાલી રહી છે.

આ પણ વાંચો: જાણો રાજકોટનો કયો ક્રિકેટર ડ્રગ્સના રવાડે ચડ્યો, ખુદ તેની માતાએ કર્યો ખુલાસો કે તેનો પુત્ર ડ્રગ્સ લે છે

આ પણ વાંચો: રાજકોટ મનપા કચેરી ખાતે વાછરડા સાથે માલધારી સમાજે કર્યો વિરોધ, ઉઠાવ્યો આ પ્રશ્ન

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.