ETV Bharat / state

સરદાર પટેલ જન્મજયંતી : વાપી નગરપાલિકાના પ્રમુખ સહિતના સભ્યોએ શ્રદ્ધા સુમન અર્પણ કર્યા

author img

By

Published : Oct 31, 2020, 5:05 PM IST

Updated : Oct 31, 2020, 5:59 PM IST

31 ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની 145મી જન્મજયંતીને ધ્યાને રાખી વાપીમાં નગરપાલિકા પ્રમુખ, પાલિકા સભ્યોએ સરદારની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી જન્મદિવસની ઉજવણી કરી હતી. સાથે જ ગુજરાતના માજી મુખ્યપ્રધાન સ્વ. કેશુભાઈ પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. પ્રસંગે પ્રમુખ વિઠ્ઠલ પટેલે સરદાર પટેલના પ્રેરણાત્મક જીવનની ગાથા વર્ણવી હતી.

સરદાર પટેલ
પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઇ પટેલને શ્રદ્ધાંજલિ

  • વાપીમાં સરદાર પટેલની જયંતી ઉજવાઇ
  • કેશુબાપાને આપવામાં આવી શ્રદ્ધાંજલિ
  • સરદાર પટેલના પ્રેરણાત્મક જીવન પ્રસંગો વર્ણવ્યા

વલસાડ : 31મી ઓક્ટોબરે દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલની 145મી જન્મજયંતીની ઉજવણીના ભાગરૂપે વાપીમાં નગરપાલિકા પ્રમુખ, પાલિકા સભ્યોએ સરદારની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી જન્મદિવસની ઉજવણી કરી હતી. આ સાથે ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે પાલિકા પ્રમુખ વિઠ્ઠલ પટેલે સરદાર પટેલના પ્રેરણાત્મક જીવન પ્રસંગો વર્ણવ્યા હતા.

સરદાર પટેલ જન્મજયંતી
સરદાર પટેલ જન્મજયંતી

સરદાર વલ્લભભાઈ પટેલની 146મી જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી

વાપીમાં મુખ્ય બજારમાં આવેલા સરદાર ચોક ખાતે વાપી નગરપાલિકાના પ્રમુખ વિઠ્ઠલ પટેલ, પાલિકાના નવર સેવકો, શહેર જિલ્લા યુવા પ્રમુખની ઉપસ્થિતિમાં સરદાર વલ્લભભાઈ પટેલની 146મી જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે તમામે સરદાર પટેલની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી અખંડ ભારતના ઘડવૈયા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. જે દરમિયાન નગરપાલિકાના પ્રમુખ વિઠ્ઠલ પટેલે સરદાર પટેલની દેશદાઝ અને તેમના પ્રેરણાત્મક જીવન પ્રસંગો વર્ણવ્યા હતા.

સરદાર પટેલનો જન્મ 31મી ઓક્ટોબર, 1875માં નડિયાદ ખાતે થયો હતો

વિઠ્ઠલ પટેલે જણાવ્યું હતું કે, સરદાર વલ્લભભાઈ પટેલ અખંડ ભારતના શિલ્પી અને આ દેશની સ્વતંત્રતામાં મહત્વનું યોગદાન આપનારા મક્કમ મનોબળ ધરાવતા લોખંડી પુરૂષ હતા. સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતી નિમિત્તે તમામ શહેરીજનોને હૃદયપૂર્વક શુભેચ્છા પાઠવું છું. સરદાર વલ્લભભાઈ પટેલના જીવનમાંથી ઘણી પ્રેરણા લેવા જેવી છે. તેમનો જન્મ 31મી ઓક્ટોબર 1875માં નડિયાદ ખાતે થયો હતો.

કેસ જીતીને પત્નીની અંતિમવિધિમાં પહોંચ્યા સરદાર

સરદાર પટેલ તેમના માતા-પિતાના ચોથા સંતાન હતા. તેમને 18 વર્ષની ઉંમરમાં તેમનું લગ્નજીવન શરૂ કર્યું હતું. જેમાં 1904 અને 1906માં તેમને એક પુત્ર અને પુત્રીના પિતા બન્યા હતાં. 22 વર્ષની ઉંમરે મેટ્રિક પાસ કરી વકીલાતના વ્યવસાય માટે વકીલમિત્રો પાસેથી ઉછીના પુસ્તક લઈ વકીલાતનો અભ્યાસ કર્યો હતો. એ એટલા મજબૂત મનોબળના હતા કે, 1909માં તેમના પત્ની ઝવેરબાને કેન્સર હોવાથી તેમનું મૃત્યુ થયું હતું ત્યારે, તેના સમાચાર તેમને કોર્ટમાં કેસ લડતી વખતે મળ્યા હતાં. તેમ છતાં તેમને કોર્ટ કાર્યવાહી ચાલુ રાખી કેસ જીતીને પત્નીની અંતિમવિધિમાં પહોંચ્યા હતા.

