ETV Bharat / state

Rajkot Lok Sabha Seat: સૌરાષ્ટ્રની સૌથી મહત્વની બેઠક એવી રાજકોટ લોકસભા બેઠકની શું છે વિશેષતા

author img

By ETV Bharat Gujarati Team

Published : Mar 5, 2024, 7:00 AM IST

રાજકોટ લોકસભા બેઠક પરથી વર્ષ 1989થી 2004 સુધીની 6 ચૂંટણીઓમાં ભાજપનો વિજય થયો છે. જ્યારે જનસંઘ હતું ત્યારથી રાજકોટમાં આ પક્ષની પકડ રહી છે. રાજકોટ લોકસભાની વાત કરવામાં આવે તો અહીં કડવા પાટીદારો ઉમેદવારોનો દબદબો વધુ જોવા મળે છે.

Rajkot Lok Sabha Seat
Rajkot Lok Sabha Seat

રાજકોટ: દેશમાં હવે લોકસભાની ચૂંટણીના બસ ગણતરીના દિવસો બાકી છે. એવામાં હવે ટૂંક જ સમયમાં અલગ અલગ પક્ષો દ્વારા પોતાના ઉમેદવારોના નામની જાહેરાતો પણ કરવામાં આવશે. સૌરાષ્ટ્રની સૌથી મહત્વની મનાતી એવી રાજકોટ લોકસભા બેઠકની વાત કરવામાં આવે તો રાજકોટ લોકસભા બેઠકની ભાજપનો ગઢ માનવામાં આવે છે. છેલ્લા 30 વર્ષ કરતાં વધુ સમયથી અહીંથી ભાજપના ઉમેદવારો સતત જીતા આવ્યા છે. જ્યારે વર્ષ 2009માં આ બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર અને હાલના ગુજરાતના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાનો વિજય થયો હતો પરંતુ ત્યારબાદ સતત ભાજપના જ ઉમેદવાર જીતી રહ્યા છે.

વર્તમાન સાંસદ મોહન કુંડારીયાને ભાજપ દ્વારા બે વખત રિપીટ કરવામાં આવ્યા હતા. જ્યારે તેઓ બંને વખત રાજકોટ લોકસભા બેઠક ઉપરથી ચૂંટણી જીત્યા છે. એવામાં હવે આ વખતે મોહન કુંડારીયાને ભાજપ રીપીટ કરે કોઈ એવી કોઈ શક્યતાઓ પણ માનવામાં આવી રહી નથી. રાજકોટ લોકસભા બેઠક પર ભાજપ દ્વારા કડવા પાટીદાર ઉમેદવારોને જ ટિકિટ આપવામાં આવે છે. એવામાં આ વખતે કંઈક નવું થાય તેવી પણ શક્યતાઓ માનવામાં આવી રહી છે.

Rajkot Lok Sabha Seat:
Rajkot Lok Sabha Seat:

શું છે રાજકોટ લોકસભા બેઠકની વિશેષતા?

રાજકોટની ઐતિહાસિક ઓળખની વાત કરવામાં આવે તો રાજકોટને સૌરાષ્ટ્રનું આર્થિક પાટનગર માનવામાં આવે છે. જ્યારે જનસંઘ હતું ત્યારથી રાજકોટમાં ભાજપ પક્ષની પકડ રહી છે. જનસંઘ સમયથી અહીંયા આ પક્ષના ઉમેદવારો જીતે છે અને ત્યારબાદ જનસંઘ ભાજપ થયું ત્યારથી ભાજપ પક્ષનો રાજકોટ બેઠક ઉપર દબદબો જોવા મળી રહ્યો છે. રાજકોટ બેઠકના ઉમેદવારોની વાત કરવામાં આવે તો ડો.વલ્લભભાઈ કથેરીયા કેન્દ્ર સરકારમાં મંત્રી રહી ચૂક્યા છે. જેઓ પણ રાજકોટ લોકસભા બેઠક પરથી લગભગ ચાર વખત સાંસદ બન્યા હતા. ત્યારબાદ મોહન કુંડારીયાની વાત કરવામાં આવી તો મોહન કુંડારીયા મોદી સરકારમાં કૃષિ મંત્રી રહી ચૂક્યા છે. જેઓ પણ છેલ્લી બે ટર્મથી રાજકોટ લોકસભા બેઠક ઉપરથી જીતતા આવ્યા છે. સૌરાષ્ટ્રની સૌથી મહત્વની બેઠક રાજકોટને માનવામાં આવે છે કારણ કે અહીંનું રાજકારણ સૌરાષ્ટ્રભરના અલગ અલગ જિલ્લાઓમાં અસર કરતું હોય છે.

