ગુજરાત

gujarat

Daman Monsoon Accident : ડોકમરડી ખાડીમાં કાર સાથે તણાયેલ પિતા-પુત્રનો મૃતદેહ મળ્યો

By

Published : Jul 22, 2023, 6:46 PM IST

સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં ડોકમરડી વિસ્તારમાં એક લો લેવલના બ્રિજ પરથી કાર સમેત પિતા પુત્ર તણાયા હતા. તેઓના મૃતદેહ 18 કલાકે મળી આવ્યા છે. સતત 18 કલાકના સર્ચ ઓપરેશન બાદ સેલવાસની પીપરિયા ખાડીમાંથી કાર મળી આવી હતી. જેમાં બંને પિતા-પુત્રનો મૃતદેહ પણ મળી આવતા પંથકમાં અરેરાટી ફેલાઈ હતી.

Daman Monsoon Accident
Daman Monsoon Accident

ડોકમરડી ખાડીમાં કાર સાથે તણાયેલ પિતા-પુત્રનો મૃતદેહ મળ્યો

સેલવાસ : શુક્રવારની મોડી રાત્રે સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના ડોકમરડી ખાડીના પુલ પરથી પિતા-પુત્ર કાર સાથે તણાયા હતા. ત્યારે હવે 40 વર્ષીય પિતા અને તેના 7 વર્ષીય પુત્રનો મૃતદેહ કારમાંથી જ મળી આવ્યા હતા. પ્રશાસનના 18 કલાકના સર્ચ ઓપરેશન બાદ બન્નેના મૃતદેહ પીપરિયા ખાડીમાંથી મળી આવ્યા હતા.

પાણીના પ્રવાહમાં કાર તણાઈ :પોલીસમાંથી મળતી સત્તાવાર માહિતી અનુસાર શુક્રવારે રાત્રે 7 થી 8 વાગ્યાની વચ્ચે આ ઘટના બની હતી. સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના ડોકમરડીના વૃંદાવન સોસાયટીમાં મુકુલ ભગત શ્રીવાસ્તવ તેમના પરિવાર સાથે રહે છે. તેઓ તે દિવસે તેમના 7 વર્ષના પુત્ર સિદ્ધુ સાથે કારમાં બેસી ડોકમરડીથી ઘર તરફ આવી રહ્યા હતા. ત્યારે મધુબન ડેમમાંથી 1 લાખ ક્યુસેક પાણી છોડાતા ડોકમરડીના લો લેવલના પુલ પર પાણી ફરી વળ્યા હતા. જેમાંથી કાર પસાર કરવાનો પ્રયાસ કરતાં કાર ધસમસતા પાણીના પ્રવાહમાં તણાઈ હતી.

પિતા-પુત્રનો મૃતદેહ મળ્યો :આ અંગેની જાણકારી સ્થાનિક લોકોએ પ્રશાસનને આપી હતી. પાણીમાં તણાયેલ કારમાં પિતા- પુત્રની પ્રશાસને સ્થાનિક, પોલીસ, ફાયર, તરવૈયાઓની મદદથી શોધખોળ હાથ ધરી હતી. જોકે, તેમનો કોઈ પત્તો લાગ્યો નહોતો. ત્યારબાદ સેલવાસ કલેકટરે ઘટનાની ગંભીરતા જોતા બીજા દિવસે NDRF અને કોસ્ટગાર્ડની ટીમને મદદ માટે બોલાવી હતી. કોસ્ટગાર્ડની ટીમે હેલિકોપ્ટરથી અને NDRF ની ટીમે બોટ મારફતે ખાડીમાં અલગ અલગ સ્થળો પર તપાસ હાથ ધરી હતી. જેમાં બીજા દિવસે શનિવારે બપોરે 1 વાગ્યા આસપાસ પીપરિયા ખાડીમાં કાર મળી હતી. જેને ઉપર લાવી તેમાં ચેક કરતા કારમાં જ પિતા-પુત્રનો મૃતદેહ મળી આવ્યો હતો.

સર્ચ ઓપરેશન

21 મી જુલાઈના આઠ વાગ્યા આસપાસ કંટ્રોલરૂમમાં કોલ આવ્યો હતો. એક નીલા કલરની કાર પાણીમાં તણાઈ ગઈ છે. જેમાં 40 વર્ષીય પુરુષ અને સાત વર્ષીય બાળક ફસાયેલા છે. તાત્કાલિક ધોરણે પ્રશાસને તેમનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. જોકે, એક તરફ વરસાદ વરસતો હોય અને મધુબન ડેમમાંથી પાણી પણ છોડવામાં આવ્યું હોય પાણીનું સ્તર ખૂબ જ વધુ હતું. જેથી રેસ્ક્યુ ઓપરેશન સફળ થયું નહોતું.-- ભાનુપ્રભા (સેલવાસ કલેકટર)

18 કલાકનું સર્ચ ઓપરેશન :શનિવારે વહેલી સવારમાં NDRF અને કોસ્ટગાર્ડની ટીમને બોલાવવામાં આવી હતી. જેમની મદદથી શનિવારે બપોરે 1 થી 2 વાગ્યાની વચ્ચે પીપરીયા ખાડી નજીક કાર મળી આવી હતી. કારને દોરડા વડે બહાર કાઢી તપાસ કરવામાં આવી હતી. તેમાં મુકુલ ભગત શ્રીવાસ્તવ અને સિધ્ધુ નામના બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. બંનેના મૃતદેહને હાલ સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. જ્યાંથી તેમના પરિવારને સુપરત કરવામાં આવશે. આ સર્ચ ઓપરેશન સતત 18 કલાક સુધી ચાલ્યું હતું.

જનતાની માંગ : ઉલ્લેખનીય છે કે, સંઘપ્રદેશ દાદરાનગર હવેલીમાં આવા અનેક લૉ લેવલના બ્રિજ આવેલા છે. ચોમાસા દરમિયાન આવા બ્રિજ મધુબન ડેમમાંથી છોડતા પાણીને કારણે અથવા ભારે વરસાદને કારણે ડૂબી જતાં હોય છે. ત્યારે સ્થાનિકોએ આ ઘટના બાદ આક્રોશ વ્યક્ત કર્યો હતો. પ્રશાસને ચોમાસા દરમિયાન આવા ઓવર ટોપિંગ કોઝવે પર બન્ને તરફ પોલીસ બંદોબસ્ત, ભયસુચક સિગ્નલ લગાવવા જોઈએ. જો અહીં પોલીસ બંદોબસ્ત હોય તો આ ઘટના અટકાવી શક્યા હોત.

  1. Navsari Rain : નવસારીમાં મેઘતાંડવથી ઘૂંટણસમા પાણી, દીવાલ ધરાશાયી થતાં બે કાર ભાંગીને ભુક્કો થઈ
  2. Porbandar rain : પોરબંદર જિલ્લો જળમગ્ન બન્યો, 1400 લોકોને કરાયા સ્થળાંતર

ABOUT THE AUTHOR

...view details