ETV Bharat / state

'વડોદરામાં રોડના પેચવર્ક એ તો લાલી લિપસ્ટિક છે, ખાડા પુરવાના નામે ટેકરા થાય છે' સ્થાનિકોનો રોષ

ગાજરાવાડી રોડ પર ખાડા
ગાજરાવાડી રોડ પર ખાડા (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : September 21, 2026 at 8:33 PM IST

Choose ETV Bharat

વડોદરા શહેરમાં સ્માર્ટ સિટીની વાતો વચ્ચે રસ્તાઓની સ્થિતિને લઈને સવાલો ઉઠી રહ્યા છે. ખાડા પૂરવાની કામગીરીના નામે વિવિધ વિસ્તારોના રસ્તાઓ પર વારંવાર પેચવર્ક કરવામાં આવી રહ્યું છે. ગાજરાવાડી પાણીની ટાંકી રોડ સહિત શહેરના અનેક વિસ્તારોમાં વર્ષોથી રસ્તાની સમસ્યા હોવા છતાં કાયમી ઉકેલ ન આવતાં નાગરિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં રસ્તાઓની સ્થિતિને લઈને નાગરિકોમાં નારાજગી જોવા મળી રહી છે. શહેરમાં ખાડા પૂરવાની કામગીરીના નામે અનેક માર્ગો પર પેચવર્ક કરવામાં આવી રહ્યું છે. જોકે, વારંવાર કરવામાં આવતા પેચવર્કને કારણે કેટલાક રસ્તાઓની સપાટી વધુ ઉબડખાબડ બની રહી હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. માત્ર ખાડા પૂરવા માટે કરવામાં આવતી કામગીરીથી કાયમી ઉકેલ આવતો ન હોવાનો પણ સવાલ ઉઠી રહ્યો છે.

આ સ્થિતિનું એક ઉદાહરણ ગાજરાવાડી પાણીની ટાંકી રોડ છે. વિહાર ટોકીઝથી વાઘોડિયા રોડ વિસ્તારને જોડતો આ માર્ગ પૂર્વ વિસ્તારના નાગરિકોને શહેરના મધ્ય વિસ્તાર સાથે જોડતો મહત્વનો માર્ગ છે. 24 કલાક વાહનોની અવરજવર ધરાવતા આ માર્ગ પર વિહાર ટોકીઝથી ગણપતિ મંદિર સુધીના આશરે અડધા કિલોમીટરના પટ્ટામાં બારેમાસ ખાડા-ટેકરા જોવા મળતા હોવાનો આક્ષેપ છે.

વર્ષોથી રસ્તાની સ્થિતિ બિસ્માર હોવા છતાં તંત્ર દ્વારા કાયમી ઉકેલ લાવવામાં આવતો નથી. સમયાંતરે પેચવર્ક કરવામાં આવે છે, પરંતુ પેચવર્ક બાદ ફરીથી ખાડા પડી જતા હોવાની ફરિયાદો છે. પરિણામે રસ્તો સમથળ થવાને બદલે અનેક જગ્યાએ ઉબડખાબડ બની ગયો હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે.

મહત્વની વાત એ છે કે આવી સમસ્યા માત્ર ગાજરાવાડી પૂરતી મર્યાદિત નથી. વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં રસ્તા પર ખાડા અને વારંવારના પેચવર્કને લઈને નાગરિકો સવાલો ઉઠાવી રહ્યા છે. ક્યાંક ખાડા પૂરવામાં આવે છે તો થોડા સમય બાદ ફરીથી રસ્તાની સપાટી ખરાબ થઈ જાય છે.જેના કારણે વાહનચાલકોને અવરજવર દરમિયાન મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

વાહન ચાલક અક્ષયભાઇએ કહ્યું કે, વડોદરા શહેરમાં પેચવર્ક એ તો લાલી લિપસ્ટિક છે, હજુ સુધી ભૂવા પૂરવાના કામ પૂર્ણ થયા નથી ત્યાં હવે પેચવર્ક કરવામાં આવી રહ્યા છે. મારી અપીલ છે કે અધિકારીઓ એવી કામગીરી કરે કે લોકો વખાણે તો ખરું સ્માર્ટસિટી બને.

રેપિડો ચાલક નિલેશપાંડુરંગ ઉત્તેકર એ જણાવ્યું કે, હું રાત્રે પાર્ટટાઇમ રેપિડો બાઇક ચલાવું છું. કમિશ્નર એવું કહેતા હતા કે એક અઠવાડિયામાં શહેરના બધા ખાડા પુરી દઇશું. પરંતુ ખાડા પૂર્યા અને પાછા ખાડા પડી ગયા. રાત્રે તમારા વાહનને લાઇટ ન હોય તો ઘરે પહોંચી ન શકાય. રોડની બહુ ખરાબ હાલત છે.

વડોદરા કોંગ્રેસના પ્રવક્તા રાકેશ ઠાકોરે જણાવ્યું કે, પાલિકા કરેલું પેચવર્ક વડોદરાની જનતા પાસે કરવામાં આવેલી મજાક સમાન છે. ખાડા પુરવાના નામે ટેકરા કરવામાં આવે છે અને એ ટેકરો પણ ટકતો નથી. વરસાદ પડે એટલે એ ટકેરો ઉખડી જાય છે. દર અડધા કિલોમીટરે બમ્પ જેવા પેચવર્કના ટેકરા છે. સત્તાધિશોએ એસી ઓફિસમાંથી બહાર આવવું જોઇએ.

VMCની સ્થાયી સમિતિના અધ્યક્ષા વર્ષાબેન વ્યાસે જણાવ્યું હતું કે, સપ્ટેમ્બર મહિનામાં 1082 જેટલા ખાડા આઇડેન્ટીફાય કરવામાં આવ્યા છે અને 800 જેટલા ખાડા પૂરવામાં આવ્યા છે. આખા ચોમાસામાં 12 હજારથી વધુ ખાડા પડ્યા જેમાંથી માત્ર 400 ખાડા પુરવાના બાકી છે. ફરી વરસાદ પડવાને કારણે ફરીવાર પણ ખાડા પડ્યા છે તેમના પેચવર્કની કામગીરી કરવામાં આવી રહી છે. ગણપતિ વિસર્જન દરમિયાન નાગરિકોને તકલીફ ન પડે તે માટે ખાડા પૂરવાની કામગીરી કરવામાં આવી રહી છે. છતાં જે ખાડા પુરવાના બાકી છે તે અંગે અધિકારીઓને જાણ કરીશું. હવે પછીના મોટા પ્રમાણના ખાડા હશે તેને FDR પદ્ધતિથી પૂરવામાં આવશે.

સ્માર્ટ સિટીની ઓળખ ધરાવતા વડોદરા શહેરમાં રસ્તાઓ પર વારંવાર થતા પેચવર્કને લઈને સવાલો ઉઠી રહ્યા છે.ગાજરાવાડી પાણીની ટાંકી રોડ સહિત વિવિધ વિસ્તારોમાં ખાડા અને ઉબડખાબડ રસ્તાની સમસ્યા હોવાનો આક્ષેપ છે. હવે નાગરિકો વારંવારના પેચવર્કને બદલે રસ્તાની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.