6 મહિનાનો કોર્ષ 30 મહિનામાં પૂરો કરી ગોલ્ડ મેડલ મેળવ્યો

વકીલાતની ડીગ્રી મેળવવા પૈસા ભેગા કરીને ઇંગ્લેન્ડમાં જવાની તૈયારી વખતે પહેલા મોટાભાઈને ઇંગ્લેન્ડ મોકલી બેરિસ્ટર બનાવ્યા બાદ તેમને બેરિસ્ટર બન્યા હતા. સરદાર પટેલે બેરિસ્ટર માટેનો 36 મહિનાનો કોર્ષ 30 મહિનામાં પૂરો કરી ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.

વાપી નગરપાલિકાના પ્રમુખ સહિતના સભ્યોએ શ્રદ્ધા સુમન અર્પણ કર્યા

1922, 24 અને 1927માં અમદાવાદ સુધરાઈના મેયર પદે રહ્યા સરદાર

ભારતમાં આવી પ્રથમ વકીલાતનો વ્યવસાય કર્યા બાદ સ્વતંત્રતા આંદોલનના ગાંધીજી સાથે સંપર્કમાં આવીને તેમને વિદેશી વસ્તુઓનો ત્યાગ કર્યો હતો. 1917માં તેમને અમદાવાદ સુધરાઈના આરોગ્ય અધિકારી બન્યા હતા. 1922, 24 અને 1927માં અમદાવાદ સુધરાઈના મેયર પદે રહ્યા હતા. જે સમયે વરસાદ વધારે પડતા અમદાવાદમાં ઠેર ઠેર પાણી ભરાઇ ગયા હતા. ત્યારે, લોકોને ખાવા-પીવાની વ્યવસ્થા ઊભી કરી અદ્દભુત કામગીરી કરી હતી.

ગાંધીજી સાથે સરદારની ભૂમિકા મહત્વની

સરદાર પટેલ માટે મહાત્મા ગાંધીજીએ પોતાની આત્મકથામાં લખ્યું છે કે, જો સરદાર વલ્લભભાઈ પટેલ તેમને મળ્યા ન હોત તો, આઝાદીના આંદોલનને, મીઠાના સત્યાગ્રહ આંદોલનના સંગઠનને મજબૂત બનાવી શક્યા ન હોત. ગાંધીજીના સત્યાગ્રહના આંદોલનમાં, ચંપારણ આંદોલનમાં તેમજ દેશને સ્વતંત્રતા અપાવવામાં ગાંધીજી સાથે સરદારની ભૂમિકા મહત્વની હતી.

સરદાર સરોવર ખાતે 1,000 કરોડના કામોની જાહેરાત

હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ દેશમાં એમની વિશ્વની સૌથી મોટી પ્રતિમા બનાવી લોખંડી પુરૂષનું યથાયોગ્ય બિરુદ આપ્યું છે. આ વખતની જન્મજયંતીના દિવસે પણ નરેન્દ્રભાઈએ સરદાર સરોવર ખાતે 1,000 કરોડના કામોની જાહેરાત કરી કેવડીયા સરદાર સરોવરને વિશ્વમાં પર્યટન સ્થળ તરીકે વિકસાવ્યું છે.

પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઇ પટેલને શ્રદ્ધાંજલિ

આ સાથે વાપી નગરપાલિકા પ્રમુખે જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીના સ્થાપક અને જનસંધી એવા પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઇ પટેલને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ભારતીય જનતા પાર્ટી હાલ જે ઉંચાઈ પર પહોંચી છે, તે માટે કેશુભાઈ પટેલનું મોટું યોગદાન છે. તેમને યાદ કરીને તેમના જીવનમાંથી પ્રેરણા લઈ પ્રભુ એમની આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના કરી હતી.

Last Updated : Oct 31, 2020, 5:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.