ગુજરાત

gujarat

Gujarat literature festival 2023: અમદાવાદના આંગણે ગુજરાત લિટરેચર ફેસ્ટિવલ, લેખકો, પત્રકારો અને સાહિત્યકારોનો જમાવડો

By ETV Bharat Gujarati Team

Published : Dec 25, 2023, 9:34 AM IST

Updated : Dec 25, 2023, 10:23 AM IST

લેખકો, પત્રકારો, સાહિત્યકારો, ફિલ્મ વિવેચકો સહિતના સર્જનકારોને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે દર વર્ષે ગુજરાત લિટરેચર ફેસ્ટીવલનું આયોજન છેલ્લાં કેટલાંક વર્ષથી થતું આવ્યું છે. ત્યારે આ વખતે અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીમાં બે દિવસીય ગુજરાત લિટરેચર ફેસ્ટીવલનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આ ગુજરાત લિટરેચર ફેસ્ટિવલનું ઉદઘાટન કર્યુ હતું.

અમદાવાદના આંગણે ગુજરાત લિટરેચર ફેસ્ટિવલ
અમદાવાદના આંગણે ગુજરાત લિટરેચર ફેસ્ટિવલ

Gujarat literature festival 2023

અમદાવાદ: અમદાવાદના આંગણે બે દિવસયી ગુજરાત લિટરેચર ફેસ્ટિવલનો પ્રારંભ થયો છે. મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે આ ગુજરાત લિટરેચર ફેસ્ટિવલનું ઉદઘાટન કર્યુ હતું. આ પ્રસંગે ગુજરાત યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ડો. નીરજા ગુપ્તા અને ગુજરાત લિટરેચર ફેસ્ટિવલના ડાયરેકટર તથા સ્થાપક શ્યામ પારેખ, ધારાસભ્ય કૌશિકભાઈ જૈન, અમિતભાઈ ઠાકર, જાણીતા ગીતકાર પ્રસૂન જોશી, ગુજરાત મીડિયા ક્લબના પ્રમુખ નિર્ણય કપૂર તેમજ સભ્યો સહિત મીડિયા અને ફિલ્મજગત સાથે સંકળાયેલા લોકો, સાહિત્યકારો, કલાકારો, પત્રકારો, સામાજિક અગ્રણીઓ, અધ્યાપકો, સાહિત્યપ્રેમીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

મુખ્યપ્રધાનનું સંબોધન: આ ગુજરાત લિટરેચર ફેસ્ટિવલના ઉદઘાટન સત્રને સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રના નેતૃત્વમાં દેશના સમૃદ્ધ વારસાને વિશ્વ સમક્ષ ઉજાગર કરવાનું ભગીરથ કાર્ય થઈ રહ્યું છે. નરેન્દ્ર મોદીનું માનવું છે કે સાહિત્ય-સંસ્કૃતિને ભાષા, પ્રાંત-પ્રદેશના સીમાડા નડતા નથી અને એટલે જ તેમણે ‘એક ભારત-શ્રેષ્ઠ ભારત’નો મંત્ર આપ્યો છે. ગુજરાતી લિટરેચર ફેસ્ટિવલે યુવા પેઢીમાં ગુજરાતી ભાષા-સાહિત્યના વાંચન-લેખનને પ્રોત્સાહન આપવાની સાથે સાથે બીજી ભાષાને કે તેના સાહિત્યની અવગણના કરી નથી, એ સારી વાત છે.

ભાષા-સાહિત્યનો વારસો સમૃદ્ધ બનશે: વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, જાન્યુઆરીમાં વાઇબ્રન્ટ સમિટની ૧૦મી કડી યોજાવાની છે. જે અંતર્ગત જીએલએફની પણ ૧૦મી કડીનું ઉદઘાટન થયું છે, એ સુભગ સમન્વય છે. પત્રકારોનાં હિતો માટે કામ કરતી ગુજરાત મીડિયા ક્લબ અને ગુજરાત લિટરેચર ફેસ્ટિવલના આયોજકો પરસ્પર સહકારથી આ ફેસ્ટિવલ યોજી રહ્યા છે, એનો આનંદ તેમણે વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહિત્ય અને સંસ્કૃતિને ભૂત, ભવિષ્ય અને વર્તમાનને જોડતી કડી કહેતા હોય છે. વાંચન-લેખન, સાહિત્ય સર્જન, સંસ્કૃતિ સંવર્ધન વગેરે માટે વિશેષ પ્રયાસો થકી ભાષા-સાહિત્યનો વારસો સમૃદ્ધ બનાવવા આજે ગુજરાત સરકાર પ્રતિબદ્ધ છે.

