ગુજરાત

gujarat

મર્ડર મિસ્ટ્રી: નવસારી પોલીસે 8 મહિનામાં ઉકેલ્યો યુવાનની સનસનીખેજ હત્યાનો ભેદ, શું હતો સમગ્ર મામલો જાણો...

By ETV Bharat Gujarati Team

Published : Nov 28, 2023, 7:32 AM IST

Updated : Nov 28, 2023, 12:38 PM IST

બે વર્ષ પૂર્વે નવસારી જિલ્લાના ગણદેવી વિસ્તારમાં એક યુવાનની હત્યા થઈ હતી, આ હત્યામાં સંડોવાયેલ મુખ્ય શકંમદ ભૌતિક ઉર્ફે ભાવુ ગણપતભાઈ પટેલની પણ 6 એપ્રિલ 2023માં હત્યા થઈ હતી. જેની હત્યાનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો છે. આ મામલે પોલીસે 6 આરોપીઓને ઝડપી પાડ્યા છે અને 2 આરોપીને વોન્ટેડ જાહેર કર્યા છે. આખરે શું છે આ સમગ્ર મર્ડર મિસ્ટ્રીનો મામલો જાણો આ અહેવાલમાં.

નવસારી પોલીસે 8 મહિનામાં ઉકેલ્યો યુવાનની સનસનીખેજ હત્યાનો ભેદ
નવસારી પોલીસે 8 મહિનામાં ઉકેલ્યો યુવાનની સનસનીખેજ હત્યાનો ભેદ

નવસારી: બે વર્ષ પૂર્વે નવસારી જિલ્લાના ગણદેવી વિસ્તારમાં હત્યામાં સંડોવાયેલા એક યુવાનની પણ હત્યા થતા જિલ્લામાં ચકચાર મચી ગઈ હતી. ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે તેવી રીતે ઘડેલા આ પ્લાનનો પોલીસે માત્ર 8 મહિનામાં ઉકેલ લાવી દીધો છે. જેમાં ભાઈની હત્યાનો બદલો લેવા માટે ઘડેલો માસ્ટર પ્લાન માત્ર એક ભૂલના કારણે છતો થઈ ગયો, આખરે શું છે હત્યાની સમગ્ર હકીકત આવો જોઈએ આ અહેવાલમાં.

શું છે સમગ્ર ઘટના: વાત છે 2021ની કે, જેમાં બીલીમોરા પાસેના આતલીયા ગામના મહિલા સરપંચના પુત્ર નિમેશ પટેલની આંતરિક અદાવતમાં ક્રૂર રીતે હત્યા કરવામાં આવી હતી. હત્યામાં બીલીમોરા પોલીસે કુલ 13 આરોપીઓ સામે ગુનો નોંધ્યો હતો. આ આરોપીઓમાં એક હતો ભૌતિક પટેલ ઉર્ફે ભાવું. ભૌતિકનો આ હત્યામાં મુખ્ય રોલ હોવાનું ચર્ચાઈ રહ્યું હતું, આરોપીઓની કસ્ટડી પૂર્ણ થતા તેમને જેલ મોકલવામાં આવ્યા હતા. થોડા સમય જેલવાસ ભોગવ્યા બાદ આરોપીઓ જામીન પર મુક્ત થયા હતા, જેમાં ભૌતિક પટેલ પણ જામીન પર મુક્ત થયો હતો. પરંતુ મૃતક નિમેષ પટેલના ભાઈ કલ્પેશના મગજમાં બદલાની આગ સળગી રહી હતી પોતાના ભાઈની હત્યાનો બદલો લેવા માટે તેણે ભૌતિકને મોતને ઘાટ ઉતારવાનો પ્લાન ઘડ્યો, અને પાંચ કરોડની સોપારી આપી ભૌતિકને ઠેકાણે પાડવાની તારીખ નક્કી કરી.

ક્યાં અને કેવી રીતે થઈ ભૌતિકની હત્યા: ભૌતિકને સરળતાથી મારી શકાય તે માટે તેના જ મિત્રોનો સહારો લેવામાં આવ્યો અને તેમની મદદ લઈ 6 એપ્રિલ 2023ના રોજ તેને ગણદેવી ચાર રસ્તા પાસે આવેલા દેવકૃપા એપાર્ટમેન્ટમાં પાર્ટી કરવાને બહાને રાતના સાડા દસ વાગ્યે બોલાવવામાં આવ્યો હતો, જેમાં આરોપી હર્ષ ઉર્ફે સિકંદર ટંડેલ દ્વારા ભૌતિક ઉપર ચપ્પુ અને તલવાર વડે હુમલો કરી મોતને ઘાટ ઉતારી દેવાયો,જ્યારે ભૌતિકની લાશનો નિકાલ કરવા માટે 6 શખ્સોએ મળી તેની લાશને અમલસાડ રેલવે પટ્ટી પાસેના નિર્જન વિસ્તારમાં દફનાવી દીધી. ફિલ્મી સીનને પણ ટક્કર આપતી હત્યાની આ સમગ્ર હકીકત નવસારી જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલ એ પત્રકાર પરિષદ બોલાવી જણાવી હતી.

