ગુજરાત

gujarat

ભૂકંપ સમયે જેલ તુટી જતાં નાસી છૂટેલો અમદાવાદનો આરોપી 19 વર્ષે મુંબઈથી ઝડપાયો

By

Published : Jul 23, 2019, 10:15 AM IST

Updated : Jul 23, 2019, 2:15 PM IST

ભૂજઃ ભૂજ પોલીસે અમદાવાદના ઘરફોડ ચોરીના આરોપીને 19 વર્ષે પકડી પાડયો હતો. કચ્છમાં 26-01-2001ના રોજ આવેલા ગોઝારા ભૂકંપ સમયે ભૂજની જેલમાંથી નાસી છૂટેલા 36 કેદીઓ પૈકી એક કેદીની પશ્ચિમ કચ્છ પેરોલ ફર્લો સ્ક્વૉડે 19 વર્ષે મુંબઈમાંથી ધરપકડ કરી હતી.

ભુકંપ સમયે જેલ તુટી પડતા નાસી છુટેલો અમદાવાદનો આરોપી 19 વર્ષે મુંબઈથી ઝડપાયો

મળતી વિગતો મુજબ 2001ના વિનાશક ભૂકંપ વખતે ભૂજના સરપટ નાકે અને હાલના B ડિવિઝન પોલીસ સ્ટેશન સામે આવેલી જૂની જેલના બાંધકામને પણ મોટુ નુકસાન થયુ હતુ. આ કુદરતી હોનારતનો લાભ લઈ તે સમયે જેલમાંથી સંખ્યાબંધ કેદીઓ નાસી છૂટ્યા હતા.ફરાર કેદીઓમાંનો એક 38 વર્ષનો પીલાસિંગ ઘુઘરૂસિંગ ટાક (સરદાર) આરોપી મુંબઈના વિરારની ઝુંપડપટ્ટીનો રહેવાસી અને રીઢો ઘરફોડ ચોર હતો.

પીલાસિંગ અમદાવાદમાં નારણપુરા અને ઘાટલોડીયા વિસ્તારમાં 9 ઘરફોડ ચોરી કરી ચૂક્યો હતો. જેથી તત્કાલિન અમદાવાદ પોલીસ કમિશ્નરે પાસા હેઠળ તેની ધરપકડ કરી ભૂજ જેલમાં ધકેલી દીધો હતો. દરમિયાન, વિનાશક ભૂકંપ વખતે સમય-સંજોગનો ગેરલાભ લઈ તે જેલમાંથી નાસી છૂટ્યો હતો.

આ દરમિયાન, પેરોલ ફર્લો સ્ક્વોડને બાતમી મળી હતી કે પીલાસિંગ હાલ વિરારની ઝુંપડપટ્ટીમાં જ પાછો રહેવા આવી ગયો હતો. જેથી સ્ક્વૉડની ટીમે ત્યાં ધસી જઈ તેને પકડી લઈ ભૂજ A ડિવિઝન પોલીસ મથકના હવાલે કર્યો છે. જે-તે સમયે જેલમાંથી નાસી છૂટવા બદલ તેની વિરુધ્ધ ભૂજ શહેર પોલીસ મથકે પણ ગુનો નોંધવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ભૂકંપ સમયે ભૂજ જેલમાંથી RDX સાથે રણ સરહદેથી ઝડપાયેલા 2 પાકિસ્તાનીઓ સહિત 181 કેદી ફરાર થઈ ગયા હતા જેમાંથી 145 પુનઃ પકડાઈ ગયા હતા, પરંતુ હજી 36 કેદીઓ પોલીસ પકડથી બહાર છે.

Last Updated : Jul 23, 2019, 2:15 PM IST

ABOUT THE AUTHOR

...view details