ETV Bharat / sukhibhava

ચોમાસામાં વધુ પરેશાન કરી શકે છે ત્વચાના રોગો

author img

By

Published : Aug 10, 2021, 5:32 PM IST

ચોમાસામાં વધુ પરેશાન કરી શકે છે ત્વચાના રોગો
ચોમાસામાં વધુ પરેશાન કરી શકે છે ત્વચાના રોગો

ચોમાસાની રોમેન્ટિક ઋતુ તેની સાથે માત્ર વરસાદ જ નહીં પણ ભેજ અને વધારે નમી લઇને આવે છે. આ ઋતુમાં જ્યારે વરસાદ મનમાં ખુશીની લાગણી ફેલાવે છે તો સાથે ઘણાં ત્વચાના રોગોનું કારણ પણ બને છે. તમામ વાયરલ ચેપ ઉપરાંત, ત્વચા સંબંધિત રોગો પણ આ સીઝનમાં ખૂબ પરેશાન કરી શકે છે.

  • ચોમાસાના સમયગાળામાં ત્વચાને થતી સમસ્યાઓ જાણો
  • ભેજભર્યાં વાતાવરણના કારણે થતાં રોગની પરેશાની
  • તબીબી સલાહ ક્યારે જરુરી બને છે જાણો ETV Bharat Sukhibhav પાસેથી

ચોમાસાની ઋતુમાં ત્વચાની સારી સંભાળ રાખવી ખૂબ જ જરૂરી છે. યુનાઇટેડ કિંગડમના બર્કશાયર સ્થિત ત્વચારોગ વિશેષજ્ઞ અને શ્યોર સ્કિનકેર બર્કશાયરના મેડિકલ ડિરેક્ટર ડોક્ટર સંદીપ સોએન કહે છે કે આ ઋતુમાં કોઇપણ પ્રકારની બેદરકારી ચેપ અને ચામડીના રોગોનું જોખમ વધારે છે.

ETV Bharat Sukhibhav ને ચોમાસામાંં પડતી સમસ્યાઓ વિશે વધુ માહિતી આપતાં ડો.સંદીપ જણાવેે છે કે ચોમાસાની ઋતુમાં પર્યાવરણ ત્વચા પર ઘણી અસર કરી શકે છે. આ ઋતુમાં બાળકો અને પુખ્ત વયના લોકોને વિવિધ સમસ્યાઓ હોઈ શકે છે. આ સિઝનમાં સામાન્ય રીતે તમને સૌથી વધુ પરેશાન કરતી સમસ્યાઓ નીચે મુજબ છે.

અળાઈઓ

ડો સંદીપે જણાવ્યું કે આ એક ખૂબ જ સામાન્ય ત્વચા રોગ છે. જે સામાન્ય રીતે એવા સ્થળોએ થાય છે જ્યાં વધારે ભેજ હોય ​​અને હવા સરળતાથી સુલભ ન હોય અને જ્યાં વધારે પડતો પરસેવો આવે. ગરમીમાં ત્વચા પર જે કાંટાદાર ફોલ્લીઓ નીકળે છે તે અત્યંત ખંજવાળવાળી અને ક્યારેક પીડાદાયક હોઈ શકે છે. એટલું જ નહીં, જો તકલીફ વધુ હોય તો ક્યારેક લોકોને અળાઈની જગ્યાએ હળવા ફોલ્લાં પડી શકે છે. પરંતુ સામાન્ય રીતે થોડી કાળજી રાખીને આ સમસ્યાથી છૂટકારો મેળવી શકાય છે. મોટાભાગના કિસ્સાઓમાં તેની સારવાર માટે તબીબી સહાયની જરૂર નથી. ગરમીની ફોલ્લીઓથી બચવાનો શ્રેષ્ઠ રસ્તો એ છે કે શરીરને ઠંડુ રાખવું અને ખુલ્લાં અથવા શક્ય હોય તો સુતરાઉ કપડાં પહેરવા. ફોલ્લીઓ પર કેલામાઇન લોશન અને ખંજવાળ માટે એન્ટિહિસ્ટામાઇનનો ઉપયોગ કાંટાદાર અળાઈના કિસ્સામાં પણ થઈ શકે છે. પરંતુ જો સોજા સાથે ગરમી હોય તો તેને ઘટાડવા માટે સ્ટીરોઈડ ક્રીમનો ઉપયોગ કરવો પડી શકે છે.

