ETV Bharat / state

Valsad Hafus Mango : વલસાડની હાફૂસ કેરીની માર્કેટમાં એન્ટ્રી, જાણો કેરીનું ઉત્પાદન અને ભાવની વિગત...

author img

By ETV Bharat Gujarati Team

Published : Mar 7, 2024, 2:04 PM IST

કેરીના રસિકો માટે ખુશખબર છે, વિશ્વમાં પ્રખ્યાત વલસાડની હાફૂસ કરીનો પાક તૈયાર થઈ માર્કેટમાં આવી ગયો છે. ગત વર્ષની તુલનામાં ચાલુ વર્ષે કેરીનું ઉત્પાદન વધવાની આશા છે. જાણો આ વર્ષે વલસાડની હાફૂસ કેરીનું ઉત્પાદન અને ભાવની વિગત...

કેરીનું ઉત્પાદન અને ભાવની વિગત...
કેરીનું ઉત્પાદન અને ભાવની વિગત...

વલસાડની હાફૂસ કેરીની માર્કેટમાં એન્ટ્રી

વલસાડ : સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત વલસાડની હાફૂસ કેરીનો સ્વાદ માણવા માટે કેરી રસિકોને હવે વધુ રાહ નહીં જોવી પડે. વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના ડુંગરાળ વિસ્તારના ગામોમાં કેરીનો પાક તૈયાર થઈ ગયો છે. ખેડૂતો કેરીનો પ્રથમ જથ્થો વેચાણ અર્થે માર્કેટમાં લાવતા 20 કિલો કેરીનો રૂ. 3,550 ભાવ બોલાયો હતો.

વલસાડમાં હાફૂસ કેરીનું વાવેતર : વલસાડ જિલ્લાની હાફૂસ કેરી સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. ગત વર્ષે ફ્લાવરિંગ સિઝન દરમિયાન માવઠું થતા કેરીના પાકને અસર થઈ હતી અને ત્રણ ફાલમાં કેરીનો પાક થયો હતો. જેના કારણે ખેડૂતોને નુકસાન વેઠવું પડ્યું અને કેટલાકને ફાયદો પણ થયો હતો. આ વર્ષે વ્યાપક પ્રમાણમાં કેરીનું ઉત્પાદન થશે તેવી આશા વેપારીઓ અને ખેડૂતો કરી રહ્યા છે. દક્ષિણ ગુજરાતના 7 જિલ્લામાં 97,273 હેકટરમાં કેરીનું વાવેતર કરવામાં આવ્યું છે.

ચાલુ વર્ષે કેરીનું ઉત્પાદન : વલસાડ જિલ્લામાં આ વખતે કેરીનું ઉત્પાદન મબલખ થાય એવી આશા છે. આ વર્ષે વાતાવરણની અસરને કારણે બે ફાલમાં કેરીનું ઉત્પાદન થશે. જેમાં પ્રથમ ફાલની કેરી હાલ આંબા પર તૈયાર થઈ ચૂકી છે, જ્યારે બીજા ફાલમાં થયેલા ફ્લાવરિંગની કેરી આગામી માર્ચ-એપ્રિલ માસમાં ઉત્પાદન માટે તૈયાર થશે. પ્રથમ ફાલમાં તૈયાર થયેલી કેરીનો જથ્થો હાલ માર્કેટમાં ધીમે ધીમે પહોંચી રહ્યો છે.

આ વર્ષે ત્રણ ફાલમાં કેરીનું ઉત્પાદન થશે. 37,000 હેક્ટરમાં કેરીનું વાવેતર વલસાડ જિલ્લામાં થયેલ છે. વળી ફ્લાવરિંગ માટે જેટલા પ્રમાણમાં ઠંડી જોઈએ એટલી ઠંડી હજુ પડી નથી. જેના કારણે ફ્લાવારિંગની સીઝન એક માસ પાછળ ઠેલાય છે. જેથી ઉત્પાદનની પ્રક્રિયા પણ એક માસ મોડી શરૂ થશે. હાલ જે કેરી આવી રહી છે એ પ્રથમ ફાલની કેરી છે. -- અરુણ કે ગરાસિયા (ખેતીવાડી અધિકારી, વલસાડ)

કેરી ઉત્પાદન પર વાતાવરણની અસર : વલસાડ જિલ્લામાં કેરીનો પાક અંદાજિત 37,000 હેક્ટરમાં જોવા મળે છે. આ વર્ષે પણ ગત વર્ષની માફક જ કેરીનું ઉત્પાદન થશે, એટલે કે ગત વર્ષે નોંધાયેલા દોઢસો ટકા જેટલા ઉત્પાદન સામે આ વર્ષે પણ સમકક્ષ રહેશે. જોકે કેરીના ઉત્પાદનનો મુખ્ય આધાર આગામી દિવસમાં વાતાવરણ કેવું રહેશે તેના પર છે. કારણ કે જો મોસમ, વરસાદ કે વાદળછાયું વાતાવરણ રહેશે તો ફ્લાવરિંગ પર તેની સીધી અસર જોવા મળી શકે છે

હાફૂસ કેરી માટે ચિંતાજનક સમાચાર ? સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત વલસાડની હાફૂસ કેરીના વૃક્ષ અને કલમ હવે ખેડૂતો વાવી નથી રહ્યા, જે આગામી દિવસમાં વલસાડ જિલ્લા માટે ચિંતાજનક વિષય બની રહેશે. જોકે તેની પાછળનું કારણ વાતાવરણની સીધી અસર છે. વાદળછાયા વાતાવરણ કે કમોસમી વરસાદના કારણે કેરીનું ઉત્પાદન ખૂબ ઓછા પ્રમાણમાં જોવા મળે છે. બીજી તરફ કેસર કેરીનું ઉત્પાદન કોઈપણ વર્ષે ફેલ જતું નથી, આથી ખેડૂતો હવે માત્ર કેસર કેરીની કલમ રોપી રહ્યા છે. હાફૂસ કેરીના જુના આંબા જ બાકી રહી જવા પામ્યા છે.

હાફૂસ કેરીના ભાવ હાલ : તો માર્કેટમાં આવેલી કેરી ખરીદી કરવા કેરી રસિયાઓના ખિસ્સા ઉપર વજન પડે એમ છે. કારણ કે 20 કિલો કેરીનો ભાવ 3,500 રૂપિયાની આસપાસ છે. જ્યારે હજુ કેરીના ભાવ અને ઉત્પાદન માર્કેટ સુધી આવતા થોડી રાહ જોવી પડશે. ખેડૂતો કેરીનો પ્રથમ જથ્થો વેચાણ અર્થે માર્કેટમાં લાવતા 20 કિલો કેરીનો રૂ. 3,550 ભાવ બોલાયો હતો.

  1. Valsad Mango: ગ્લોબલ વોર્મિંગના કારણે કેરીના પાકનું ઉત્પાદન અને મીઠાશ ઘટી
  2. Unseasonal Rain: સંઘપ્રદેશમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસ્યો વરસાદ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.