Rajkot Lok Sabha Seat:
Rajkot Lok Sabha Seat:

રાજકોટ લોકસભા બેઠકનો ઇતિહાસ:

રાજકોટ લોકસભા બેઠકના ઇતિહાસની વાત કરવામાં આવે તો ગુજરાત રાજ્યની સ્થાપના નહોતી થઈ તે સમયે રાજકોટ લોકસભા બેઠકને મધ્ય સૌરાષ્ટ્ર લોકસભા બેઠક તરીકે ઓડખવામાં આવતી હતી. ત્યારે વર્ષ 1951થયેલી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર જેઠાલાલ જોશી 860003 મતોથી જીત્યા હતા. ગુજરાત રાજ્યની સ્થાપના પછી યોજાયેલી વર્ષ 1962માં થયેલી ચૂંટણીમાં ઉચ્છરંગ રાય ઢેબર કોંગ્રેસ પક્ષમાંથી જીત્યા હતા. ત્યારબાદ વર્ષ 1967માં સ્વતંત્ર પક્ષના એમ આર મસાણી જીત્યા હતા. તે સમયે પ્રથમ વખત કોઈ અન્ય પક્ષના ઉમેદવાર રાજકોટ બેઠક પરથી જીત્યા હતા. જ્યારે શરૂઆતમાં રાજકોટ લોકસભા બેઠક કોંગ્રેસની બેઠક મનાતી હતી પરંતુ વર્ષ 1967ની ચૂંટણીમાં તે સમીકરણો બદલાયા હતા અને વર્ષ 1989થી આ બેઠક હવે ભાજપનો ગઢ માનવામાં આવે છે. આ બેઠકથી જીતેલા ઉમેદવારો કેન્દ્રીય મંત્રી સુધી પણ પહોંચ્યા છે.

Rajkot Lok Sabha Seat:
Rajkot Lok Sabha Seat:

ફૂડ, ફેશન અને રોયલ મિજાજનું રંગીલુ રાજકોટ:

રાજકોટવાસીઓના મિજાજની વાત કરવામાં આવે તો રાજકોટવાસીઓ ખાવા-પીવાના ખૂબ જ શોખીન માનવામાં આવે છે. રાજકોટની ચીકી, પેંડા અને લીલી ચટણી તેમજ વણેલા ગાંઠિયા ખૂબ જ વખણાય છે. રાજકોટ વાસીઓ માટે એક કહેવત પણ ખૂબ જ પ્રચલિત છે કે બપોરે 1 થી 4 રાજકોટવાસીઓ ઊંઘી જાય છે, એટલે કે બપોરના સમયે રાજકોટમાં સંપૂર્ણ કર્ફ્યુ જેવો માહોલ સર્જાય છે. રાજકોટમાં સવારના મુખ્ય ચાર છાપા છે તો સાંજના 20 થી વધુ છાપાઓ હાલ શહેરમાં શરૂ છે. આ સાથે જ રાજકોટની જનતા ખૂબ જ ઉત્સવ પ્રિય અને ધાર્મિક માનવામાં આવે છે. રાજકોટમાં રાજકારણની વાત કરવામાં આવે તો તેની સૌરાષ્ટ્રમાં અસર થતી હોય છે. જ્યારે કોઈ પણ રાજકીય નેતા ચૂંટણી પ્રચાર અથવા કંઈ કામ અર્થે આવે તો તે અચૂકથી રાજકોટમાં આવતા હોય છે.

ઉદ્યોગોની શાનથી રાજકોટ બન્યું સૌરાષ્ટ્રનું મહત્વનું કેન્દ્ર:

રાજકોટની ઉદ્યોગની વાત કરવામાં આવે તો અહીંના ડીઝલ એન્જિન વિશ્વભરમાં પ્રખ્યાત છે. આ સાથે જ બ્રાસપાર્ટ્સનો ઉદ્યોગ પણ ખૂબ જ વિકસિત જોવા મળે છે. જ્યારે રાજકોટનું એન્જિનિયરિંગ ઉદ્યોગે પણ વિશ્વ ફલકની ઓળખ મેળવી છે. કોઈપણ મોટામાં મોટી મશીનના નાના નાના પાર્ટ જો બનાવવાના હોય તો તે રાજકોટમાં ખૂબ જ સહેલાઈથી બની જાય છે અને અહીંના એન્જિનિયરિંગ ઉદ્યોગની આ જ ઓળખ છે. રાજકોટમાં ઉદ્યોગ ધંધા વધારે પડતા હોવાથી સૌરાષ્ટ્ર ભરના આસપાસના જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં લોકો રોજગારી માટે રાજકોટમાં સ્થાયી થયા છે. રાજકોટમાં ઉદ્યોગોની સાથે શિક્ષણ અને આરોગ્યની સુવિધાઓ પણ વિકસી છે. જેના કારણે સૌરાષ્ટ્રમાંથી લોકો અહીંયા સ્થાયી થવાનું વધુ પસંદ કરે છે. જેના કારણે રાજકોટને સૌરાષ્ટ્રનું આર્થિક પાટનગર માનવામાં આવે છે.

