ગુજરાત

gujarat

ચૂંટણી પંચમાં થતી નિમણૂકો: સમય માગે છે સુધારા

By

Published : Mar 18, 2021, 9:15 PM IST

ભારત જેવી લોકશાહીમાં ચૂંટણીઓ યોજવી એક કુંભ મેળા યોજવા જેવું કામ છે. પવિત્ર ગણાતી ચૂંટણી પ્રક્રિયાને પૂર્ણ નૈતિકતા અને પ્રામાણિકતા સાથે પાર પાડવાની હોય છે. કમનસીબે લોકતંત્ર માટે પૂર્ણ શ્રદ્ધા સાથે કરવાના આ કાર્યમાં હવે એવી ગોલમાલ થાય છે કે બધા જ પ્રકારના લોકતાંત્રિક મૂલ્યો નેવે મૂકાઈ જાય છે.

સમય માગે છે સુધારા
સમય માગે છે સુધારા

ન્યૂઝ ડેસ્કઃ ટી. એન. શેષણ 1990ના દાયકામાં મુખ્ય ચૂંટણી કમિશનર બન્યા ત્યારે ચૂંટણી પ્રક્રિયાનું અને ચૂંટણી તંત્રની વિશ્વસનીયતા પડી ભાંગી હતી. ચૂંટણી પ્રક્રિયામાં સુધારા માટેની તાતી જરૂર હતી અને તેમણે મોટા પાયે સાફસૂફી કરી. પરંતુ શેષનની વિદાય પછી ધીમે ધીમે ચૂંટણી તંત્ર વધારે ઊંડી ગર્તામાં ગરી ગયું છે. ચૂંટણી પંચમાં હવે માત્ર કહ્યાગરા અધિકારીઓની જ નિમણૂક થાય છે.

ગોવામાં રાજ્ય સરકારે કાનૂન સચિવને રાજ્ય ચૂંટણી પંચનો વધારાનો હવાલો સોંપવાનો નિર્ણય કર્યો હતો. તેની સામે પડકાર થયો અને સુપ્રીમ કોર્ટે તે નિર્ણયને ફગાવી દીધો. તે વખતે સર્વોચ્ચ અદાલતે કરેલા નિરિક્ષણો ધ્યાને લેવા જેવા છે. સર્વોચ્ચ અદાલતે અગાઉ પણ કહેલું જ છે કે રાજ્યનું ચૂંટણી પંચ કેન્દ્રીય ચૂંટણી પંચ જેટલી જ સત્તા ધરાવે છે, જેથી તે મુક્ત અને ન્યાયી ચૂંટણી યોજી શકે.

પંચાયત અને પાલિકાઓની ચૂંટણી કરાવવાની મહત્ત્વની ભૂમિકા રાજ્યના ચૂંટણી પંચની હો છે. પાયાની સ્વરાજ્યની સંસ્થાની ચૂંટણીઓમાં પણ ગોલમાલ કરવા માટે રાજકારણીઓ હદ વટાવી જતા હોય છે. રાજ્યના ચૂંટણી પંચમાં રાજકારણ ઘૂસાડીને સત્તાધીશો તેની શ્રદ્ધેયતાને ખાડામાં નાખી રહ્યા છે.

ગોવાના કેસમાં સર્વોચ્ચ અદાલતે જણાવ્યું છે કે બધા જ રાજ્યોમાં રાજ્યના ચૂંટણી પંચના કમિશનરોએ રાજીનામા આપી દેવા જોઈએ. સરકારી અધિકારી કે અમલદાર ચૂંટણી કમિશન તરીકે પણ કામ કરતા હોય ત્યારે તે સ્વતંત્ર રીતે કામ કરશે તેવી અપેક્ષા રાખવી વધારે પડતી હોય છે.

રાજ્યોના ચૂંટણી પંચની સ્વાયત્તતા બાબતમાં પણ કોઈ સમાધાન કરી ના શકાય તેવા સર્વોચ્ચ અદાલતના સ્પષ્ટ નિર્દેશ બાદ ચૂંટણી પંચમાં જે નિમણૂકો થાય છે તેના વિશે સમગ્ર રીતે વિચારણા કરવાની જરૂર છે. રાજ્યોમાં સ્વરાજ્યની સંસ્થાઓમાં સ્વચ્છ ચૂંટણી ત્યારે જ શક્ય બનશે.

