ETV Bharat / bharat

શું UPમાં માઇનોરિટી પૉલિટ્કિસનો આવી ગયો છે અંત? જાણો સપા-કોંગ્રેસ કેમ નથી ઉઠાવી રહ્યા મુસલમાનોના પ્રશ્નો

author img

By

Published : Oct 21, 2021, 9:46 PM IST

ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી (Uttar Pradesh Legislative Assembly Election) માટે મેદાન તૈયાર થઈ રહ્યું છે. વિપક્ષ દરેક નાની -મોટી ઘટનાઓ પર સખત પ્રતિક્રિયા આપી રહ્યું છે અને ભાજપ વળતો જવાબ આપી રહ્યું છે. પરંતુ અત્યાર સુધી મુસ્લિમ મતદારોના મુદ્દાઓ પર કોઈ વાત થઈ નથી. વધુમાં સમાજવાદી પાર્ટી (Samajwadi Party), બસપા (BSP) અને કોંગ્રેસ (Congress)ના મુસ્લિમ નેતાઓ ચૂંટણી પ્રચારના નેતૃત્વથી દૂર જોવા મળી રહ્યા છે. રાજકારણમાં આ પરિવર્તન શા માટે? લઘુમતી રાજકારણનું ભવિષ્ય શું છે? વાંચો અહેવાલ

  • સપા-બસપાએ ઉત્તર પ્રદેશ જીતવા માટે બદલ્યો એજન્ડા
  • રાજકીય દળોને હવે મુસલમાનોના વોટ મેળવવામાં નથી રસ
  • તમામ દળો દલિત, ઓબીસી અને બ્રાહ્મણને રિઝવવામાં વ્યસ્ત

હૈદરાબાદ: ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)માં ચૂંટણીની જાહેરાત તો નથી થઈ, પરંતુ ત્યાં ચૂંટણીનું વાતાવરણ સંપૂર્ણ રીતે બની ચૂક્યું છે. અખિલેશ યાદવ (Akhilesh Yadav) અને શિવપાલ યાદવ (Shivpal Yadav) રથ લઇને જનતાની વચ્ચે પહોંચ્યા છે, તો કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા (Priyanka Gandhi Vadra) પણ રોજે સરકાર સામે લડી રહ્યા છે. અત્યાર સુધી રાજકીય ઘોંઘાટમાં એક મોટી વોટ બેંક ખામોશ છે. બીજી તરફ કોઈ રાજકીય દળે વેટ એન્ડ વોચની પોઝિશનમાં બેઠેલા મુસલમાનોના વોટ મેળવવાની તત્પરતા નથી દર્શાવી. તમામ દળો જાતિગત વોટ બેંક દલિત, ઓબીસી અને બ્રાહ્મણને રિઝવવામાં વ્યસ્ત છે.

સપા-બસપાએ બદલ્યો પોતાનો એજન્ડા?

2020માં કોરોનાને કારણે હિન્દુ-મુસ્લિમ તહેવારો ઝાંખા પડી ગયા હતા. ઓક્ટોબર 2021 સુધી મુસ્લિમ સમુદાયના તમામ તહેવારો ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવતા હતા, પરંતુ આ વર્ષે સમાજવાદી પાર્ટી, બસપા અને કોંગ્રેસના નેતાઓએ ઇફતાર અને ઇદગાહની મુલાકાતની પરંપરાગત તહેવારની ડિપ્લોમેસીનું પાલન નથી કર્યું.

મંદિરોના ચક્કર લગાવી રહ્યા છે અખિલેશ-પ્રિયંકા

બીજી તરફ યુપીમાં કોંગ્રેસની કમાન સંભાળી રહેલા પ્રિયંકા ગાંધી અને સમાજવાદી પાર્ટીના ચીફ અખિલેશની વચ્ચે મંદિર જવાની હોડ લાગી છે. છેલ્લા એક વર્ષમાં અખિલેશ ચિત્રકૂટના કામનાનાથ મંદિર, ટૂંડલાના સીયર મંદિર, મથુરામાં બાંકે બિહારી મંદિર, વિંધ્યાચલ સહિત અનેક મંદિરોમાં પૂજા-અર્ચના કરી ચૂક્યા છે. પ્રિયંકા ગાંધીએ પણ માઘ મેળામાં સ્નાનની સાથે તીર્થયાત્રાની જે શરૂઆત કરી તે ચૂંટણી પ્રચાર અને સંઘર્ષની વચ્ચે પણ ચાલું રહી. તેઓ મંદિરમાં જવાની એક પણ તક નથી ચૂકી રહ્યા. BSP અને સપાએ રામ મંદિરને જલદી બનાવવાનો વાયદો કર્યો. અખિલેશ યાદવ મહર્ષિ પરશુરામનું મંદિર બનાવવાનું આશ્વાસન આપી ચૂક્યા છે.

