ગુજરાત

gujarat

Business and Trade Assistance : પૂરથી અસરગ્રસ્ત વાણિજ્ય એકમો માટે પુન:વસન સહાય યોજના, જાણો કોને મળશે સહાય

By ETV Bharat Gujarati Team

Published : Sep 29, 2023, 9:57 PM IST

રાજ્ય સરકાર દ્વારા ભરૂચ, વડોદરા અને નર્મદા જિલ્લામાં ચાલુ વર્ષે પૂરથી અસરગ્રસ્ત વાણિજ્ય અને વેપારી એકમો જોગ સહાયની જાહેરાત કરવામાં આવી હતી. જે અંતર્ગત રાજ્ય સરકારે પુન:વસન સહાય યોજનાની વિગત જાહેર કરી છે. જાણો કોને અને કેવી રીતે આ સહાય મળશે, ઉપરાંત કેટલી સહાય નક્કી કરવામાં આવી છે.

Business and Trade Assistance
Business and Trade Assistance

ગાંધીનગર : ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદી પર બાંધવામાં આવેલ સરદાર સરોવર ડેમમાં વધુ પાણીની આવકને કારણે વડોદરા, ભરૂચ અને નર્મદા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં નદીના પાણી ફરી વળ્યા હતા. ત્યારે નુકસાની બાબતે રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક અહેવાલને ધ્યાનમાં લઈને ખેડૂતો માટે સહાય જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે હવે નર્મદા અને ઓરસંગ નદીમાં આવેલા પૂરના કારણે અસરગ્રસ્ત ભરૂચ, વડોદરા અને નર્મદા જિલ્લાના વાણિજ્ય, વેપારી અને સેવાકીય અસરગ્રસ્તોને નુકસાનમાંથી પૂર્વવત કરવા પુન:વસન સહાય યોજના જાહેરાત કરવામાં આવી હતી.

પુન:વસન સહાય યોજના આ સહાય યોજના અંતર્ગત અસરગ્રસ્ત ગામના વેપાર-ધંધાને ફરી જીવંત કરવા માટે લારી-રેકડી, નાની કેબીન અને દુકાનધારકોને ઉચ્ચક રોકડ સહાય આપવામાં આવશે. આ ઉપરાંત માસિક રૂ. 5 લાખથી વધુનું ટર્નઓવર ધરાવતા વેપારી, મોટી દુકાન અને પાકા બાંધકામવાળી દુકાન માટે બેંક અને નાણાકીય સંસ્થાઓ દ્વારા લોન આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા પુન:વસન સહાય માટે સર્વે કરી ફોટોગ્રાફ અને વીડિયોના આધારને ધ્યાનમાં રાખી સહાય ચુકવવામાં આવશે.

કોને, કેટલી સહાય મળશે ?આ સહાયમાં વિવિધ ધંધા-વ્યાપાર મુજબ નાણાકીય અને લોનની સહાય આપવામાં આવશે. જેમાં લારી અને રેકડીધારકોને રુ. 5000 ઉચ્ચક રોકડ સહાય, 40 ચોરસ ફૂટ સુધીના વિસ્તારની નાની સ્થાયી કેબીનધારકોને રુ. 20, 000 ઉચ્ચક રોકડ સહાય, 40 ચોરસ ફુટથી વધારે વિસ્તારની મોટી કેબીનધારકોને રુ. 40,000 ઉચ્ચક રોકડ સહાય આપવામાં આવશે. આ ઉપરાંત નાની અને મધ્યમ કક્ષાની પાકી દુકાન એટલે પાકા બાંધકામવાળી દુકાન જેનું GST રીટર્ન મુજબ માસિક ટર્નઓવર રૂ. 5 લાખ સુધી હોય તેમને રુ. 85,000 ઉચ્ચક રોકડ સહાય અને મોટી દુકાન એટલે કે પાકા બાંધકામવાળી દુકાન જેનું GST રીટર્ન મુજબ માસિક ટર્નઓવર રૂ. 5 લાખથી વધુ હોય તેને રૂ. 20 લાખ સુધીની લોન લેનારને 3 વર્ષ સુધી વ્યાજ સહાય 7% ના દરે વધુમાં વધુ કુલ રૂ. 5 લાખ સુધીની સહાય આપવામાં આવશે.

કેવી રીતે મળશે સહાય ? રાજ્ય સરકાર દ્વારા પુન:વસન સહાય માટે સર્વે કરી ફોટોગ્રાફી, વીડિયોગ્રાફીના આધારને ધ્યાનમાં લઈ સહાય ચુકવવામાં આવશે. જ્યારે ઉચ્ચક રોકડ સહાય મેળવવાપાત્ર અસરગ્રસ્તોએ 31 ઓક્ટોબર 2023 સુધીમાં સંબંધિત મામલતદાર અથવા નગરપાલિકાના ચીફ ઓફીસરને અરજી કરવાની રહેશે. આ સહાય મંજુર કરવા સંબંધિત પ્રાંત અધિકારીના અધ્યક્ષપણા નીચે સમિતિની રચના કરવામાં આવશે. જ્યારે વ્યાજ સહાય મેળવવાપાત્ર અસરગ્રસ્તોએ સંબંધિત જિલ્લા ઉદ્યોગ કેન્દ્રને લોનના મેળવ્યાના જરૂરી પુરાવા સાથે અરજી કરવાની રહેશે. ઉપરાંત અસરગ્રસ્ત એકમને સહાય મંજુર થવા સંબંધી વિવાદના કિસ્સામાં કલેક્ટરના અધ્યક્ષતામાં અપીલ સમિતિને રજૂઆત કરી શકાશે.

  1. Business and Trade Assistance : વરસાદના કારણે નુકસાન થયું હોય તેવા વ્યાપારી અને ધંધાર્થીઓ જોગ રાજ્ય સરકારની મોટી જાહેરાત
  2. Financial Assistance for Farmer : જામનગરમાં કૃષિપ્રધાનની જાહેરાત, પૂરગ્રસ્ત વિસ્તારમાં ખેડૂતો માટે આર્થિક સહાય

ABOUT THE AUTHOR

...view details