ભારતીય બંધારણના ઘડવૈયા આંબેડકરે ઇચ્છા વ્યક્ત કરી હતી કે ચૂંટણી કમિશનરોની નિમણૂક માટે સ્પષ્ટ માર્ગદર્શિકા હોવી જોઈએ. પરંતુ તેમની સલાહ પ્રમાણે આજ સુધી કોઈ સરકારોએ કાર્યવાહી કરી નથી અને તેના કારણે કહ્યાગરા ચૂંટણી કમિશનરો જ મતદારોના માથે મારવામાં આવે છે.

ભારતના ભૂતપૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર એમ. એસ. ગીલે કહ્યું હતું કે રાજકીય પક્ષોએ પોતાની પાસ એક વર્તુળ દોરવાની જરૂર છે. તે વર્તુળની મધ્યમાં જ તેમણે રહેવું જોઈએ અને તે રીતે તેમની બંધારણીય અને નૈતિક જવાબદારીઓનું વહન કરવું જોઈએ.

આજે ચૂંટણી પંચના કમિશનર તરીકે નિતિમાન અમલદારની નિમણૂક થઈ શકે તેવી કોઈ વ્યવસ્થા નથી. તેના કારણે સત્તામાં બેઠેલા રાજકીય પક્ષો ગોલમાલ કરે છે અને પોતાના માનીતાને ત્યાં બેસાડી દે છે. 2017ના વર્ષમાં કેન્દ્ર સરકારે સંસદમાં જ સ્પષ્ટપણે કહ્યું હતું કે કેન્દ્રના ચૂંટણી પંચમાં મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂક કરવા માટે તેમની કોઈ ઈચ્છા બાકીના રાજકીય પક્ષો સાથે ચર્ચા કરવાની નથી. ચૂંટણી કમિશનરની નિમણૂક કરવા માટે કૉલેજિયમ જેવી વ્યવસ્થા કરવાનો પણ પોતાનો કોઈ વિચાર નથી એમ સરકારે જણાવ્યું હતું.

ભાજપના વરિષ્ઠ નેતા એલ. કે. અડવાણીએ પોતે પણ 2012માં કહ્યું હતું કે હાલમાં મુખ્ય ચૂંટણી કમિશનરની પસંદગીની જે પદ્ધતિ છે તેમાં ઘણી બધી ગેરરીતિને અવકાશ છે. સીએજી તથા ચૂંટણી પંચમાં વડાની નિમણૂક કરવામાં વિપક્ષના નેતાઓને પણ સાથે રાખવા જોઈએ એવી માગણી તેમણે કરી હતી. 2006માં મુખ્ય ચૂંટણી કમિશનર ટંડને તથા 2009માં ગોપાલસ્વામીએ પણ આવી ભલામણ કરી હતી. 2015મા કાયદા પંચે પણ ભલામણ કરી હતી કે વડા પ્રધાન, મુખ્ય વિપક્ષી નેતા, ભારતના મુખ્ય ન્યાયાધીશનું એક કૉલેજિયમ હોય અને તેમની ભલામણ પ્રમાણે મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂક થવી જોઈએ.

ચૂંટણી પંચમાં નિમણૂકમાં સત્તાધીશોએ વારંવાર ગરબડ કરી છે તેના પરથી સ્પષ્ટ થાય છે કે આવી નિમણૂકોમાં માત્ર સત્તાધારી પક્ષની જ મનમાની ચાલે તે ચલાવી લેવાય નહીં.

કેનેડામાં મુખ્ય ચૂંટણી કમિશનરની પસંદગી સંસદમાં ઠરાવ કરીને થાય છે. તેથી અધિકારી તરીકે તેઓ સંસદને જ જવાબદાર ગણાય છે. આવી જ પદ્ધતિ ભારતમાં પણ લાગુ કરવાની જરૂર છે.

લોકોના મનમાંથી ચૂંટણી પ્રક્રિયા પરનો વિશ્વાસ ઉડવા લાગ્યો છે. નાગરિકોને ફરી લોકશાહીમાં ભરોસો બેસે તે માટે જરૂરી છે કે ચૂંટણી કમિશનરની નિમણૂક તદ્દન પારદર્શિતા સાથે થાય. નિમણૂકની પદ્ધતિમાં સુધારા કરવાની જરૂર છે. ચૂંટણી કમિશનર બંધારણને વફાદાર રહીને કામ કરી શકે તે રીતે નિમણૂક થાય તેવી વ્યવસ્થા ઊભી કરવાની તાતી જરૂર છે.

ABOUT THE AUTHOR

...view details