ETV Bharat / business

વિદેશી ફંડોની લેવાલીથી શેરબજારમાં ઐતિહાસિક તેજી, સેન્સેક્સે 58,000 અને નિફટીએ 17,300ની સપાટી કૂદાવી

author img

By

Published : Sep 3, 2021, 6:04 PM IST

શેરબજારમાં ઐતિહાસિક તેજીની આગેકૂચ રહી છે. મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 58,000 અને નિફટી 17,300ની સપાટી કૂદાવી ગયો હતો. આમ સેન્સેક્સ અને નિફટી ઑલ ટાઈમ લેવલ પર બંધ રહ્યા હતા. વિદેશી ફંડોની ભારે લેવાલી ચાલુ રહી હતી, પરિણામે શેરબજારમાં ઐતિહાસિક તેજી આગળ વધી રહી છે.

વિદેશી ફંડોની લેવાલીથી શેરબજારમાં ઐતિહાસિક તેજી
વિદેશી ફંડોની લેવાલીથી શેરબજારમાં ઐતિહાસિક તેજી

  • રિલાયન્સ રેકોર્ડબ્રેક ઊંચી સપાટીએ
  • વિદેશી ફંડોનું ભારતમાં રોકાણ
  • સેન્સેક્સ 58,129 અને નિફટી 17,323 લાઈફ ટાઈમ હાઈ સપાટી પર બંધ રહ્યો

અમદાવાદ- શેરબજારમાં સપ્તાહના છેલ્લા દિવસે ઑલરાઉન્ડ લેવાલીથી ઐતિહાસિક તેજી રહી હતી. સેન્સેક્સ 58,129 અને નિફટી 17,323 લાઈફ ટાઈમ હાઈ સપાટી પર બંધ રહ્યો હતો. ખાસ કરીને એફઆઈઆઈની ભારે લેવાલી ચાલુ રહી હતી તેમજ સ્થાનિક નાણા સંસ્થાઓમાં સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડોની નવી લેવાલી આવી હતી. જેથી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની આગેવાની હેઠળ શેરોના ભાવ ઊંચકાયા હતા.

વિદેશી ફંડોની લેવાલીથી શેરબજારમાં ઐતિહાસિક તેજી

આ પણ વાંચો- શેરબજારમાં ભારે લેવાલીથી ઐતિહાસિક તેજીની આગેકૂચ, નિફટી રેકોર્ડબ્રેક ઊંચાઈએ

એફઆઈઆઈની ચીનમાંથી એક્ઝિટ અને ભારતમાં રોકાણ શરૂ કર્યું

અફઘાનિસ્તાન તાલિબાનના કબજા હેઠળ આવી ગયા પછી પાકિસ્તાન અને ચીને તાલિબાનીઓને ટેકો જાહેર કર્યો છે, જેથી અમેરિકા અને યુરોપિયન દેશોના ફંડો ચીનમાંથી પોતાનું ફંડ પાછુ ખેંચી રહ્યા છે અને તે રોકાણ ભારતીય શેરબજારમાં આવવાની શકયતાઓ છે. કેટલાક ફંડોએ ભારતીય શેરોમાં નવું રોકાણ શરૂ પણ કર્યું છે. સપ્ટેમ્બર મહિનામાં એફઆઈઆઈ નેટ બાયર રહી હતી. બીજી તરફ કોરાનાકાળ પછી ભારતનો જીડીપી 20 ટકા વધ્યો છે તેમજ જીએસટી કલેક્શન વધીને આવ્યું છે, જેને પગલે શેરબજારનું સેન્ટિમેન્ટ તેજ થઈ ગયું છે.

વિદેશી ફંડોની લેવાલીથી શેરબજારમાં ઐતિહાસિક તેજી
વિદેશી ફંડોની લેવાલીથી શેરબજારમાં ઐતિહાસિક તેજી

રિલાયન્સની માર્કેટકેપ 16 લાખ કરોડ પાર

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના પોઝિટિવ નિવેદન પાછળ રિલાયન્સના શેરમાં ભારે લેવાલી આવી હતી અને શેરનો ભાવ જોરદાર ઊંચકાયો હતો અને રેકોર્ડ ઊંચાઈ પર પહોંચી ગયો હતો. 16 સપ્ટેમ્બર, 2020 પછી તેણે નવો રેકોર્ડ ભાવ બનાવ્યો હતો અને તેની માર્કેટ કેપ 16 લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગયો હતો. આજે માર્કેટ બંધ થયું ત્યારે રિલાયન્સનો શેર 94.10 વધી 2388.50 બંધ થયો હતો.