ટિનિયા ક્રૂરિસ ( જૉક ખંજવાળ-ફંગલ સંક્રમણ )

ભેજભર્યા વાતાવરણમાં આ સમસ્યા સામાન્યપણે લોકોને પરેશાન કરતી હોય છે. એમ તો જો કે ટિનિયા સંક્રમણ અથવા જોક ખંજવાળ શરીરના કોઈપણ ભાગમાં થઈ શકે છે, પરંતુ તે જંઘામૂળ અને તેની આસપાસના વિસ્તારોમાં વધુ થાય છે. આ સંક્રમણ હાથ, ગરદન અને સ્તનની આસપાસ પણ થઈ શકે છે. ચેપની શરૂઆતમાં, ફોલ્લીઓ કદમાં નાની હોય છે પરંતુ ધીરે ધીરે તે ઝડપથી કદમાં વધારો કરી શકે છે અને દાદર જેવા લાલ અને ભીંગડાંવાળું ફોલ્લીઓમાં ફેરવી શકે છે. આ સમસ્યાના કિસ્સામાં ખુલ્લાં અને હવાદાર કપડાં પહેરવાને પ્રાધાન્ય આપવું જોઈએ. ટિનિયાની સારવાર માટે ડોકટરો એન્ટિ ફંગલ ક્રીમ અને ગોળીઓનો ઉપયોગ કરવાની ભલામણ કરે છે જે બજારમાં સરળતાથી ઉપલબ્ધ છે.

મચ્છક અને અન્ય કીટના કરડવાથી થતાં ત્વચા રોગ

ડૉક્ટર સંદીપ જણાવે છે કે જ્યારે મચ્છર કરડે છે, ત્યારે તેના ડંખના સ્થળે થોડા સમય માટે મોટા ગોળાકાર સોજો આવી જાય છે. જે તીવ્ર ખંજવાળ અને બર્નિંગનું કારણ બની શકે છે. આવી સમસ્યામાં તેની સારવાર એન્ટિહિસ્ટેમાઈન્સ દ્વારા કરી શકાય છે. પરંતુ જો સમસ્યા વધુ ગંભીર બનવા માંડે તો તરત જ ડોક્ટર કે કેમિસ્ટની સલાહ લેવી જોઈએ.

વાયરલ રેશીસ

ચોમાસામાં માત્ર મચ્છર કરડવાથી જ નહીં, પણ તેના દ્વારા ફેલાયેલા ચેપને કારણે ચામડીના રોગો પણ થઈ શકે છે. છે. ક્યારેક મચ્છરના કરડવાથી ત્વચા પર ફોલ્લીઓ ઉદ્દભવવાનું શરૂ થાય છે. ડેન્ગ્યુ તાવના લક્ષણોમાં ફોલ્લીઓનો પણ સમાવેશ થાય છે. આ ફોલ્લીઓમાં ખંજવાળ થઈ શકે છે. આવી સ્થિતિમાં જો ફોલ્લીના દાણા સાથે અન્ય શારીરિક સમસ્યાઓ દેખાવા લાગે તો તરત જ ડોક્ટરની સલાહ લેવી જોઈએ.

ખીલ

કિશોરવયના બાળકોની ત્વચા પર ભેજવાળું વાતાવરણ અસર કરે છે. ખાસ કરીને કિશોરો અને યુવતીઓ કે જેઓ ખૂબ જ તૈલીય ત્વચા ધરાવે છે. તેઓ આ સમસ્યા માટે વધુ સંવેદનશીલ હોય છે કારણ કે પરસેવો અને અન્ય શારીરિક સ્ત્રાવ ઘણી ગંદકીને આકર્ષિત કરે છે જેનાથી કોમેડોન અને સિસ્ટીક ખીલ વકરી શકે છે. જો ખીલ તમને વધુ પરેશાન કરે છે, તો ત્વચા રોગ તબીબનો સંપર્ક કરવો વધુ સારું છે.

સનબર્ન

ચોમાસાના મહિનાઓમાં ઘણીવાર સૂર્યના તીવ્ર કિરણો પડતાં હોય છે. ત્યારે સનબર્નની સમસ્યા થઈ શકે છે.આવી સ્થિતિમાં ઘરની બહાર નીકળતી વખતે ઉચ્ચ એસપીએફ સનસ્ક્રીનનો ઉપયોગ કરવો જોઈએ અને સીધો સૂર્યપ્રકાશ ટાળવો જોઈએ. ડો.સંદીપ કહે છે કે ભલે બધી ઋતુઓમાં ત્વચાને સ્વસ્થ અને ચમકદાર રાખવા માટે ત્વચાની સંભાળ રાખવી ખૂબ જ જરૂરી છે, પરંતુ ચોમાસામાં તેને થોડી વધુ કાળજીની જરૂર છે. સ્વસ્થ ત્વચા માટે સફાઇ, એક્સ્ફોલિયેશન, ટોનિંગ અને મોઇશ્ચરાઇઝેશન જરૂરી છે.

આ વિશે વધુ જાણકારી માટે www.surreyskincare.co.uk પર સંપર્ક કરી શકાય છે.

આ પણ વાંચોઃ માતાના દૂધને વધુ પૌષ્ટિક બનાવવા માટે વધુ મહેનતની જરૂર નથી

આ પણ વાંચોઃ Healthy Dessert: ચોંકશો નહીં, હંમેશા નુકસાનકારક જ નથી હોતી મીઠાઈ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.