ગુજરાતી લિટરેચર ફેસ્ટિવલનું મહત્વ: ગુજરાતી લિટરેચર ફેસ્ટિવલને ભાષા, કલા અને સંવાદને પ્રોત્સાહન આપતો અદભુત મંચ ગણાવીને મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતી ફિલ્મ ઉદ્યોગને સરકાર દ્વારા મળી રહેલા પ્રોત્સાહનના પરિણામે આજે ગુજરાતી ફિલ્મોનું સર્જન અને પ્રભાવ વધી રહ્યા છે. આ કાર્યક્રમમાં ફિલ્મ સર્જકો સાથે સંવાદનાં સત્રોનું આયોજન ભાષા, કલા અને સંસ્કૃતિનું ગૌરવ વધારશે. આ ફેસ્ટિવલમાં બાળકો માટેનાં વિશેષ સત્રો આવનાર નવી પેઢીમાં પણ ભાષા-સાહિત્ય-કલા માટે વિશેષ રસ જગાવશે, એવો વિશ્વાસ મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો.

કલા, સાહિત્ય અને મનોરંજન ક્ષેત્રે નવો યુગ શરૂ: મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે એક સમયે માત્ર પુસ્તકો જ સાહિત્યના માધ્યમ હતાં, આજે બદલાતા સમય સાથે સાહિત્ય અને તેના પ્રકારો પણ બદલાયા છે. સાહિત્ય હવે માત્ર પુસ્તકો પૂરતું સીમિત રહ્યું નથી. હવે સોશિયલ મીડિયા અને વેબ મીડિયા નવાં માધ્યમો તરીકે ઊભર્યાં છે અને સાહિત્યના ઘણા નવા પ્રકારો અસ્તિત્વમાં આવ્યા છે. ટેક્નોલોજીના વિકાસને કારણે ગુજરાતની કલા, સાહિત્ય અને મનોરંજન ક્ષેત્રે નવો યુગ શરૂ થયો છે.

ગુજરાત મીડિયા ક્લબના પ્રમુખનું સંબોધન: આ પ્રસંગે ગુજરાત મીડિયા ક્લબના પ્રમુખ નિર્ણય કપૂરે આ ઉદ્ઘાટન પ્રસંગે જણાવ્યું હતુ કે, ગુજરાત મીડિયા ક્લબ છેલ્લાં ૧૮ વર્ષથી પત્રકારો અને પત્રકારત્વના ઉત્થાન સહિત વિવિધ પ્રવૃતિઓ સાથે સંકળાયેલી સંસ્થા છે. સતત વિકાસ પામી રહેલા મીડિયા પરિપ્રેક્ષ્યને વિસ્તારવા માટે ગુજરાત મીડિયા ક્લબ સતત પ્રયત્નશીલ છે. સાથે જ, આ સંસ્થાએ કોરોના મહામારીમાં લોકજાગૃતિ ફેલાવવામાં અને અંગદાન જેવી સમાજિક પ્રવૃત્તિઓ પ્રત્યે લોકજાગૃતિ કેળવવા માટે પણ આ સંસ્થા કાર્યરત છે. ગુજરાત યુનિવર્સિટી સાથે સંયુક્તપણે યોજાઈ રહેલો આ લિટરેચર ફેસ્ટિવલ રાજ્યના યુવાનોમાં ગુજરાતી કલા, સાહિત્ય અને ફિલ્મો પ્રત્યેનો અહોભાવ અનેકગણો વધારશે તથા ઉભરી રહેલા સાહિત્યકારોને એક આગવું મંચ પૂરું પાડશે એમ તેમણે ઉમેર્યું હતું.

  1. મોરબી ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં ધર્મસભા સમારોહ યોજાયો
  2. CM Bhupendra Patel: પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ચાર કરોડ પરિવારોને ઘરનું ઘર મળ્યું: ભુપેન્દ્ર પટેલ
Last Updated :Dec 25, 2023, 10:23 AM IST

ABOUT THE AUTHOR

...view details