ગુજરાત

gujarat

વરાછા પોલીસ મથકમાં વધુ એક કસ્ટડીયલ ડેથ

By

Published : Mar 17, 2020, 7:52 PM IST

સુરતના વરાછા પોલીસ મથકની કસ્ટડીમાં અટકાયતી પગલા માટે લવાયેલા આરોપીનું ખેંચના કારણે મોત થતાં પરિવારજનોએ ભારે હોબાળો મચાવ્યો હતો. કસ્ટડીમાં આરોપીના મોતને લઈને પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ દોડતા થઈ ગયા હતા. જ્યાં મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સુરત સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

વરાછા પોલીસ મથકમાં વધુ એક કસ્ટડીયલ ડેથ
surat

સુરત: વરાછાના ગૌશાળા નજીક રહેતા 49 વર્ષીય દિપક વિનોદભાઈ મોદી નામના યુવકની વરાછા પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. જ્યાં બાદમાં દીપકને પોલીસ મથકના લોકઅપ રૂમમાં મુકવામાં આવ્યો હતો. દરમ્યાન આજરોજ દીપકને લોક-અપ રૂમમાં અચાનક ખેંચ આવતાં તેનું મોત નીપજ્યું હતું.

વરાછા પોલીસ મથકમાં વધુ એક કસ્ટડીયલ ડેથ

આરોપી દીપકના મોતને લઈ પોલીસ મથકમાં હાજર કર્મચારીઓ અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ દોડતા થઇ ગયા હતા. વરાછા પોલીસ દિપકને લઈ તાત્કાલિક સુરત સીમેર હોસ્પિટલ ખાતે સારવાર અર્થે પોહચી હતી. જ્યાં ફરજ પર હાજર તબીબોએ દીપકને મૃત ઘોષિત કર્યો હતો. બાદમાં દિપકના મૃતદેહને પોસ્ટમોર્ટમ રૂમમાં ખસેડી પરિવારજનોને આ અંગેની જાણ કરવામાં આવી હતી.

ઘટનાની જાણ થતાં પરિવાર સ્મીમેર હોસ્પિટલ પહોંચ્યો હતો અને પોસ્ટમોર્ટમ રુમ બહાર ભારે હોબાળો મચાવી પોલીસ સામે ગંભીર આક્ષેપ કર્યા હતા. મૃતકની પત્નીએ જણાવ્યું હતું કે, "તેઓ ખમણની લારી ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. વરાછા પોલીસના ડી-સ્ટાફના માણસો ઘર નજીક આવ્યા હતા અને "તમે રોડ પર લારી ચલાવો છો તેમ કહી પતિ દીપકને ઉઠાવી ખોટી રીતે પોલીસ મથકે લઈ ગયા હતા."

આગળ વાત કરતાં તેમણે કહ્યું હતું કે, "પતિને કોઈ પણ પ્રકારની બીમારી નહોતી કે દવા પણ ચાલુ નહોતી. જેથી પતિનું મોત ક્યા કારણોસર થયું તે પોલીસ જણાવે એવી મારી બે હાથ જોડીને અપીલ છે."


બહુચર્ચિત વરાછા પોલીસ મથકની છેલ્લા ત્રણ મહિનાથી વિવાદમાં રહેલી ઘટનાઓ.....

30મી ડિસેમ્બર 2019ના રોજ વરાછા પોલીસ મથકમાં ચોરીના ગુનાના આરોપીએ લોકઅપના બાથરૂમમાં ગળે ફાસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ ઘટના બાદ ભારે હોબાળો થયો હતો. મૃતક બ્રિજેશ રત્નકલાકાર હતો. પરિવારે આરોપ લગાવ્યો હતો કે પોલીસ કરંટ આપી થર્ડ ડીગ્રી ટોર્ચર કર્યું હતું.


12મી માર્ચના રોજ વરાછા પોલીસ દ્વારા સીઆરપીસીની કલમ 151 હેઠળ ઉમેશ બચ્ચન યાદવ નામના યુવકની અટકાયત કરવામાં આવી હતી.પોલીસ યુવકની પૂછપરછ કરી રહી હતી,જે દરમિયાન તેણે બાથરૂમ જવાનું કહેતા પોલીસ કર્મચારી ત્યાં લઈ ગયો હતો. સમય વીત્યા છતાં તે બહાર આવ્યો નહોતો.જેથી પોલીસ કર્મચારીએ તપાસ કરતા યુવક બાથરૂમમાં લોહીલુહાણ હાલતમાં મળી આવ્યો હતો. હાલ તેની સારવાર ચાલી રહી છે. ત્યારે ફરી એકવાર કસ્ટડીમાં યુવકનું મોત થતાં વરાછા પોલીસની કામગીરી સામે સવાલ ઉભા થયા છે. ત્યારે આ મામલે ન્યાયની માંગ સાથે મૃતકની પત્નીએ સુરત પોલીસ કમિશનરને રજૂઆત કરી છે.

ABOUT THE AUTHOR

...view details