ગુજરાત

gujarat

ETV Bharat / state

સ્વેટરના હાઈનેકમાં 83 લાખનું સોનું છુપાવી લાવેલી મહિલા અમદાવાદ એરપોર્ટ પર ઝડપાઈ

શારજાહથી આવેલી મહિલા પાસેથી 499.540 ગ્રામ 24 કેરેટ સોનાની ચેઈન મળી

શારજાહથી આવેલી મહિલા પાસેથી 499.540 ગ્રામ 24 કેરેટ સોનાની ચેઈન મળી
શારજાહથી આવેલી મહિલા પાસેથી 499.540 ગ્રામ 24 કેરેટ સોનાની ચેઈન મળી (ETV Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : August 23, 2026 at 9:21 PM IST

અમદાવાદ: અમદાવાદ કસ્ટમ્સના એર ઈન્ટેલિજન્સ યુનિટ (AIU) દ્વારા પેસેન્જર પ્રોફાઇલિંગના આધારે કાર્યવાહી કરી શારજાહથી અમદાવાદ આવેલી એક મહિલા મુસાફર પાસેથી 499.540 ગ્રામ 24 કેરેટ સોનું ઝડપી પાડવામાં આવ્યું છે. એર અરેબિયાની G9-418 ફ્લાઈટ મારફતે 23 ઓગસ્ટે અમદાવાદ આવેલી મહિલાની તપાસ દરમિયાન તેના હાઈનેક સ્વેટરમાં સોનાની ચેઈન છુપાવેલી હોવાનું સામે આવ્યું હતું.

કસ્ટમ્સ અધિકારીઓએ મહિલાના કબજામાંથી 499.540 ગ્રામ વજનની 24 કેરેટ શુદ્ધતાની સોનાની ચેઈન જપ્ત કરી હતી. જપ્ત કરાયેલા સોનાની કુલ બજાર કિંમત ₹83,14,843 હોવાનું કસ્ટમ્સ વિભાગે જણાવ્યું છે. આ મામલે કસ્ટમ્સ એક્ટ, 1962ની જોગવાઈઓ હેઠળ સોનું જપ્ત કરવામાં આવ્યું હતું.

મહિલાની કસ્ટમ્સ એક્ટની સંબંધિત જોગવાઈઓ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં તેને જામીન પર મુક્ત કરવામાં આવી છે. સમગ્ર મામલે અમદાવાદ કસ્ટમ્સ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ગત અઠવાડિયે આ જ ફ્લાઈટના પેસેન્જર પાસેથી પકડાયું હતું સોનું

ઉલ્લેખનીય છે કે, ગત અઠવાડિયે પણ અમદાવાદ એરપોર્ટ પર આ જ ફ્લાઈટથી આવેલા એક પુરુષ અને મહિલા ગેરકાયદેસર સોના સાથે ઝડપાયા હતા. 16 ઓગસ્ટે શારજાહથી અમદાવાદ આવેલી એર અરેબિયાની G9-418 ફ્લાઇટમાંથી એક મહિલા અને એક પુરુષ મુસાફરને અટકાવી તપાસ હાથ ધરવામાં આવી હતી.

તપાસ દરમિયાન મહિલા મુસાફર પાસેથી કુલ 219.43 ગ્રામ સોનું મળી આવ્યું હતું. જેમાં 70.18 ગ્રામ 24 કેરેટ (999 શુદ્ધતા) અને 149.25 ગ્રામ 18 કેરેટ (750 શુદ્ધતા)નું સોનું સામેલ છે. સોનાના બ્રેસલેટ, બંગડી, નેકલેસ, ચેઇન, પાયલ અને કાનની બુટ્ટી મળી આવી હતી.

આ પણ વાંચો: