ETV Bharat / state

Kuber Bhandari Temple : ડભોઇના કુબેર ભંડારી મંદિરનું અનેરું મહત્વ, શ્રાવણ માસની અમાસે ભક્તોનું ઘોડાપૂર

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 15, 2023, 5:17 PM IST

Kuber Bhandari Temple
Kuber Bhandari Temple

અધિક અને શ્રાવણ માસની અમાસ નિમિત્તે ડભોઇ તાલુકાના કરનાળી ખાતે આવેલ કુબેર ભંડારી મંદિરે ભક્તોનું ઘોડાપૂર આવ્યું હતું. ગુરુવારી અમાસના પવિત્ર દિવસે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓએ કુબેર ભંડારીના દર્શન કર્યા હતા. આજે અધિક અને શ્રાવણ માસની પૂર્ણાહુતિ અને ગુરુવારી અમાસને લઈને શિવાલયો બમ બમ ભોલેના નાદથી ગુંજી ઉઠ્યા હતા.

ડભોઇના કુબેર ભંડારી મંદિરનું અનેરું મહત્વ

વડોદરા : મધ્ય ગુજરાતનમાં ડભોઇ તાલુકાના કરનાળી ખાતે ધનકુબેરનું સુપ્રસિદ્ધ મંદિર આવેલું છે. કુબેર ભંડારી મંદિરે ભક્તોનું ઘોડાપુર જોવા મળી રહ્યું છે. ભગવાન કુબેરના દર્શન કરવા માટે ગઈકાલે રાતથી જ ભક્તો લાંબી કતારમાં જોવા મળ્યા હતા. ગુરુવારી અમાસનો યોગ આવ્યો છે, જેના કારણે હજારોની સંખ્યામાં ભક્તો કુબેરના દર્શન કરવા માટે મંદિરમાં દર્શનાર્થે ઉભરાયા છે. ત્યારે ટ્રસ્ટ દ્વારા પણ તમામ પ્રકારની સુવિધા કરવામાં આવી હતી. સાથે જ દર્શન કરવા આવેલા ભક્તોને કોઈ તકલીફ ન પડે તે બાબતનું ધ્યાન રાખવામાં આવ્યું હતું.

ધન કુબેર શા માટે ? હિન્દુ શાસ્ત્ર કથા અનુસાર કુબેર રાવણના સાવકા ભાઈ હતા. રાવણે ભગવાન શિવજીનું તપ કરી તેમની કૃપા પ્રાપ્ત કરી અમોઘ શક્તિઓ મેળવી હતી. આ શક્તિઓના બળે રાવણે પોતાના ભાઈ કુબેર ઉપર આક્રમણ કરી તેને પદભ્રષ્ટ કરી લંકામાંથી બહાર કાઢ્યા હતા. કુબેર પણ ભગવાન શિવજીના જ ભક્ત હતા. લંકામાંથી કાઢ્યા બાદ તેઓ નર્મદા કિનારે પહોંચ્યા અને ત્યાં તેમણે શિવજીનું તપ શરૂ કર્યું હતું. જ્યારે રાવણને આ વાતની જાણ થઈ તો તેણે અહીં પણ કુબેરને હેરાન કર્યા હતા. છેલ્લે કુબેર કરનાળી ગામે આવી ત્યાં મહાકાળીની શરણ લઈને પોતાની રક્ષાની જવાબદારી તેમને સોંપી હતી. કથા અનુસાર શિવજી તપથી પ્રસન્ન થયા પરંતુ લંકાનું રાજ પાછું ન આપી શક્યા. પરંતુ કુબેરનો ભક્તિભાવ જોઈને સર્વે દેવી-દેવતાઓના ધનનો વહીવટ તેમને સોંપ્યો હતો. તે દિવસથી કુબેર ભંડારી ધન કુબેરના નામથી ઓળખાય છે.

