ETV Bharat / city

વ્યાજખોરો સામે તાત્કાલિક કડક કાર્યવાહી કરવા DGPનો આદેશ

author img

By

Published : Oct 17, 2020, 7:50 PM IST

રાજ્યમાં વ્યાજખોરીનું દૂષણ દૂર કરવા અને લોકોને વ્યાજખોરોથી રક્ષણ આપવા માટે રાજ્ય સરકારે હાલમાં જ કાયદામાં સુધારા કર્યા છે. DGPએ વ્યાજખોરો સામે કડકમાં કડક કાર્યવાહી કરવા આદેશ કર્યો છે. વ્યાજખોરો પર મનીલેન્ડર્સ એક્ટ અને પાસા હેઠળ કાર્યવાહી કરવા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. હાલમાં જ સરકારે વ્યાજખોરીના ગુનાને ગુંડા એક્ટ અને પાસા એક્ટમાં આવરી લીધા છે. એટલે હવે વ્યાજખોરીની ગેરકાયદેસરની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા લોકોને પણ પાસા હેઠળ જેલ હવાલે કરી શકાય છે.

વ્યાજખોરો સામે તાત્કાલિક કડક કાર્યવાહી કરવા ડીજીપીનો આદેશ
વ્યાજખોરો સામે તાત્કાલિક કડક કાર્યવાહી કરવા ડીજીપીનો આદેશ

  • વ્યાજખોરો સામે કડકમાં કડક કાર્યવાહી કરોઃ ડીજીપી
  • પાસા હેઠળ કાર્યવાહી કરવા જાહેર કરાયો પરિપત્ર
  • હવે વ્યાજખોરોએ દાદાગીરી કરી તો તેમની ખેર નથી
  • આરોપઓનું લિસ્ટ બનાવી તેમની ગતિવિધિ પર નજર રાખવા સૂચન

ગાંધીનગર: જરૂરિયાતમંદ લોકો વ્યાજખોરો પાસેથી ઊછીના નાણાં લેતા હોય છે. ત્યારબાદ વ્યાજખોરો આવા લોકોને વારંવાર હેરાન કરે છે, ગેરકાયદેસર રીતે અનેકગણું વ્યાજ વસૂલે છે. આ ઉપરાંત ધાકધમકી પણ આપતા હોવાની ઘણી ઘટનાઓ સામે આવે છે. કેટલીક વાર તે બળજબરીથી મિલકત પણ પચાવી પાડવામાં આવે છે, પરિણામે આવા ઘણા બનાવોમાં ભોગ બનનાર આપઘાત સુધીના પગલાં ઊઠાવી લે છે. આ બદીને ડામવા રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયાએ એક પરિપત્ર જાહેર કર્યો છે, જેમાં તમામ જિલ્લા અને શહેરની પોલીસને આવા બનાવોમાં તાત્કાલિક ફરિયાદ દાખલ કરી તરત જ પગલાં લેવા આદેશ કરવામાં આવ્યો છે.

પૂરાવાના આધારે તાત્કાલિક આરોપીઓની ધરપકડ કરવા આદેશઃ

બળજબરીથી નાણાં વસૂલ કરનારાઓ સામે ગુનો દાખલ કરીને સત્વરે આરોપીઓની પુરાવા આધારે ધરપકડ કરવા આદેશ આપવામાં આવ્યો છે. જેથી આરોપી દ્વારા આગોતરા જામીન લેવાની અથવા કોર્ટ તરફથી તપાસ ઉપર સ્ટે/રાહત મેળવી લેવાની શક્યતા નકારી શકાય. ઘણી વખત વ્યાજખોરો દ્વારા વ્યાજના નાણાની અવેજમાં દેણદારોની મિલકત પણ પડાવી લેવામાં આવતી હોય છે. આવા બનાવોમાં મની લોન્ડર્સ એક્ટ હેઠળ રજિસ્ટ્રાર દ્વારા આવી મિલકત વ્યાજખોરો પાસેથી કબજે કરીને મૂળ માલિકને પરત અપાવવાની જોગવાઇ છે. આ જોગવાઈ સંદર્ભે પણ રજિસ્ટ્રાર મારફતે કાર્યવાહી કરાવવા તમામ પોલીસ અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત આવા આરોપીઓ સામે PASA અને The Prevention of Money Laundering Act (PMLA) હેઠળ પણ કાર્યવાહી કરવા જણાવવામાં આવ્યું છે, જેથી આવા આરોપીઓ દ્વારા ગુનાહિત પ્રવૃત્તિથી વસાવેલી સંપત્તિને પણ ટાંચમાં લઈ શકાય. આવા આરોપીઓનું લિસ્ટ બનાવીને તેમની ગતિવિધિ ઉપર વોચ રાખવા માટે પણ સૂચના આપવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.