ETV Bharat / bharat

પ્રમુખપદની ચૂંટણીની તારીખ બદલવાની ટ્રમ્પની મહેચ્છા દિવાસ્વપ્ન સમાન

author img

By

Published : Aug 1, 2020, 4:37 PM IST

કોવિડ-19ની મહામારીને મામલે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જે રીતે કાર્યવાહી કરી, તેના કારણે થઇ રહેલી ટીકાઓની વર્ષા અને ઓપિનિયન પોલમાં તેમના ગગડી રહેલા રેટિંગને પગલે ટ્રમ્પે આ વર્ષની પ્રમુખપદની ચૂંટણીઓની તારીખ બદલવાનું સૂચન કર્યું છે, જોકે, ચૂંટણીની તારીખમાં ફેરફાર થવાની શક્યતા નહિવત્ છે અને ખુદ રિપબ્લિકન નેતાઓ સુદ્ધાં કહી રહ્યા છે કે, આમ થવું લગભગ અશક્ય છે.

American President Donald Trump
પ્રમુખપદની ચૂંટણીની તારીખ બદલવાની ટ્રમ્પની મહેચ્છા દિવાસ્વપ્ન સમાન

નવી દિલ્હી: કોવિડ-19ની મહામારીને મામલે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જે રીતે કાર્યવાહી કરી, તેના કારણે થઇ રહેલી ટીકાઓની વર્ષા અને ઓપિનિયન પોલમાં તેમના ગગડી રહેલા રેટિંગને પગલે ટ્રમ્પે આ વર્ષની પ્રમુખપદની ચૂંટણીઓની તારીખ બદલવાનું સૂચન કર્યું છે, જોકે, ચૂંટણીની તારીખમાં ફેરફાર થવાની શક્યતા નહિવત્ છે અને ખુદ રિપબ્લિકન નેતાઓ સુદ્ધાં કહી રહ્યા છે કે, આમ થવું લગભગ અશક્ય છે.

મહામારીના સમયમાં મેઇલ-ઇન વોટિંગની સંભવિતતાને કારણે પ્રમુખપદની ચૂંટણીઓની તારીખ બદલાઇ શકે છે, તે મુજબનું ગુરુવારે નિવેદન કરીને ટ્રમ્પે વિવાદ છેડ્યો હતો.

“સાર્વત્રિક મેઇલ-ઇન વોટિંગ (એબ્સન્ટી વોટિંગ નહીં, જે સારું છે) સાથે, 2020ની ચૂંટણી ઇતિહાસની સૌથી ખામીયુક્ત અને છેતરપિંડીયુક્ત ચૂંટણી બની રહેશે. અમેરિકા માટે આ ચૂંટણી પરેશાનીરૂપ બની રહેશે. જ્યાં સુધી લોકો યોગ્ય રીતે, સુરક્ષિતપણે અને સલામત રીતે મતદાન ન કરી શકે, ત્યાં સુધી ચૂંટણી પાછી ઠેલશો???” તેમ ટ્રમ્પે ટ્વીટ કર્યું હતું.

ટ્રમ્પે પોસ્ટલ વોટિંગનો વિરોધ કરવા માટે એવું કારણ રજૂ કર્યું હતું કે, તેના કારણે છેતરામણાં અને અચોક્કસ પરિણામો આવશે. જોકે, તેમના રિપબ્લિક પક્ષના જ નેતાઓએ આ વિચારને ફગાવી દીધો હતો.

"યુદ્ધો થયાં, મહા મંદી અને આંતરિક યુદ્ધો થયાં, તો પણ આ દેશના ઇતિહાસમાં સંઘીય રીતે નિયત કરાયેલી ચૂંટણીના સમયમાં ફેરફાર થયાનું આજદિન સુધી બન્યું નથી. આ વખતે ત્રીજી નવેમ્બરે પણ આમ કરવા માટે આપણે માર્ગ શોધી લઇશું," તેમ સેનેટ મેજોરિટી લિડર અને કેન્ટકીના રિપબ્લિકન મિચ મેકકોનેલે જણાવ્યું હતું.

હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્ઝના માઇનોરિટી લિડર અને કેલિફોર્નિયાના રિપબ્લિકન કેવિન મેકકેર્થીએ પણ સમાન વિચારો વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, “સંઘની ચૂંટણીઓના ઇતિહાસમાં કદી પણ ચૂંટણીઓ સમયસર ન યોજાઇ હોય, તેવું બન્યું નથી અને આપણે ચૂંટણીની પ્રક્રિયા તરફ આગેકૂચ કરવી જોઇએ."

ઉલ્લેખનીય છે કે, પ્રમુખપદની ચૂંટણી નવેમ્બરના પ્રથમ મંગળવારે યોજાય છે અને આ વર્ષે મંગળવારે ત્રીજી નવેમ્બર છે.

ટ્રમ્પે કરેલા સૂચન પાછળ, અમેરિકામાં દોઢ લાખ કરતાં વધુ લોકોનો જીવ લેનાર કોવિડ-19 મહામારી સામે ટ્રમ્પે લીધેલાં પગલાં અને રંગભેદ અને ગેરકાયદેસર ઇમિગ્રેશન જેવા આંતરિક પ્રશ્નો મામલે કરેલી કાર્યવાહીને પગલે તેમના પર થયેલો ટીકાનો મારો જવાબદાર છએ.

ઓપિનિયન પોલ અનુસાર, ટ્રમ્પ અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ તથા ડેમોક્રેટના પ્રમુખપદના ઉમેદવાર જો બિટેન કરતાં ઘણાં પાછળ રહી ગયા છે.

ઉદાહરણ તરીકે, રિયલ ક્લિયર પોલિટિક્સના ડેટા પર આધારિત ફાઇનાન્શિયલ ટાઇમ્સના તાજેતરના પોલ ટ્રેકર દર્શાવે છે કે, બિડેન 538 ઇલેક્ટરલ કોલેજ વોટ્સમાંથી 308 મતો જીતી શકે છે, જ્યારે ટ્રમ્પ માત્ર 128 વોટ જીતી શકે છે. ઉમેદવારે જીતવા માટે 538 મતોમાંથી 270 વોટ મેળવવા જરૂરી છે.

જોકે, ટ્રમ્પ દાવો કરી રહ્યા છે કે, આવા પોલ મૌન બહુમતીના અભિપ્રાયને પ્રતિબિંબિત કરતા નથી અને આ બહુમતી તેમની પડખે છે.

પરંતુ હકીકત એ છે કે, ચૂંટણીની તારીખ બદલવાનું તેમણે સૂચન કર્યું હોવા છતાં, વધુ સમર્થન મેળવવા માટે તારીખો લંબાવવાની પ્રયુક્તિ કારગત નીવડવાની નથી, કારણ કે આમ કરવું અમેરિકન બંધારણની વિરૂદ્ધનું પગલું ગણાશે.

યુએસ ઇન્ડિયા પોલિટિકલ એક્શન કમિટિના સ્થાપક સભ્ય રોબિન્દર સચદેવે ઇટીવી ભારત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, “પ્રમુખપદની ચૂંટણીઓની તારીખ બદલાવાની શક્યતા નહિવત્ છે. તે પાછળનું કારણ એ છે કે, ચૂંટણીની તારીખ અમેરિકન કોંગ્રેસ દ્વારા બંધારણીય રીતે ફરજિયાત કરવામાં આવી છે અને નવેમ્બર મહિનાના પ્રથમ મંગળવારે જે તારીખ આવતી હોય, તે તારીખે ચૂંટણી યોજાય છે. માત્ર કોંગ્રેસ જ આ તારીખ બદલી શકે છે.”

“પ્રમુખ ટ્રમ્પ કે અન્ય કોઇપણ પ્રમુખ પાસે તે તારીખ બદલવાની સત્તા નથી. એકમાત્ર અપવાદ એ છે કે, ઇમર્જન્સીની સ્થિતિમાં રાષ્ટ્ર-પ્રમુખ ઇમર્જન્સીની સત્તાઓ મેળવી શકે છે અને પછી, તે સત્તા ગ્રહણ કરીને ચૂંટણીની તારીખમાં ફેરફાર કરી શકે છે. તેમ છતાં, અહીં એ નોંધવું જરૂરી છે કે, યુનાઇટેડ સ્ટેટ્સના ઇતિહાસમાં અગાઉ કદી પણ ચૂંટણીની તારીખો બદલવામાં આવી નથી... જો તારીખ બદલવામાં આવશે, તો અમેરિકન લોકતંત્રની માન્યતામાં ભારે વાવાઝોડું સર્જાશે,” તેમ સચદેવે જણાવ્યું હતું.

