ગુજરાત

gujarat

Cyber Fraud: મુંબઈના ભેજાબાજે સાયબર ફ્રોડ કરીને ગરીબોના એકાઉન્ટમાં નાણા ટ્રાન્સફર કર્યા, સાગરીતોએ નાણાં ઉપાડી ક્રિપ્ટોની ખરીદી કરી, જાણો આખો ખેલ

By ETV Bharat Gujarati Team

Published : Nov 3, 2023, 5:15 PM IST

ગાંધીનગરથી સામે આવેલા સાયબર કિસ્સાની મોડસ ઓપરેન્ડી જાણીને તમારું માથું પણ ચકરાઈ જશે. મુંબઈના ભેજાબાજ સાયબર ગઠિયા દ્વારા કલોલના પોતાના સાગરિતોને કમિશન આપીને ગરીબોના એકાઉન્ટ દ્વારા ટેલિગ્રામ ચેનલ મારફતે સાયબર ફ્રોડને અંજામ આપતાં ખેલનો પર્દાફાસ થયો છે. જાણો વિગતો...

સાયબર કિસ્સાની મોડસ ઓપરેન્ડી
સાયબર કિસ્સાની મોડસ ઓપરેન્ડી

સાયબર કિસ્સાની મોડસ ઓપરેન્ડી

ગાંધીનગર: ટેકનોલોજીના સમયમાં સાયબર કિસ્સાઓમાં પણ સતત વધારો નોંધાયો છે. ત્યારે ગાંધીનગરમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે કે જેમાં ગાંધીનગરના કલોલ ખાતે બે આરોપીઓ ગરીબોના નામે બેંકમાં એકાઉન્ટ ખોલાવતા હતા અને અલી નામનો આરોપી આ બેંક એકાઉન્ટમાં ફ્રોડ કરેલા નાણા નાખતા હતા. ત્યારબાદ બે સાગરીતો આ નાણા ઉપાડીને ક્રિપ્ટો કરન્સીમાં ટ્રાન્સફર કરીને અલીને પહોંચાડતા હતા.

આરોપીઓની મોડસ ઓપરેન્ડી: આરોપી મહમ્મદ ઇસ્માઇલ સૈયદ છેલ્લા દોઢેક વર્ષથી ટેલીગ્રામ મોબાઇલ એપના માધ્યમથી લાલચ આપીને છેતરપિંડી આચરતા હતા. આરોપીઓ દ્વારા ગરીબોના નામે એકાઉન્ટ ખોલાવી આ એકાઉન્ટની વિગતો મુંબઈ ખાતે અલીને આપવામાં આપતો હતો. અલી ઓનલાઈન ફ્રોડ કરીને તે પૈસા આરોપી દ્વારા આપવામાં આવેલ એકાઉન્ટમાં નાખતા હતા. બંને આરોપી એકાઉન્ટમાંથી પૈસા ઉપાડી આંગણિયા પેઢી મારફતે અથવા તો ક્રિપ્ટોની ખરીદી કરીને તે અલીને પહોંચાડતા હતા.

આરોપી બે પ્રકારના મેળવતા હતા કમિશન:અલી જરૂરિયાતમંદોના નામે બેન્ક એકાઉન્ટ ખોલાવી આપવા 2 ટકાના કમિશન, જ્યારે પોતાને મળતા કમિશનમાં 50 ટકા કમિશન આપવાનું કહેતો હતો. જે એકાઉન્ટમાં અલી આમ જનતાને નાણાંકીય પ્રલોભન આપી તેઓ સાથે ઓનલાઇન ઠગાઇથી મેળવેલ નાણા આરોપી મહમ્મદઇસ્માઇલ સૈયદે મોકલેલ એકાઉન્ટોમાં લઇ તે નાણાનું એકાઉન્ટથી એકાઉન્ટ તથા કેટલાક એકાઉન્ટમાંથી રોકડમાં નાણાં ઉપાડી USDT ક્રીપ્ટો કરન્સીમાં કન્વર્ટ કરી ઑનલાઇન ટ્રાન્સફર કરતો હતો.

'છત્રાલ ખાતે રહેતા આરોપીઓ મહંમદઇસ્માઇલ નીયામતઅલી સૈયદ તથા તેનો સાગરીત સરફરાજ અલગ અલગ રીતે પ્રલોભન આપી સ્થાનિક વ્યક્તિઓને કમિશનની લાલચ આપી તેઓના નામે અલગ અલગ બેંકમાં એકાઉન્ટ ખોલાવતા હતા. બેંક એકાઉન્ટમાં જમા નાણા લઇ તે નાણાં રોકડમાં કે ઑનલાઇન ઉપાડી તે નાણાં યુ.એસ.ડી.ટી. ક્રિપ્ટો કરન્સીમાં કન્વર્ટ કરી મુંબઇ ખાતે રહેતા તેના સાગરીતને ઓનલાઇન ટ્રાન્સફર કરતાં હતા. મુખ્ય આરોપી મહમ્મદઇસ્માઇલ સૈયદ સાથે પકડાયેલ સહ આરોપી સરફરાઝ રફીકભાઇ મલેક સામે ગાઝીયાબાદ પોલીસ સ્ટેશન ખાતે નોકરીના લાલચ આપી આશરે 28 લાખની છેતરપિંડીનો ગુનો પણ દાખલ છે.' - વિરેન્દ્રસિંહ યાદવ, ગાંધીનગર રેન્જ આઇ.જી.