ટોપ ગેઈનર્સ

આજે સૌથી વધુ ઊંચકાયેલા શેરમાં રિલાયન્સ(4.12 ટકા), ટાઈટન કંપની(2.59 ટકા), તાતા સ્ટીલ(1.27 ટકા), બજાજ ઓટો(1.18 ટકા) અને મારૂતિ સુઝુકી(1.06 ટકા) રહ્યા હતા.

ટોપ લુઝર્સ

આજે સૌથી વધુ ગગડેલા શેરમાં એચયુએલ(1.18 ટકા), ભારતી એરટેલ(1.17 ટકા), એચડીએફસી બેંક(0.85 ટકા), એચડીએફસી(0.68 ટકા) અને ઈન્ડુસઈન્ડ બેંક(0.67 ટકા) રહ્યા હતા.

ગમે ત્યારે સેન્સેક્સ 60,000 ક્રોસ થશે

વેલ્થસ્ટ્રીટના કો-ફાઉન્ડર અજય સરાઓગીએ ETV Bharat ને જણાવ્યું હતું કે, ભારત દેશ કેરળ રાજ્યને છોડીને કોરાનાકાળમાંથી બહાર આવી ગયું છે. ઈન્ડસ્ટ્રીઝ વેગવાન બની છે. જાહેર જીવનમાં નોર્મલસી આવી ગઈ છે. જીડીપી ગ્રોથ પણ પ્લસ થયો છે અને હાઈજમ્પ લગાવ્યો છે. કોર્પોરેટ સેક્ટરના દેખાવ પોઝિટિવ રહ્યા છે. આમ તમામ પોઝિટિવ કારણોના લીધે નવું બાઈંગ આવ્યું છે અને સેન્સેક્સ 58,000 ક્રોસ થઈ ગયો છે, ગમે ત્યારે 60,000 ક્રોસ પણ કરી જાય, પણ સાવચેતી જરૂરી છે.

આ પણ વાંચો- કૃષ્ણ જન્મની વધામણીઃ શેરબજારમાં રેકોર્ડબ્રેક તેજી, સેન્સેક્સ અને નિફ્ટી ઑલટાઈમ હાઈ

ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ પણ જરૂરી છે

વેલ્થસ્ટ્રીટના કો-ફાઉન્ડર કુનાલ મહેતાએ ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, પ્રથમ ક્વાર્ટરના પરિણામો બાદ વેલ્યૂએશન્સને લઈને ચિંતા ઓછી થઈ છે. બીજા ક્વાર્ટરના પરિણામો પણ બમ્પર રહેવાની ધારણા છે. આમ વેલ્યૂએશન વધુ રેશનાલાઈઝ બનશે. જો કે, બજારમાં એક કરેક્શન અપેક્ષિત છે. હાલમાં સ્થાનિક ફ્લોના સપોર્ટથી બજાર ઊંચકાઈ રહ્યાં છે. જો કે, મારી દ્રષ્ટીએ વર્તમાન ભાવ સપાટી ખરીદી માટે નહિ, પરંતુ પ્રોફિટ બુકિંગ માટે છે. પાછળથી નીચા ભાવે ખરીદીની તક મળશે. માટે હાથ પર કેશ વધારતાં જવાનો વ્યૂહ અપનાવવો જોઈએ. ડિફેન્સિવ એવા એફએમસીજી અને આઈટી ક્ષેત્રો પણ ઊંચા વેલ્યૂએશન દર્શાવી રહ્યાં છે અને તેથી તેમાં પણ ખરીદીથી દૂર રહેવું જોઈએ. ફાર્મા ક્ષેત્રે કેટલાંક કાઉન્ટર્સ કોન્સોલિડેશનમાંથી બહાર આવી રહ્યાં છે. જેમના તરફ નજર દોડાવી શકાય.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.