ઓવૈસી ખુલ્લેઆમ મુસ્લિમોને લગતા મુદ્દાઓ ઉઠાવી રહ્યા છે

સવાલ એ છે કે શું વિપક્ષી પક્ષો તેમના વૈચારિક મૂલ્યોથી ભટકી ગયા છે અથવા તેઓ જાણી જોઈને અથવા અજાણતા ભાજપ દ્વારા બનાવામાં આવેલા ચૂંટણી માર્ગને મજબૂત કરી રહ્યા છે. ભાજપે 2019માં હિન્દુત્વનો એવો રાજકીય એજન્ડા નક્કી કર્યો, જેના કારણે પોતાને બિનસાંપ્રદાયિક ગણાવતા વિપક્ષી પક્ષો પણ આ વખતે ખુલ્લેઆમ મુસ્લિમ કાર્ડની રાજનીતિ કરવાથી દૂર રહ્યા છે. માત્ર AIAIM ના અસદુદ્દીન ઓવૈસી ખુલ્લેઆમ મુસ્લિમ મતદારોને લગતા મુદ્દાઓ ઉઠાવી રહ્યા છે.

ટિકિટ આપવામાં BSP રહી હતી આગળ

ઉત્તર પ્રદેશમાં મુસ્લિમોની વસ્તી 19-20 ટકા છે. લગભગ 125 વિધાનસભા બેઠકો પર મુસ્લિમ મતો નિર્ણાયક માનવામાં આવે છે. રાજ્યની 70 બેઠકો પર મુસ્લિમોની વસ્તી 30 ટકા છે, છતાં 2017ની વિધાનસભાની ચૂંટણીમાં માત્ર 23 મુસ્લિમ ધારાસભ્યો ચૂંટાયા હતા. 2012માં લઘુમતી ધારાસભ્યોની સંખ્યા 69 હતી. 2007માં જ્યારે બસપાને બહુમતી મળી ત્યારે 56 મુસ્લિમ ધારાસભ્યો ચૂંટાયા હતા. 2002માં 46 અને 1996માં 38 મુસ્લિમ નેતાઓ વિધાનસભામાં પહોંચ્યા. 2017માં બસપાએ ઉત્તરપ્રદેશની ચૂંટણીમાં સૌથી વધુ 97 મુસ્લિમ ઉમેદવારો ઉતાર્યા હતા. તેના જવાબમાં સપા-કોંગ્રેસ ગઠબંધને 89 મુસ્લિમોને ટિકિટ આપી હતી. ભાજપે એક પણ મુસ્લિમ ઉમેદવાર ઉતાર્યો નહોતો.

શું સપાના પક્ષમાં જશે મુસ્લિમ વોટર?

રાજકીય નિષ્ણાત અને વરિષ્ઠ પત્રકાર યોગેશ મિશ્રાનું કહેવું છે કે 2022ની વિધાનસભા ચૂંટણીમાં ઉત્તર પ્રદેશના મુસલમાન એ પાર્ટીને વોટ કરશે જે બીજેપીને હરાવવાની તાકાત રાખે છે. અત્યારે આ રેસમાં સમાજવાદી પાર્ટી આગળ છે. પરંતુ એ પણ સંભવ છે કે યુપીના મુસ્લિમ વોટર ટેક્ટિકલ વોટિંગ પણ કરે, એટલે કે જે સીટો પર બીજેપી સિવાયની પાર્ટીનો ઉમેદવાર મજબૂત હશે ત્યાં તેને લઘુમતીના વોટ મળશે. આવી સ્થિતિમાં BSP તેમની બીજી પસંદ હશે. જો કે પાર્ટીઓની ટિકિટ વહેંચણી બાદ સ્થિતિ વધારે સ્પષ્ટ થશે. ઉલ્લેખનીય છે કે 1991ના અયોધ્યા ગોળીકાંડ બાદથી મુસલમાન વોટર સમાજવાદી પાર્ટીનું સમર્થન કરતા રહ્યા. ફક્ત 2007માં તેમણે BSPનું સમર્થન કર્યું હતું.

