ETV Bharat / state

અતિ સર્વત્ર વર્જયેત : કાળઝાળ ગરમીમાં વધુ માત્રામાં છાશ કે પાણી પીવાની શરીર પર અસર શું ? - summer 2024

author img

By ETV Bharat Gujarati Team

Published : May 22, 2024, 3:38 PM IST

ધોમધખતા તાપ અને કાળઝાળ ગરમીથી રાહત મેળવવા લોકો છાશ અને પાણી વધુ માત્રામાં પીવે છે. પરંતુ છાશ અને પાણી શરીર પર કેવી રીતે અને શું અસર કરે છે આપ જાણો છો ? જુઓ ETV Bharat નો આ અહેવાલ...

ધોમધખતા તાપમાં રાહતના નુસખા
ધોમધખતા તાપમાં રાહતના નુસખા (ETV Bharat Desk)

ગરમીમાં વધુ માત્રામાં છાશ કે પાણી પીવાની શરીર પર અસર શું ? (ETV Bharat Desk)

કચ્છ : ઉનાળામાં લોકો કાળઝાળ ગરમીનો અનુભવ કરી રહ્યા છે. આકરા તાપથી બચવા તેમજ પોતાના શરીરનું તાપમાન જાળવી રાખવા માટે ઠંડા પીણા તેમજ જુદા જુદા પ્રયોગો હાથ ધરતા હોય છે. આ દરમિયાન પ્રવાહી તરીકે પાણી અને છાશનો ઉપયોગ વધારે થતો હોય છે. જોકે વધુ માત્રામાં છાસ કે પાણી પીવાની શરીર પર શું અસર થાય છે ?

ધોમધખતા તાપમાં રાહતના નુસખા : સર્વમંગલ આરોગ્યધામના આયુર્વેદિક વૈદ્ય ડો. આલાપ અંતાણીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, માત્રા બદ્ધ દરેક વસ્તુ સારી કહેવાય છે. અતિ સર્વત્ર વર્જયેત, એટલે કે કોઈ પણ બાબતમાં અતિરેક સારો નહીં. ત્યારે હાલમાં ગરમીમાં પણ પીણાંની બાબતમાં પણ એવું જ છે. જેમાં લોકો છાશ, પાણી, લીંબુ પાણી, નાળિયેરનું પાણી, શેરડીનો રસ જેવા પીણાનો ઉપયોગ કરીને શરીરનું તાપમાન જાળવી રાખવા પ્રયત્નો કરતા હોય છે.

છાશ અને પાણી સપ્રમાણ જ પીવું : આયુર્વેદિક પરિભાષામાં છાશને ‘તક્ર’ કહેવામાં આવે છે. ગુણોની દૃષ્ટિએ છાશ એ ખરેખર મનુષ્ય લોકનું ‘અમૃત’ છે. મોટાભાગે છાશનો ઉપયોગ દરેક લોકો કરતાં જ હોય છે. તો હાલ ગરમીમાં તો છાશ અમૃત જેવું કાર્ય કરે છે. છાશ એક એવું પીણું છે જે શરીરને શક્તિ પ્રદાન કરે છે, તો સાથે સાથે રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો કરે છે. પરંતુ દરેક વસ્તુ માટે યોગ્ય સમય અને કેટલીક બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો તે વસ્તુઓ ક્યારેય પણ આડઅસર કરતી નથી.

છાશ પીવાના ફાયદા : છાશમાં રહેલો ખાટો રસ વાયુને દૂર કરે છે. છાશની ખટાશથી ભૂખ લાગે છે અને ખાધેલા ખોરાકનું યોગ્ય રીતે પાચન કરીને બળ આપે છે. છાશમાં રહેલો તૂરો રસ ઉષ્ણ ગુણ ધરાવતો હોવાથી કફ દોષને દૂર કરીને શરીરને સ્ફૂર્તિ આપે છે. છાશના સેવનથી જઠર તથા આંતરડાના રોગ થતા નથી. ઉપરાંત જઠર તેમજ આંતરડાના રોગ ધરાવતા લોકો છાશના સેવનથી દૂર થાય છે. છતાં પણ અમુક લોકોને છાશનું સેવન હિતકારક નથી. જેમાં ક્ષતવાળાને, દુર્બળતા, મૂર્છા, ભ્રમ, દાહ અને રક્તપિત્તમાં છાશનું સેવન ન કરવું જોઈએ.

પૂરતા પ્રમાણમાં પાણી પીવું : આ ઉપરાંત હાલમાં લોકો પણ દિવસભર ગળું સૂકાતા વારંવાર ડીહાઇડ્રેશનને કારણે પાણી પીતા હોય છે. તો ક્યારેક વધુ માત્રામાં પાણી પીવાથી પણ તેની અસર સ્વાસ્થ્ય પર થતી હોય છે. આજે તાપમાન 42 થી 43 ડિગ્રી સુધી પહોંચ્યું છે. ત્યારે પૂરતા પ્રમાણમાં પાણીનું સેવન થાય તો ડિહાઇડ્રેશનથી બચી શકાય છે. સપ્રમાણ પાણી પીવામાં આવે તો શરીરમાં તંદુરસ્તી જળવાઈ રહે છે અને કામ કરવા માટેની શક્તિ મળી રહે છે.

અતિ સર્વત્ર વર્જયેત : જો વધારે માત્રામાં પાણીનું સેવન કરવામાં આવે તો પાચન શક્તિ પર તેની અસર જોવા મળે છે. ઉનાળામાં અનેક લોકોની પાચનશક્તિ નબળી પડે છે અને ભૂખ પણ ઓછી લાગતી હોય છે. તેમજ પેટ પણ ભારે લાગતું હોય છે. સાથે જ કબજિયાત જેવું રહેતું હોય છે. આ બધા કારણો વધારે માત્રામાં પાણી પીવાથી પણ થઈ શકે છે.

પાણી પીવાની માત્રા નક્કી કરો : આ ઉપરાંત પાણી પીવાની માત્રાને પણ નિશ્ચિત કરવું અનિવાર્ય છે. સામાન્ય રીતે વ્યક્તિએ દિવસ દરમિયાન ચારથી પાંચ લીટર પાણીનું સેવન કરવું જોઈએ. પરંતુ જો વ્યક્તિ નિયમિત રીતે કોઈ વ્યાયામ કરતો હોય, કોઈ રમતગમત સાથે સંકળાયેલ હોય, દિવસ દરમિયાન બાહ્ય વાતાવરણમાં વધારે પ્રમાણમાં રહેવાતું હોય કે મજૂરી કામ કરવાનું વધારે રહેતું હોય છે, ત્યારે કાર્ય અનુસાર અને પાચનશક્તિને અનુસાર કેટલા પ્રમાણમાં પાણી પીવું તે પણ નક્કી કરવું જોઈએ.

  1. શું નાળિયેર પાણી તમને નુકસાન પહોંચાડે છે? જાણો કયા લોકોએ પીવું ન જોઈએ
  2. પાછલા 89 વર્ષથી જૂનાગઢનું સાર્વજનિક છાસ કેન્દ્ર 500 પરિવારની ગરમીમાં ઠારે છે આંતરડી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.