કેવી રીતે થઈ જાણ: કલોલ વિસ્તારમાં જે લોકો ગરીબ છે તેવા લોકોના નામે ડોક્યુમેન્ટનો ઉપયોગ કરીને એકાઉન્ટ શરૂ કરાવવામાં આવ્યા હતા. ત્યારબાદ આ જ એકાઉન્ટો ફ્રીઝ થયા હોવાની નોટિસ એકાઉન્ટ હોલ્ડરને પ્રાપ્ત થઈ હતી અને તેઓએ પોલીસનો સંપર્ક કરતા આખી ઘટના સામે આવી હતી. જેમાં બેથી ત્રણ દિવસમાં કરોડોના ટ્રાન્ઝેક્શન અંગે ફરિયાદ થતાં તે એકાઉન્ટ પણ ફ્રીઝ કરાયા હતા. આવા 114 ફ્રીઝ એકાઉન્ટની વિગતો મોબાઇલમાંથી મળી આવી હતી. આ એકાઉન્ટ થકી આરોપીઓએ અત્યાર સુધીમાં 1 કરોડથી પણ વધારેનું કમિશન મેળવ્યુ હોવાની આશંકા પોલીસને પ્રાથમિક માહિતી મુજબ પ્રાપ્ત થઈ રહી છે.

ટેલિગ્રામ ચેનલ મારફતે ચાલતી હતી ચેનલ: સાયબર ફ્રોડ કરવાના હેતુથી ટેલીગ્રામ એપમાં કુલ 25 ગ્રુપ તૈયાર કરવામાં આવ્યા હતા. જ્યારે સાયબર ક્રાઇમથી મેળવેલ નાણાના ક્રિપ્ટો કરન્સી કુલ 43,788 રૂપિયા જે ભારતીય ચલણમાં રૂપિયા 40 લાખની છેતરપીંડી આચરેલ છે. મુખ્ય આરોપી દ્વારા ટેલીગ્રામમાં એપ મારફ્તે દેશભરના 1200 જેટલા શખ્સોના એકાઉન્ટનો ઉપયોગ કરી સાયબર ફ્રોડના કરોડો રૂપિયાનું પ્રાથમિક તપાસમાં જણાયેલ છે. જેમાં હાલ સુધી મુખ્ય આરોપી દ્વારા 200થી વધારે એકાઉન્ટ વપરાયા હોવાની માહિતી સામે આવી છે. આરોપીએ સાયબર ફ્રોડ કરવા પોતાના નામના 52 જેટલા Gmail એકાઉન્ટ બનાવ્યા છે. આરોપી તેના સાગરિતો મારફતે એકાઉન્ટ મેળવતો અને તેનો લોગઇન આઇડી તથા પાસવર્ડ આરોપી અલીને મોકલી આપતો હતો. જેથી પૈસાની હેરાફેરી અલી સરળતાથી કરી શકતો હતો.

મુખ્ય આરોપીની તપાસ:આરોપીઓએ અત્યાર સુધીમાં કેટલા કરોડ રૂપિયાનું સાયબર ફ્રોડને અંજામ આપ્યો છે તે બાબતે હાલ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. જ્યારે મુખ્ય આરોપી કે જે અલી છે અને આખી ચેન ચલાવી રહ્યા છે તે બાબતે પણ પોલીસે તપાસ હાથ ધરી છે. જ્યારે પ્રાથમિક માહિતી મુજબ અલી હાલમાં મુંબઈ ખાતે રહે છે અને આ પૈસાનો ઉપયોગ દુબઈ પણ ટ્રાન્સફર થાય છે કે નહીં અથવા તો ક્રિપ્ટો કરન્સીમાં જે નાણા રોકવામાં આવ્યા છે તેનો ઉપયોગ ટેરેરિઝમ ફંડમાં થાય છે કે નહીં તે બાબતે પણ હવે ગાંધીનગર પોલીસ આગળની તપાસ કરશે.

  1. Surat Crime : ગુજરાતના સૌથી મોટા ચોરીના નેટવર્કનો પર્દાફાશ, સુરત LCB પોલીસે 79 કરોડનો મુદ્દામાલ રીકવર કર્યો
  2. Ahmedabad Police : પોલીસ કમિશનર જી એસ મલિકે રિવરફ્રન્ટ પર ક્રાઇમ ડિટેક્શન અંગે આપ્યું મોટું નિવેદન

ABOUT THE AUTHOR

...view details