નરેન્દ્ર મોદીએ રાજનીતિનો દ્રષ્ટિકોણ જ બદલી દીધો

રાજકીય નિષ્ણાત યોગેશ મિશ્રાના મતે યુપીની રાજનીતિ જ નહીં, પરંતુ દેશમાં માઇનોરિટી પોલિટિક્સને નરેન્દ્ર મોદીએ ખત્મ કર્યું. 2017ની ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી અને 2019ની લોકસભાની ચૂંટણીમાં ભાજપે પ્રચંડ બહુમત મેળવીને સાબિત કર્યું છે કે બહુમતીની રાજનીતિ દ્વારા પણ સત્તા પ્રાપ્ત કરી શકાય છે. આ બંને ચૂંટણીમાં ભાજપે યુપીમાં એક પણ મુસ્લિમ ઉમેદવારને ટિકિટ આપી નહોતી. જો કે 2014માં પણ ભાજપને સ્પષ્ટ બહુમતી મળી હતી, પરંતુ તે જીત UPA-2 થી ઉદ્દભવેલા ગુસ્સાનું પરિણામ માનવામાં આવ્યું હતું.

માઇનોરિટી પોલિટિક્સથી ખાસ ફાયદો નહીં!

યોગેશ મિશ્રા પ્રમાણે, અત્યારે દેશમાં મેજોરિટી પૉલિટિક્સ એટલે કે બહુમતીની રાજનીતિનો સમય છે. બીજેપી સિવાયના રાજકીય પક્ષો પણ માની ચૂક્યા છે કે માઇનોરિટી પોલિટિક્સથી વધારે મોટું મળવાનું નથી. આ કારણે તેમણે મુસલમાનોથી જોડાયેલા આયોજનો ઇફ્તાર અને મઝારો પર ચાદર ચઢાવવી જેવા આયોજનોથી અંતર પણ બનાવ્યું છે. સાથે જ હિંદુ ધાર્મિક પ્રતીકોનું સમર્થન કરી રહ્યા છે. હવે તો બીજેપી સિવાયના નેતાઓમાં પણ એ જણાવવાની હરિફાઈ ચાલી રહી છે કે તેઓ હિંદુ ધર્મને વધારે સારી રીતે જાણે છે. આ માટે પ્રિયંકા દુર્ગા સ્ત્રોતનું પઠન ખેડૂત આંદોલનના મંચ પર કરી રહ્ચા છે.

મુસલમાનોના મુદ્દા પણ પાછળ રહી ગયા

રાજકીય નિષ્ણાતોનું માનવું છે કે રાજનીતિમાં મોદી યુગ શરૂ થયા બાદ મુસલમાનોથી જોડાયેલા મુદ્દાઓ પર ચર્ચા નથી થતી. બંગાળ ચૂંટણી આનું તાજુ ઉદાહરણ છે, જ્યાં આખી લડાઈ હિંદુત્વ પર લડવામાં આવી. બે મહિનાના ચૂંટણી કેમ્પેઇનમાં કોઈ પાર્ટીએ મુસ્લિમો માટે નિવેદન ના આપ્યું. ખુદ મુસિલ્મ વોટર પણ વોટ આપવાના સમયે મુદ્દાઓને બાજુએ મુકી રહ્યા છે. તેમનું લક્ષ્ય બીજેપીને હરાવવા સુધી સીમિત થઈ રહ્યું છે. ઉત્તર પ્રદેશમાં મુસ્લિમો ફરી એકવાર આવા જ મૂડમાં છે. જેનો વધારે ફાયદો સપા અને બસપાને થશે. સત્તાવાર ચૂંટણીને હજુ 4 મહિના બાકી છે. આ દરમિયાન પાર્ટીઓની વ્યૂહરચના બદલાઈ શકે છે. શક્ય છે કે કોઈ મુદ્દે મુસ્લિમો ફરી રાજકારણના કેન્દ્રમાં આવી જાય.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.