ગુજરાત

gujarat

Gir Somnath Agriculture News : શિંગોડા ડેમનું પાણી ચોમાસુ પાક માટે બન્યું તારણહાર, ખેડૂતોમાં હર્ષની લાગણી

By ETV Bharat Gujarati Team

Published : Sep 11, 2023, 3:06 PM IST

પાછલા દોઢ મહિનાથી વરસાદની સતત ખેંચ વર્તાઈ રહી છે. આવી પરિસ્થિતિમાં ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર, ગીર ગઢડા અને ઉના તાલુકાના 19 જેટલા ગામોને સિંચાઈ માટેનું પાણી કોડીનાર નજીક આવેલા શિંગોડા ડેમમાંથી છોડવામાં આવ્યું છે. કુદરતે રિસામણા લીધા છે, પરંતુ કુદરતના હેતે ડેમને છલોછલ ભરી આપ્યો છે. તેનો ઉપયોગ હવે ખેડૂતોના ચોમાસુ પાકોને બચાવવા માટે કરવામાં આવી રહ્યો છે.

Gir Somnath Agriculture News
Gir Somnath Agriculture News

શિંગોડા ડેમનું પાણી ચોમાસુ પાક માટે બન્યું તારણહાર

ગીર સોમનાથ : છેલ્લા 45 દિવસથી સમગ્ર સોરઠ પંથકમાં વરસાદે વિરામ લીધો છે. જેને કારણે અવકાશી ખેતી પર આધારિત ખેડૂતોના ચોમાસુ પાકો ખૂબ જ કપરા સમયમાંથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે વરસાદની કોઈ શક્યતા નહીં જણાતા કોડીનાર નજીક આવેલા શિંગોડા ડેમમાંથી કોડીનાર, ગઢડા અને ઉના તાલુકાના મળીને કુલ 19 જેટલા ગામોને પાણી આપવામાં આવ્યું છે. ચોમાસુ ખેતી બચી શકે તે માટે કેનાલ મારફતે સિંચાઈનું પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, લીલી નાઘેર તરીકે ઓળખાતો આ વિસ્તાર ચોમાસા દરમિયાન મગફળી, સોયાબીન અને શેરડી જેવા મહત્વના પાકો માટે પણ ખૂબ જ પ્રખ્યાત છે. ત્યારે વરસાદ ખેંચાતા આવા ચોમાસુ પાકો પર ખતરો ઉભો થયો હતો. હવે તેને કેનાલ મારફતે પાણી પૂરું પાડીને બચાવવામાં આવી રહ્યા છે.

શિંગોડા ડેમ : શિંગોડા ડેમનો સંગ્રહિત પાણીનો જથ્થો સિંચાઈની સાથે પીવાના પાણી માટે અનામત રાખવામાં આવે છે. 1200 હેક્ટર ખેતીલાયક જમીનને વર્તમાન સમયમાં પિયત માટે પાણી આપવામાં આવી રહ્યું છે. 18.80 મીટર જેટલી ઉંચાઈ ધરાવતા ડેમમાં હાલ 95 ટકા જેટલો પાણીનો જથ્થો હયાત અવસ્થામાં જોવા મળે છે. જેને કારણે વરસાદની ઘટ વચ્ચે ખેડૂતોને સિંચાઈ માટેનું પિયત પાણી મળી રહે તે માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે. 100 એમ.સી.એફ.ટી પાણીનો જથ્થો સિંહ, દીપડા, હરણ સહિત નાના-મોટા વન્ય પ્રાણીઓને પીવા માટે પણ અનામત રાખવામાં આવે છે. ત્યારબાદનું વધતું પાણી સિંચાઈ અને અન્ય વિસ્તારમાં પીવાના પાણી તરીકે ઉપયોગમાં લેવાય છે.

સિંચાઈ માટે 19 જેટલા ગામોને ડેમની કેનાલ મારફતે સિંચાઈનું પાણી આપવામાં આવી રહ્યું છે. વધુમાં સ્થાનિક નદીઓના જે પાણીના પ્રવાહ હશે તેને પણ કેનાલ તરફ વાળીને ખેડૂતો તેનો ઉપયોગ સિંચાઈ માટે કરી શકે તેવી વ્યવસ્થા પણ કરી છે. વધુમાં આગામી રવિ સિઝન દરમિયાન પણ જો પાણીની ખેંચ વર્તાશે તો શિંગોડા ડેમમાંથી પાંચ વખત પિયત આપી શકાય તે પ્રકારની વ્યવસ્થા પણ અત્યારે કરી લેવામાં આવી છે. --શામજીભાઈ પરમાર (ઇન્ચાર્જ, શિંગોડા ડેમ સિંચાઈ યોજના)

ખેડૂતે શું કહ્યું ? શિંગોડા ડેમની સિંચાઈ યોજના નીચે આવતા આદપોકાર ગામના ખેડૂત માનસિંગભાઈ મોરીએ પ્રતિભાવ આપ્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં અતિભારે વરસાદને કારણે પાણી ભરાવાથી કૃષિ પાક નષ્ટ થાય છે. તો વરસાદની ખેંચને કારણે અને જમીનના તળ ખૂબ ઊંડા હોવાને કારણે પણ કૃષિ પાકોને ખાસ કરીને ચોમાસા દરમિયાન નુકસાન થાય છે. આવી પરિસ્થિતિમાં નષ્ટ થવાને આરે પહોંચેલો ચોમાસુ પાકને ડેમની કેનાલ મારફતે સિંચાઈ માટેનું પાણી પૂરું પાડવામાં આવતા હવે તેને નવજીવન આપી શકાશે. તેવા ઉજળા સંજોગો વર્તમાન સમયમાં જોવા મળે છે.

  1. Gir Somnath Farmer Issue : કિસાન સૂર્યોદય યોજનાનો મધ્યાને સૂર્યાસ્ત, અપૂરતા વીજ પૂરવઠાથી ખેડૂતો પરેશાન
  2. Surat Farmer Issue : દક્ષિણ ગુજરાતમાં વરસાદ ખેંચાતા ડાંગર અને શેરડી સહિતના પાકને નુકસાનની ભીતિ

ABOUT THE AUTHOR

...view details