શ્રાવણ માસની અમાસે ભક્તોનું ઘોડાપૂર
શ્રાવણ માસની અમાસે ભક્તોનું ઘોડાપૂર

કુબેર ભંડારી મંદિર : કુબેરે શિવજીનું તપ કરતા શિવજી પ્રસન્ન થયા હતા. ભગવાન શંકરે તેમને પોતાના સમક્ષ સ્થાન આપી કહ્યું હે, ધનના દેવ કુબેર તમારા ભક્તિભાવથી હું પ્રસન્ન થયો છું. તમારા આ સ્થળ ઉપર જે ભક્ત સાચા હૃદયથી દર્શન કરી અમુક અમાસ ભરશે એમની મનોકામના પૂરી થશે. વ્યક્તિને જીવનમાં સખત મહેનત કર્યા પછી પણ સફળતા મળતી નથી, જેના કારણે તે પોતાના જીવનથી નિરાશ થઈ જાય છે. અમાસના દિવસે તમે દર્શન કરો તમારા ઘરમાં ક્યારેય પૈસાની તંગી નહીં થાય.

કુબેર ભંડારી રાવણના મોટા ભાઈ છે. દુનિયામાં એક માત્ર આ મંદિર છે જ્યાં સળંગ 5 અમાસ ભરવાથી મનોકામના પૂરી થાય છે. કુબેર ભંડારી દેવોના ખજાનચી કહેવાય છે. કુબેરેશ્વરની પાસે જ શાલીગ્રામ રૂપે સ્વયં વિષ્ણુ ભગવાન મંદિરમાં બિરાજમાન છે. મહાદેવના વરદાનથી તેમના નામથી એટલે કે કુબેરેશ્વર ભંડારી પૂજાય છે. -- રજનીભાઇ પંડ્યા (ટ્રસ્ટી, કુબેર ભંડારી)

કુબેર મંત્રનું મહત્વ : કુબેર ભંડારીના ટ્રસ્ટી રજનીભાઇ પંડ્યાએ જણાવ્યું હતું કે, "ૐ યક્ષાય કુબેરાય વૈશ્વાણાય, ધન ધન્યાઘીપતયે, ધન ધન્ય સમૃદ્ધિ મેં દેહિ દાપય સ્વાહા.” આ મંત્રનો જાપ કરો તે વખતે તમારે ધન લક્ષ્મી કોડીને તમારી સાથે રાખવી જ જોઈએ. આ મંત્રનો ત્રણ મહિના સુધી નિયમિત જાપ કરો અને ત્રણ મહિના પછી ધન લક્ષ્મી કોડીને તમારી તિજોરીમાં રાખો. તેનાથી તમારા મકાનમાં પૈસા સંબંધિત સમસ્યા દૂર થશે અને નવા માર્ગોથી ઘરમાં પૈસા આવવાનું શરૂ થશે.

ભક્તોને અપીલ : અમાસના દિવસે નર્મદા સ્થાનનું પણ અનેરું મહત્વ રહેલું છે. જેથી વહેલી સવારથી જ યાત્રાધામ કરનાળી ખાતે નર્મદા સ્નાન પણ કરવામાં આવી રહ્યો હતો. જ્યારે કુબેર ભંડારી ટ્રસ્ટના રજનીભાઈ પંડ્યાએ જણાવેલું કે, માં નર્મદાને ચોખ્ખી રાખવી જોઈએ. તેમાં ગંદા ચંપલ, ગંદા કપડા કે પ્લાસ્ટિકની થેલી અને કચરો નાખવો નહીં. જો નર્મદા માતાને ચોખ્ખી રાખીશું તો આપણું મન પણ ચોખ્ખું રહેશે. જે પણ મુસીબતો આવતી હશે એ દૂર થશે. તેમજ જે લોકોએ અધિક અને શ્રાવણ માસના ઉપવાસ કરેલા હોય તેઓએ શનિવારે ઉપવાસ છોડી શકશે.

  1. Shravan Worship of Shiva : બારડોલી કેદારેશ્વર મંદિરમાં 184 વર્ષથી ચાલતી શિવનામ સ્મરણ સપ્તાહ, પરંપરા શા માટે છે અઘરી તે જાણો
  2. Somnath Mahadev Temple : શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે સોમનાથમાં ભક્તોનું ઘોડાપૂર
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.