ETV Bharat / city

વિધાનસભામાં પ્રશ્નોતરી કાળ દરમિયાન પાક વીમા યોજના બાબતે હોબાળો, અધ્યક્ષની ટકોર, 6 પ્રશ્નોની થઈ ચર્ચા

author img

By

Published : Mar 10, 2021, 6:44 PM IST

બુધવારના રોજ વિધાનસભા ગૃહમાં પ્રશ્નોત્તરીકાળ ચર્ચાસ્પદ રહ્યો હતો. બીજી બેઠકમાં ચર્ચા માટે લેવામાં આવેલા કુલ 6 પ્રશ્નો પૈકી 3 પ્રશ્નોમાં મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંગે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. આ સિવાય મગફળી કાંડનો ઉલ્લેખ કરાતા કાંડમાં કોંગ્રેસના જ કાર્યકર્તાઓ આરોપી તરીકે સાબિત થયા હોવાનું નિવેદન પણ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આપ્યું હતું.

વિધાનસભામાં પ્રશ્નોતરી કાળ દરમિયાન પાક વીમા યોજના બાબતે હોબાળો, અધ્યક્ષની ટકોર, 6 પ્રશ્નોની થઈ ચર્ચા
વિધાનસભામાં પ્રશ્નોતરી કાળ દરમિયાન પાક વીમા યોજના બાબતે હોબાળો, અધ્યક્ષની ટકોર, 6 પ્રશ્નોની થઈ ચર્ચા

  • વિધાનસભા ગૃહમાં પ્રશ્નોતરી દરમિયાન પાક વીમા મુદ્દે ચર્ચા
  • 6માંથી 3 પ્રશ્નો મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંગે પૂછાયા
  • પ્રશ્નોતરી દરમિયાન મગફળી કાંડનો પણ થયો ઉલ્લેખ

ગાંધીનગર: વિધાનસભા ગૃહમાં બુધવારે પ્રશ્નોત્તરીકાળ દરમિયાન બીજી બેઠકમાં કુલ 6 પ્રશ્ન મુદ્દે ચર્ચાઓ કરવામાં આવી હતી. જે પૈકી 3 પ્રશ્નોમાં મુખ્યમંત્રી કિસાન સહાય યોજના બાબતે ચર્ચા કરવામાં આવી હતી. આ દરમિયાન મગફળી કાંડનો પણ વિધાનસભા ગૃહમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જ્યારે મગફળી કાંડમાં કોંગ્રેસના જ કાર્યકર્તાઓ આરોપી તરીકે સાબિત થયા હોવાનું નિવેદન પણ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આપ્યું હતું.

કિસાન સહાય યોજના બાબતે થઇ ચર્ચા

વિધાનસભા ગૃહમાં પ્રશ્નોત્તરીકાળ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યોએ કિસાન સહાય યોજના બાબતે પણ સરકાર પર અનેક આક્ષેપો કર્યા હતા. જ્યારે અનેક ગામ અને જિલ્લામાં કિસાન સહાય યોજના ખેડૂતોને પ્રાપ્ત થઇ ન હોવાનું જણાવવામાં આવ્યું હતું. જેના જવાબમાં રાજ્ય સરકારે ઉત્તર આપ્યો હતો કે, કિસાન સહાય યોજનામાં ત્રણ પ્રકારની કેટેગરી બનાવવામાં આવી છે અને આ ત્રણ કેટેગરીમાં જો ખેડુતોનો સમાવેશ ન થતો હોય તો તેમને સહાય મળતી નથી.