ટ્રમ્પ તેમના ચૂંટણી કેમ્પેનમાં મતદારોને સમજાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે કે, અર્થતંત્ર વૃદ્ધિ સાધી રહ્યું છે, સ્ટોક માર્કેટ ઉપર જઇ રહ્યું છે, બેકારી ઘટી છે અને મહામારીનાં વળતાં પાણી થઇ રહ્યાં છે. એક રીતે જોતાં, તેઓ અમેરિકાને ફરી વખત મહાન બનાવવાના 2016ના તેમના ચૂંટણી કેમ્પેનના સ્લોગનનો પુનરોચ્ચાર કરી રહ્યા છે.

આ તરફ બિડેને તે જ પ્રશ્નોને શસ્ત્રરૂપે અજમાવ્યા છે, પણ તેઓ કહી રહ્યા છે કે, માત્ર તેમના (બિડેન) જેવી વ્યક્તિ જ અમેરિકાની ગાડી ફરી પાટા પર ચઢાવવાની ક્ષમતા ધરાવે છે.

“અમેરિકામાં આજે મુખ્ય મુદ્દો એ છે કે, જ્યાં જુઓ ત્યાં લોકો નાખુશ છે, પછી તે રિપબ્લિકનના ટેકેદારો હોય કે ડેમોક્રેટના સમર્થકો,” તેમ સચદેવે જણાવ્યું હતું.

સચદેવના જણાવ્યા મુજબ, “હવે, ટ્રમ્પ આ નારાજગી સાથે રમત રમી રહ્યા છે અને તેમના સમર્થકોના આધારને અને અમેરિકાની વ્યાપક જનતાને કહી રહ્યા છે કે, અહીંઆ તરફ જુઓ, મેં તમને જણાવ્યું હતું કે, નકારાત્મક પરિબળો મને મારૂં કામ નહીં કરવા દે, છતાં હું મારી શ્રેષ્ઠ ક્ષમતાઓ સાથે કામ કરી રહ્યો છું અને તમે તે જોઇ રહ્યા છો. અર્થતંત્ર ઘણો સારો દેખાવ કરી રહ્યું છે, બેરોજગારીનું સ્તર ઘણું નીચું ગયું છે, ઓપિનિયન પોલ્સ નિરર્થક છે, કારણ કે ઓપિનિયન પોલ્સ મૌન બહુમતી પર ધ્યાન આપતા નથી અને આ બહુમતી મારી સાથે છે અને મુખ્ય મુદ્દો એ છે કે, અમેરિકાને ફરી મહાન બનાવવું.”

તેમના મતે, બિડેન ટ્રમ્પને વધુ બોલવાનો અવકાશ ઊભો કરી રહ્યા છે, કારણ કે ટ્રમ્પનાં નિવેદનો વધુ વિવાદો અને વિરોધાભાસો સર્જે છે, જેને પડકારવામાં આવી રહ્યાં છે.

સચદેવના મતે, “બિડેન અમેરિકાની આંતરિક નીતિઓને ઉજાગર કરી રહ્યા છે અને તેઓ જણાવી રહ્યા છે કે, તેઓ અમેરિકાની ગાડીને ફરી પાટા પર ચઢાવશે. તેઓ અમેરિકન પ્રજાને એ સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે, ટ્રમ્પ એક વિક્ષેપરૂપ હતા, ટ્રમ્પે જે કર્યું છે, તેનાથી નુકસાન પહોંચ્યું છે, અને અમેરિકાની ગાડીને ફરી પાટે ચઢાવવા માટે તેમના (બિડેન) જેવી સમજદાર વ્યક્તિની જરૂર છે.”


- અરૂણિમ ભુયન

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.