Navsari Crime : અપહૃત સગીરાને 48 કલાકમાં નવસારી પોલીસે હેમખેમ છોડાવી, દિલ્હી લખનઉ રોડ પરથી ગેંગને દબોચી

Navsari Crime : અપહૃત સગીરાને 48 કલાકમાં નવસારી પોલીસે હેમખેમ છોડાવી, દિલ્હી લખનઉ રોડ પરથી ગેંગને દબોચી
યુપીના અપહરણકારોની ચૂંગાલમાંથી અપહૃત દીકરીને નવસારી પોલીસ 48 કલાકમાં હેમખેમ ઉગારી લાવી છે. પોલીસની નજરથી બચવા આરોપીઓએ લોકેશન ટ્રેસ ન થાય તે માટે પ્રયાસ કર્યો પરંતુ નવસારી પોલીસે દિલ્હી લખનઉ રોડ પરથી આ ગેંગને દબોચી સગીરાને પરત લઈ આવી છે.
નવસારી : સોશિયલ મીડિયાના રવાડે ચડેલા યુવાનો અને યુવતીઓ ઘણીવાર સોશિયલ મીડિયામાં ઓતપ્રોત થઇ મોટી ભૂલ કરી બેસતા હોય છે અને તે ભૂલની ઘણી મોટી કિંમત પરિવારે ચૂકવવાનો વારો આવતો હોય છે. આવી જ એક ઘટના નવસારીથી પ્રકાશમાં આવી છે. જેમાં ગણદેવીમાં 14 વર્ષીય સગીરાને પણ યુપીના 19 વર્ષીય યુવાન સાથે સોશિયલ મીડિયા ઉપર ચેટિંગ કરવાનું ભારે પડ્યું. જેમાં સગીરા સાથે મિત્રતા કેળવનાર યુવાને પોતાના મિત્રોની મદદથી સગીરાનું અપહરણ કરી, તેના પિતા પાસેથી 1 કરોડની ખંડણી માંગી હતી. સગીરા ગુમ થયાના થોડા જ કલાકોમાં હરકતમાં આવેલી નવસારી પોલીસે ટેકનિકલ સર્વેલન્સની મદદથી આરોપીઓનો સતત પીછો કરી 48 કલાકમાં જ દિલ્હી લખનૌ હાઇવે પર ચાલતી બસને રોકી સગીરાને બચાવી, આરોપીઓની ધરપકડ કરી હતી.
શું હતો મામલો : નવસારીના ગણદેવી તાલુકામાં રહેતા એક સામાન્ય વર્ગીય પરિવારની ત્રણ દીકરીઓમાંની સૌથી નાની 14 વર્ષીય દીકરીને કોરોનાકાળમાં અભ્યાસ માટે સ્માર્ટ ફોન મળ્યો હતો. જેના ઉપયોગ થકી સગીરા સોશ્યલ નેટવર્કિંગ સાઈટ્સ પણ જોતી થઈ હતી અને એમાં નવા નવા મિત્રો બનાવવા સાથે તેમની સાથે ચેટીંગ પણ કરતી હતી. જેમાં ત્રણ મહિના પૂર્વે સગીરાને યુપીના બલરામપુરના 19 વર્ષીય સમીરખાન પઠાણ સાથે મિત્રતા થઈ અને બંને એકબીજા સાથે ચેટ કરવા લાગ્યા હતા.
મળવા આવી અપહરણ કરી લીધું : દરમિયાન સમીરે સગીરાને પોતાની મિત્રતાની જાળમાં ફસાવી અને વિશ્વાસમાં લીધા બાદ તેને મળવાની ઈચ્છા દર્શાવી હતી. જેથી ગત 10 નવેમ્બરના રોજ સમીર સગીરાને મળવા ગણદેવી આવ્યો હતો. ક્યારેય ગુજરાત ન આવેલો સમીર 9 નવેમ્બરે સુરત ઉતર્યો હતો અને ત્યાંથી મિત્રની મદદથી નવસારીના ગણદેવી ચાર રસ્તા પાસે પહોંચ્યો હતો. સગીરા પણ પોતાના યુવાન મિત્રને મળવાની ઉત્કંઠા સાથે ઘરેથી નીકળી હતી અને ગણદેવી પહોંચી હતી. પરંતુ ફક્ત મળવા આવેલા સમીરે પોતાની મીઠી વાતોમાં ભોળવી, પોતાના મિત્રો સાથે મળી સગીરાનું અપહરણ કરી લીધું હતું.
ખંડણી માગતાં પોલીસ પાસે પહોંચ્યો કેસ : બીજી તરફ સગીરા મોડે સુધી ઘરે ન આવતા પરિવારજનો ચિંતામાં મુકાયા હતા અને તેની શોધખોળ આરંભી હતી. પરંતુ તેનો ક્યાંય પત્તો ન લાગતા અંતે પોલીસનું શરણું લીધું હતું. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ સાથે નવસારી જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સહિત LCB અને SOG ની ટીમ ગણદેવી પહોંચી હતી અને આરોપીઓનું પગેરું શોધવાના ચક્રો ગતિમાન કર્યા હતા. જેમાં આરોપી સમીર પઠાણે સગીરાના પિતાને પ્રોફેશનલ આરોપીઓની જેમ VPN નંબરથી ફોન કરી, સગીરા જીવતી જોઈએ તો 1 કરોડ રૂપિયા તેમના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવાની ધમકી સાથે ખંડણી માંગી હતી. જેથી સમગ્ર મામલે નવસારી LCB પોલીસને તપાસ સોંપવામાં આવી હતી.
પરિવારે આભાર માન્યો : પોલીસે સગીરાને અપહરણકર્તાઓની ચુંગાલમાંથી છોડાવી લવાયાના સમગ્ર મામલે અપહત દીકરીના પિતા જોડે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે મારી દીકરીને પરત લાવનારા તમામ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ મારા માટે ખૂબ ખાસ છે જેનો હું અને મારો પરિવાર આભાર માનીએ છે. પોલીસે દીવાળીમાં પણ રાત દિવસ એક કરી સતત આરોપીઓનો પીછો કરી, અપહરણકારોના ચૂંગાલમાંથી મારી દીકરીને પરત લાવી એક બાપની આબરૂ બચાવી છે.