Rajkot Lok Sabha Seat:
Rajkot Lok Sabha Seat:

1989 બાદ ભાજપનો કેમ રહ્યો છે દબદબો:

1989 બાદ એક જ વખત કોંગ્રેસ જીતી છે રાજકોટ બેઠક. રાજકોટ લોકસભા બેઠકને ભાજપનોગઢ માનવામાં આવે છે કારણ કે અહીંયા જનસંઘથી વખતથી ભાજપની જબરજસ્ત પકડ રહી છે. વર્ષ 2009માં અહીંયા કોંગ્રેસના ઉમેદવાર કુંવરજી બાવળીયા જીત્યા હતા પરંતુ ત્યારબાદ સતત ભાજપના ઉમેદવારોની જીતે છે. કારણ કે અહીંયા ભાજપ પક્ષ એટલો મજબૂત છે કે અહીંયા ભાજપના કોઈપણ નેતા નેતાને ટિકિટ મળે તો પણ તે ખુબજ સહેલાઈથી જીતી શકે છે. અહીંયા બુથ લેવલથી જ ભાજપ ખૂબ સક્રિય છે. જ્યારે રાજકોટ મહાનગરપાલિકાના કેટલાક વોર્ડ તો ભાજપના જ વોર્ડ માનવામાં આવે છે. જેના કારણે ભાજપને અહીંથી સહેલાઈથી જીત મળી રહે છે. પીએમ મોદી પણ જ્યારે ગુજરાતના તત્કાલ મુખ્યમંત્રી બન્યા હતા અને તેમને છ મહિનાની અંદર વિધાનસભામાં ચૂંટાઈને જવાનું હતું ત્યારે તેઓ રાજકોટ વિધાનસભા બે બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા અને ત્યારબાદ તેઓ રાજ્યના મુખ્યમંત્રી બન્યા હતા. ત્યારથી લઈને મોદી અત્યાર સુધી સતત ચૂંટણીઓ જીતા આવ્યા છે જેના કારણે રાજકોટ વિધાનસભાની બેઠકને ભાજપ માટે ખૂબ જ લકી બેઠક માનવામાં આવે છે.

Rajkot Lok Sabha Seat:
Rajkot Lok Sabha Seat:

પાટીદાર વિરુદ્ધ પાટીદારનો કેમ રહે છે રોમાંચક મુકાબલો:

રાજકોટ લોકસભાની વાત કરવામાં આવે તો અહીંયા કડવા પાટીદારો ઉમેદવારોનો દબદબો વધુ જોવા મળે છે. તેની બે ટર્મથી ભાજપમાંથી ચૂંટાયેલા મોહન કુંડારીયા પણ કડવા પાટીદાર સમાજના નેતા છે. એવામાં ગત લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા કડવા પાટીદાર નેતા લલિત કગતરાને ટિકિટ આપવામાં આવી હતી તે સમયે એવું લાગતું હતું કે પાટીદાર વોટ બેન્કના કારણે કોંગ્રેસના ઉમેદવાર લલિત કગથરા જીતશે પરંતુ એ શક્ય બન્યું નહોતું. મોહન કુંડારીયાની જંગી લીડ થી જીત થઈ હતી. એવામાં આ વખતે રાજકોટ લોકસભા બેઠક ઉપર લેઉવા પાટીદાર સમાજના લોકો પણ ટિકિટની માંગણી કરી રહ્યા છે પરંતુ છેલ્લે ભાજપ દ્વારા કોને ટિકિટ આપવામાં આવશે તે જ મહત્વનું માનવામાં આવી રહ્યું છે.

Rajkot Lok Sabha Seat
Rajkot Lok Sabha Seat

2024નો કેવો છે માહોલ, કોણ રહેશે સંભવિત ઉમેદવારો:

વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીની વાત કરીએ તો રાજકોટ લોકસભા બેઠક પર ઘણા સંભવિત નામો ભાજપમાંથી ચર્ચાઈ રહ્યા છે. જેમાં કેન્દ્રીય મંત્રી પુુરૂષોત્તમ રૂપાલા, ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ડો. ભરત બોઘરા, વર્તમાન સાંસદ મોહન કુંડારિયાને પણ રીપીટ કરાય તેવી પણ શક્યતાઓ છે. જ્યારે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને કડવા પાટીદાર સમાજના મૌલેષ ઉકાણીને પણ ભાજપ ટિકિટ આપી શકે શક્યતાઓ છે. કોંગ્રેસના ઉમેદવારો જોવા જઈએ તો પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ, લલિત કાગથરા (કડવા પાટીદાર), આ સિવાય ગાયત્રી બા વાઘેલા જેઓ પૂર્વ કોર્પોરેટર રહ્યા છે. આ નેતાઓના નામ હાલ ચર્ચામાં છે. જો કે રાજકોટ લોકોસભા બેઠક ભાજપનો ગઢ હોવાથી આ બેઠક ભાજપ જ જીતે તેવી શક્યતાઓ છે.

  1. 10 ઉમેદવારો રિપીટ તો 5 નવા ચહેરાને સ્થાન, મનસુખ વસાવાને સતત 7મી વાર ટિકિટ, મનસુખ માંડવિયા અને રૂપાલાને મેદાનમાં ઉતાર્યા
  2. Bharuch Lok Sabha Seat: ભરૂચ લોકસભા બેઠક પર વસાવા v/s વસાવાની ટક્કર, મનસુખ વસાવા સતત 7મી વાર ભાજપના ઉમેદવાર
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.