પેટ્રોલ છાટી મૃતદેહના પગ સળગાવ્યા: તમામ આરોપીઓએ લાશને સિફતપૂર્વક પેક કરી રેલવે પાટાની નજીક દફનાવી તો દીધી, પરંતુ પાપ છાપરે પોકારે તેમ ત્રણ દિવસ બાદ લાશના પગ જમીન ઉપર આવી જતા તમામ પકડાઈ જવાના ડરથી ચિંતામાં મુકાયા હતા, તેથી પેટ્રોલ છાંટી પગને સળગાવી દીધા હતા. ત્યારબાદ સૌ કોઈ નિશ્ચિત બની ત્યાંથી રવાના થઈ રાબેતા મુજબનું જીવન જીવવા લાગ્યા હતા.

ભૌતિકની માતાએ પુત્ર ગુમ થયાની લખાવી ફરિયાદ: બીજી તરફ મૃતક ભૌતિકની માતાએ એપ્રિલ 2023 માં પોતાનો પુત્રનું ગુમ થવાને લઈને પોલીસમાં અરજીઓ કરી હતી. જેના આધારે પોલીસે હત્યાના ગુનાનો આરોપી ગુમ થવાની ઘટનાને ગંભીરતાથી લઈ હ્યુમન ઈન્ટેલિજન્સ તેમજ બાતમીદારોનું નેટવર્ક એક્ટિવ કર્યું હતું, જેમાં કલ્પેશ પટેલ સહિત કુલ સાત લોકો રડારમાં આવ્યા હતા. જેમાં પોલીસે હર્ષ ઉર્ફે સિકંદર ટંડેલને ડીટેન કરી આગવી ઢબે પૂછપરછ કરતા ભાંગી પડેલા હર્ષે સમગ્ર હત્યાની કહાની વર્ણવી હતી. જેથી બદલો લેવા માટે હત્યા થઈ હોવાનું સ્પષ્ટ થતા પોલીસે કુલ છ આરોપીની હાલ ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથધરી છે.

6 આરોપીની ધરપકડ, 2 ફરાર: જિલ્લા પોલીસ વડા એ જણાવ્યું હતું કે 18 એપ્રિલ 2023 ના રોજ બીલીમોરા પોલીસ સ્ટેશનની અંદર મિસિંગ કમ્પ્લેન દાખલ કરવામાં આવી હતી, જેમાં ભૌતિક ઉર્ફે ભાવુ ગણપતભાઈ પટેલની જાણવાજોગ દાખલ કરવામાં આવી હતી. જેમાં પોલીસને બાદમીદારો મારફત હત્યા થઈ હોવાની જાણકારી મળી હતી. આ અંગેની તપાસ નવસારી એલસીબી પોલીસને સોંપવામાં આવી હતી, જેમાં પોલીસે હ્યુમન સોર્સિસ અને ટેકનિકલ પુરાવાને આધારે આરોપી હર્ષ ઉર્ફે સિકંદરને પોલીસ દ્વારા ડીટેઇન કરી પૂછપરછ કરવામાં આવતા તેણે સમગ્ર ઘટનાની હકીકત વર્ણવી હતી, જેના આધારે પોલીસે છ આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ધરપકડ કરાયેલા તમામ આરોપી અમલસાડના

  1. હર્ષ ઉર્ફે સિકંદર લક્ષ્મણભાઇ ટંડેલ
  2. મનિષ ઉર્ફે ગુડ્ડ રંગનાથ પાઠક
  3. સતિષ વિનોદભાઇ પટેલ
  4. ગીરીશ રંગનાથ પાઠક
  5. મીગ્નેશ કિશોરભાઇ પટેલ
  6. વિશાલ અશોકભાઇ હળપતી

વોન્ટેડ આરોપીઓ

કલ્પેશભાઇ છગનભાઇ પટેલ, રહે.આંતલીયા તા.ગણદેવી જી.નવસારી (મુખ્ય આરોપી)

આદર્શ ચંદ્રકાંત પટેલ રહે.માછીયાવાસણ તા.ગણદેવી જી.નવસારી

  1. નવસારીમાં છરો બતાવી લૂંટ કરતી ગેંગને LCB પોલીસે ઝડપી પાડી
  2. Navsari Crime : અપહૃત સગીરાને 48 કલાકમાં નવસારી પોલીસે હેમખેમ છોડાવી, દિલ્હી લખનઉ રોડ પરથી ગેંગને દબોચી
Last Updated :Nov 28, 2023, 12:38 PM IST

ABOUT THE AUTHOR

...view details