ETV Bharat / bharat

JHU સંશોધકો મશીન લર્નિંગ થકી કોવિડ-19ના દર્દીઓના હૃદયમાં સર્જાયેલી સમસ્યાની આગાહી કરશે

author img

By

Published : May 25, 2020, 8:10 PM IST

જ્હોન્સ હોપકિન્સ રિસર્ચર્સે હૃદયની કામીગીરી પર વિપરિત અસર થવાનું જોખમ ધરાવતા કોવિડ-19ના દર્દીઓની ઓળખ કરવા મશીન લર્નિંગનો ઉપયોગ કરવા માટે નેશનલ સાયન્સ ફાઉન્ડેશન પાસેથી 1,95,000 ડોલરની રેપિડ રિસ્પોન્સ રિસર્ચ ગ્રાન્ટ મેળવી હતી.

a
JHU સંશોધકો મશીન લર્નિંગ થકી કોવિડ-19ના દર્દીઓના હૃદયમાં સર્જાયેલી સમસ્યાની આગાહી કરશે

હૈદરાબાદ: મશીન લર્નિંગ થકી, જ્હોન્સ હોપકિન્સ સંશોધકો કોવિડ-19ના કયા દર્દીઓ પર હાર્ટ ફેલ્યોર, હૃદયના અસાધારણ ધબકારા, કાર્ડિયોજેનિક શોક અને મૃત્યુ જેવી હૃદય સંબંધિત વિપરિત અસરોનું જોખમ તોળાઇ રહ્યું છે, તેમની ઓળખ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ટીમે તાજેતરમાં જ આ માટે નેશનલ સાયન્સ ફાઉન્ડેશન પાસેથી 1,95,000 રેપિડ રિસ્પોન્સ રિસર્ચ ગ્રાન્ટ મેળવી હતી.

સંશોધકોએ જણાવ્યું હતું કે, કોવિડ-19ની કાર્ડિયોવસ્ક્યુલર સિસ્ટમ પર પડતી નકારાત્મક અસરોના વધી રહેલા પુરાવા હૃદયની સમસ્યા સર્જાવાની શક્યતા ધરાવતા કોવિડ-19ના દર્દીઓની ઓળખ કરવાની તાતી જરૂરિયાત પર ભાર મૂકે છે.

જ્હોન્સ હોપકિન્સ યુનિવર્સિટી સ્કૂલ્સ ઓફ એન્જિનીયરિંગ એન્ડ મેડિસિનના ડિપાર્ટમેન્ટ ઓફ બાયોમેડિકલ એન્જિનીયરિંગના પ્રોફેસર તથા પ્રોજેક્ટના મુખ્ય સંશોધક નતાલિયા ટ્રેયાનોવાએ જણાવ્યું હતું કે, “આ પ્રોજેક્ટ ચિકિત્સકોને આગોતરી ચેતવણીના સંકેતો આપશે અને અત્યંત ગંભીર સ્થિતિ ધરાવનારા દર્દીઓને સંસાધનો ફાળવવામાં આવે, તે સુનિશ્ચિત કરશે.”

ધી જ્હોન્સ હોપકિન્સ હેલ્થ સિસ્ટમ (JHHS) ઇસીજી, કાર્ડિયાકને લગતા ચોક્કસ લેબોરેટરી ટેસ્ટ, હૃદયના ધબકારા અને ઓક્સિજન સેચ્યુરેશન (પરિપૂર્ણતા) જેવા સતત મેળવવામાં આવેલા સંકેતો તેમજ સીટી સ્કેન અને ઇકોકાર્ડિયોગ્રાફી જેવા ઇમેજિંગ ડેટા સાથે દાખલ કરવામાં આવેલા કોવિડ-19ના 300 કરતાં વધુ દર્દીઓનો ડેટા એકત્રિત કરશે. આ ડેટા થકી તેઓ અલગોરિધમ તૈયાર કરશે.

આ અલગોરિધમને JHHS ખાતે અથવા તો અન્ય નજીકની હોસ્પિટલોમાં હૃદયની સમસ્યા ધરાવનારા કોવિડ-19ના દર્દીઓના ડેટા સાથે ચકાસવામાં આવશે.

સંશોધકો આગાહી કરી શકે તેવો (પ્રિડિક્ટિવ) રિસ્ક સ્કોર તૈયાર કરવા માંગે છે, જે દર્દીને હૃદય સંબંધિત વિપરિત અસરો સર્જાવાનું જોખમ હોય, તેના 24 કલાક પહેલાં આ જોખમ અંગે સંકેત આપી શકે.

“એક ચિકિત્સક તરીકે મારૂં માનવું છે કે, કોવિડ-19ના દર્દીઓ પર હૃદયની નવી સમસ્યાઓના રહેલા જોખમનું વિભાજન કરવા માટેના આદર્શ અભિગમમાં ઘણી જ્ઞાનાત્મક ખામીઓ મોજૂદ છે,” તેમ જ્હોન્સ હોપકિન્સ યુનિવર્સિટી સ્કૂલ ઓફ મેડિસનની ડિવિઝન ઓફ કાર્ડિયોલોજીના આસિસ્ટન્ટ પ્રોફેસર ઓફ મેડિસિન તથા આ પ્રોજેક્ટના ક્લિનિકલ કોલેબોરેટર એલિસન જી. હેઝએ જણાવ્યું હતું.

આ સંશોધન કોવિડ-19 સંબંધિત હૃદયની ઇજાઓ કેવી રીતે આકસ્મિક કાર્ડિયાક મોત અને હૃદયની સમસ્યા તરફ દોરી શકે છે, તે વિશે જાણકારી મેળવવામાં મદદરૂપ નીવડશે.

સંશોધન ટીમ તેમનું અલગોરિધમ તૈયાર કરે અને તેનું પરીક્ષણ કરે, ત્યાર બાદ કોઇપણ રસ ધરાવતી હેલ્થ કેર સંસ્થા માટે તે અમલીકરણ માટે વ્યાપક સ્તરે ઉપલબ્ધ બનાવી શકાય છે.

“કયો દર્દી ગંભીર પરિણામો વિકસવાનું જોખમ ધરાવે છે, તેની આગાહી કરીને હેલ્થ કેર પ્રોફેશનલ્સ ઉપચારના શ્રેષ્ઠ ઉપાયો હાથ ધરી શકે છે અથવા પ્રાથમિક નિવારણનો ઉપયોગ કરીને આવા દર્દીઓનાં જીવન બચાવી શકે છે,” તેમ ટ્રેયાનોવાએ જણાવ્યું હતું.

કયાં બાયોમેકર્સ વિપરિત પરિણામની સૌથી વધુ શક્યતા ધરાવે છે, તે નક્કી કરવા માટે ચિકિત્સકો માટે આ પ્રોજેક્ટ મદદરૂપ નીવડી શકે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.