ETV Bharat / state

વડોદરામાં ગાજવીજ સાથે ખાબક્યો વરસાદ, મહેસાણામાં મેઘરાજાની પધરામણીથી ખેડૂતો ખુશખુશાલ

લાંબા વિરામ બાદ વરસેલા વરસાદથી મહેસાણા જિલ્લામાં કપાલ, દિવેલા સહિતના સૂકાઈ રહેલા પાકોને જીવનદાન મળ્યું છે.

મહેસાણામાં સારા વરસાદથી ખેડૂતોના પાકને જીવનદાન મળ્યું છે
મહેસાણામાં સારા વરસાદથી ખેડૂતોના પાકને જીવનદાન મળ્યું છે (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : September 21, 2026 at 10:38 PM IST

3 Min Read
Choose ETV Bharat

વડોદરા, મહેસાણા:છેલ્લા લાંબા સમયથી જેની ચાતક નજરે રાહ જોવાતી હતી એ મેઘરાજા આખરે ગુજરાત પર મન મુકીને વરસ્યા છે. આ વખતે મેઘરાજાએ ગુજરાતના મોટાભાગના જિલ્લા અને શહેરોને ધમરોળ્યા છે. ગ્રામ્ય વિસ્તારમાં થયેલો વરસાદ ખેડૂતો માટે કાચા સોના સમાન સાબિત થયો છે.

મહેસાણા જિલ્લામાં લાંબા સમયના વિરામ બાદ મેઘરાજાએ કૃપા વરસાવતા સમગ્ર પંથકના ખેડૂતોમાં આનંદની લહેર પ્રસરી ગઈ છે. વરસાદ ખેંચાતાં ખેતરોમાં ઉભેલા ખરીફ પાકો મુરઝાઈ રહ્યા હતા અને પિયત માટે પાણીની તાતી જરૂરિયાત ઊભી થઈ હતી. આ કટોકટીના સમયે જ વરસેલા કાચા સોના જેવા વરસાદે સુકાતી મોલાતને જીવતદાન આપ્યું છે. કપાસ, દિવેલા, શાકભાજી, કઠોળ અને ઘાસચારા જેવા ઉભા પાકોને આ વરસાદથી જબરદસ્ત લાભ થયો છે. ધરતીપુત્રોના ચહેરા પર છવાયેલી ચિંતાની રેખાઓ ભૂંસાઈ ગઈ છે અને કૃષિ અર્થતંત્રમાં નવી આશાનો સંચાર થયો છે.

મહેસાણામાં સારા વરસાદ બાદ ખેડૂતોમાં ખુશીની લહેર દોડી ગઈ છે (Etv Bharat Gujarat)

મહેસાણા જિલ્લામાં 80 ટકા વરસાદ, 2.89 લાખ હેક્ટરમાં વાવેતર

મહેસાણા જિલ્લા ખેતીવાડી અધિકારી શૈલેષ પટેલના જણાવ્યા મુજબ, મહેસાણા જિલ્લામાં સામાન્ય રીતે સરેરાશ 737 મિલીમીટર જેટલો વરસાદ નોંધાતો હોય છે, જેની સામે અત્યાર સુધીમાં 589 મિલીમીટર જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. ટકાવારીની દ્રષ્ટિએ જોઈએ તો જિલ્લામાં મોસમનો અંદાજે ૮૦ ટકા વરસાદ વરસી ગયો છે. હાલ જિલ્લામાં 2.89 લાખ હેક્ટર વિસ્તારમાં વિવિધ ખરીફ પાકોનું સત્તાવાર વાવેતર નોંધાયું છે. લાંબા સમયથી વરસાદ ખેંચાયો હોવાથી ઉભા પાકને પાણીની ભારે જરૂરિયાત હતી, ત્યારે જ યોગ્ય સમયે થયેલા આ વરસાદથી જમીનમાં પૂરતો ભેજ સંગ્રહાયો છે. જમીનમાં યોગ્ય ભેજ મળવાથી હવે તમામ પાકોનો વિકાસ અત્યંત ઝડપી અને સારો થશે.

મહેસાણામાં સારો વરસાદ થતાં ખેડૂતોમાં આનંદની લહેર દોડી ગઈ છે
મહેસાણામાં સારો વરસાદ થતાં ખેડૂતોમાં આનંદની લહેર દોડી ગઈ છે (Etv Bharat Gujarat)

કૃષિ વિભાગની સલાહ: પાણીનો નિકાલ અને રોગ-જીવાત નિયંત્રણ

કૃષિ અધિકારીએ ખેડૂતો માટે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપતાં જણાવ્યું કે, બેચરાજી જેવા તાલુકાઓમાં જ્યાં વધુ વરસાદ પડ્યો છે, ત્યાં ખેતરોમાં ભરાયેલા વધારાના પાણીનો તાત્કાલિક નિકાલ કરવો જરૂરી છે, જેથી પાકના મૂળ કોહવાઈ ન જાય. આ ઉપરાંત બીટી કપાસમાં જો પાન પીળા પડવાની સમસ્યા જણાય તો પૂર્તિ ખાતર તરીકે યુરિયા જેવા નાઈટ્રોજનયુક્ત ખાતરોનો ભલામણ મુજબ ડોઝ આપવો જોઈએ.

ભેજવાળા વાતાવરણને કારણે પાકમાં ઈયળ કે ચૂસિયા પ્રકારની જીવાતોનો ઉપદ્રવ વધવાની શક્યતા રહે છે. ખેડૂતોએ તાત્કાલિક રાસાયણિક જંતુનાશકો તરફ દોડવાને બદલે સૌપ્રથમ જૈવિક પદ્ધતિઓ અપનાવવી જોઈએ. પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોએ અગ્નિઅસ્ત્ર, બ્રહ્માસ્ત્ર કે દસપર્ણી અર્કનો છંટકાવ કરવો જોઈએ. તેમજ અન્ય ખેડૂતો લીમડા આધારિત નીમ ઓઈલનો છંટકાવ કરીને જીવાતો સામે રક્ષણ મેળવી શકે છે. જીવાત કે ફૂગજન્ય રોગનું પ્રમાણ વધુ હોય તો જ ભલામણ કરેલ યોગ્ય જંતુનાશક અને ફૂગનાશક દવાઓનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો હિતાવહ છે.

સારા વરસાદ બાદ ખેડૂતો પોતાના પાકને ખાતર આપી રહ્યા છે
સારા વરસાદ બાદ ખેડૂતો પોતાના પાકને ખાતર આપી રહ્યા છે (Etv Bharat Gujarat)

ખેડૂતોમાં હર્ષ: દુષ્કાળનો ડર ટળ્યો, પિયતનો ખર્ચ બચશે

બીજી તરફ સ્થાનિક ખેડૂતોએ પણ મેઘમહેર અંગે ભારે સંતોષ વ્યક્ત કર્યો છે. ખેડૂતોના કહેવા મુજબ, શરૂઆતમાં વરસાદ ખેંચાતાં દુષ્કાળ જેવી કપરી સ્થિતિ સર્જાવાની ભીતિ સેવાઈ રહી હતી. મોંઘા બિયારણ, ખાતર અને મહેનત પાણી વિના એળે જશે તેવી ચિંતા હતી, પરંતુ કુદરતે છેલ્લી ઘડીએ કાચું સોનું વરસાવીને કપાસ, દિવેલા, કઠોળ અને શાકભાજીને નવું જીવન બક્ષ્યું છે.

આ ઉપરાંત પશુપાલન માટે ઘાસચારાનું પણ મોટા પ્રમાણમાં વાવેતર થયું હોવાથી પશુપાલકો માટે ઘાસચારાની સમસ્યા હળવી થશે. કૃષિ નિષ્ણાતોના મતે, જો આગામી નવરાત્રિની આસપાસ વધુ એક સારો વરસાદ પડી જાય, તો તુવેર જેવા કઠોળ અને દિવેલાના પાકને સીધો ફાયદો થશે અને ખેડૂતોનો બોરવેલ કે પિયત પાછળ થતો વીજળી અને ડીઝલનો મોટો ખર્ચ પણ બચી જશે.

વડોદરામાં પણ ગાજવીજ સાથે વરસાદ પડ્યો (Etv Bharat Gujarat)

વડોદરા શહેરમાં ગાજવીજ સાથે ખાબક્ય મેહૂલિયો

વડોદરા શહેરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. ગરમી અને બફારાભર્યા વાતાવરણ વચ્ચે અચાનક કડાકા-ભડાકા સાથે મેઘરાજાએ ધોધમાર વરસાદ સાથે એન્ટ્રી કરી હતી. વરસાદ એટલો જોરદાર હતો કે માત્ર થોડી મિનિટોમાં જ શહેરના રસ્તા ભીના થઈ ગયા હતા. અચાનક શરૂ થયેલા વરસાદના કારણે થોડા સમય માટે શહેરના વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. છેલ્લા કેટલાક સમયથી વડોદરાવાસીઓ ગરમી અને બફારાથી પરેશાન હતા. બફારાના કારણે દિવસ દરમિયાન લોકોને અસહજતા અનુભવાઈ રહી હતી. અચાનક વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને ગરમી તથા બફારાથી લોકોને રાહત મળી હતી. લાંબા સમય બાદ ગાજવીજ સાથે વરસાદની ધમાકેદાર એન્ટ્રી થતા વડોદરાવાસીઓએ રાહતનો અનુભવ કર્યો હતો.

આ પણ વાંચોઃ