વીમા કંપનીઓની ઠગાઈની વૃત્તિને કારણે રાજ્ય સરકારે યોજના અમલી કરી

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પ્રશ્નોત્તરીની ચર્ચા દરમિયાન જણાવ્યું હતું કે, પાક વીમા માટે પ્રાઇવેટ કંપનીઓ વધુ પડતું પ્રીમિયમ લઈ જતી હતી અને જ્યારે ચૂકવણીની વાત કરવામાં આવે તો ખાનગી કંપનીઓ પૈસા ચૂકવતી ન હતી. જેના કારણે રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં નિર્ણય લીધો અને તે અંતર્ગત મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની જાહેરાત કરી હતી. આ યોજનામાં 33 ટકાથી વધુ નુક્સાન હોય તેવા ખેડૂતોને સહાય, બે વરસાદ વચ્ચે 4 અઠવાડિયાનો ગેપ હોય ત્યારે, ભારે વરસાદ અને સતત વરસાદ પડતો હોય અથવા તો વાદળ ફાટ્યું હોય તેવા સમયે અને 48 કલાકમાં 35 ઇંચથી વધુ વરસાદ હોય તેવા કિસ્સાઓમાં રાજ્ય સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે. જ્યારે વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ રાજ્ય સરકારે આ યોજનાને લઈને બે અલગ અલગ પરિપત્રો જાહેર કર્યા હોવાનું પણ ગૃહમાં નિવેદન આપ્યું હતું. જેના જવાબમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, પરિપત્ર-1 SDRFના નિયમ પ્રમાણે છે અને પરિપત્ર-2 મુખ્યમંત્રી પાક સહાય યોજનાનો છે. આમ, બન્ને પરિપત્રો અલગ અલગ હોવાનો જવાબ પણ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વિધાનસભાગૃહમાં આપ્યો હતો.

મગફળી કાંડમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ પકડાયા

વિધાનસભા ગૃહમાં કિસાન સહાય યોજનામાં વિરોધ પક્ષનાં નેતા પરેશ ધાનાણીએ મગફળી કાંડનો પણ ઉલ્લેખ કર્યો હતો. જેમાં રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, પરેશભાઈ પોતે જ ઉપવાસ પર ગયા હતા અને અમે આ બાબતે ખાસ તપાસ પંચની નિમણૂક કરી હતી. આ સાથે જ તમામ પ્રકારની ખરીદી નાફેડ દ્વારા કરવામાં આવી હતી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ મગફળી કાંડમાં જેમને પકડવામાં આવ્યાં છે, તેઓ પણ કોંગ્રેસના કાર્યકર્તાઓ જ છે. આ સંવાદ બાદ વિધાનસભાગૃહમાં હોબાળો થયો હતો અને બંને પક્ષના ધારાસભ્યો અને નેતાઓએ વિધાનસભા ગૃહમાં ઊભા થઇને એક બીજા નો વિરોધ પણ કર્યો હતો.

વિધાનસભાનાં અધ્યક્ષ ભરાયા ગુસ્સે


વિધાનસભાનાં પ્રશ્નોત્તરી કાળ દરમિયાન મગફળી કાંડની વાત સામે આવતા જ વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી ગુસ્સે ભરાયા હતા અને તેમણે ગૃહનાં તમામ સભ્યોને કહ્યું હતું કે, ગૃહના નેતા જ્યારે બોલવા ઊભા થતા હોય ત્યારે તેમને સાંભળવા જોઈએ. જ્યારે, પરેશ ધાનાણી 4 વખત એક જ મુદ્રામાં ઊભા થયા હોવાની ટકોર પણ વિધાનસભા અધ્યક્ષે કરી હતી. આ સાથે જ 'તમે લોકો શાળાના બાળકો છો, વચ્ચે બોલ બોલ કરો છો' તેમ કહીને અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ ધારાસભ્યોનો ઉધડો લીધો હતો.

ખેડૂતો માટે NFSAનો લાભ મેળવવા ખાસ વ્યવસ્થા કરાશે

રાજ્યનાં કેબિનેટ પ્રધાન જય સાદડીયાએ વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતું કે, ખેડૂતોને રજીસ્ટ્રેશન કરવા હવે બહાર જવાની પરિસ્થિતિ ઊભી થતી નથી. તેઓ પોતાના જ ગ્રામ્ય વિસ્તારમાંથી રજીસ્ટ્રેશન કરાવી શકે છે અને પોતાના માલની વહેંચણી નજીકના APMC ખાતે કરી શક્શે. જ્યારે, અત્યાર સુધીમાં ફક્ત બે જ ખેડૂતોને નિયમ પ્રમાણે પાક ન હોવાથી પાછું ફરવું પડ્યું છે. રાજ્યમાં અનેક ગ્રામ્ય વિસ્તારોમાં એવી વ્યવસ્થા છે કે, એક ગામના રેશનકાર્ડ ધારકોને રાશન લેવા માટે બીજા ગામમાં જવું પડે છે. ત્યારે આ માટે પણ અલગ વ્યવસ્થા કરવામાં આવશે. જ્યારે, જે તે દુકાનદાર પોતે અન્ય ગામમાં જઈને રેશનકાર્ડ ધારકોને માલ વેચી શકે તેવી વ્યવસ્થા પણ આગળના સમયમાં કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.