ETV Bharat / state

Navratri Festival: સિતારના સૂરે ઓસ્ટ્રેલિયામાં ગરબાની રમઝટ, ભાન ભૂલાવશે ભગીરથ ભટ્ટ

author img

By

Published : Aug 16, 2023, 12:36 PM IST

Updated : Aug 16, 2023, 2:10 PM IST

વિદેશમાં ડીજેના તાલે નહીં પરંતુ સિતારના સૂરના ઝણકારે ગુજરાતીઓ ગરબા રમવા માટે ઉત્સુક છે. સિતાર ભારતીય શાસ્ત્રીય સંગીતની ધરોહર છે અને ગરબા ગુજરાતનું ઘરેણું છે. ઓસ્ટ્રેલિયામાં આ બંને ધરોહરને સાથે લઈને દેશભરમાં ખ્યાતનામ, સુરતના સિતાર વાદક ભગીરથ ભટ્ટ સપ્ટેમ્બરમાં ગરબાની રમઝટ બોલાવશે. ગુજરાત કે ભારતમાં સિતાર ઉપર ગરબાની ધૂનનો આ પ્રયોગ જોવા નથી મળ્યો. આ પરંપરા હવે વિદેશમાં પ્રચલિત થઈ રહી છે. ભારતીય શાસ્ત્રીય સંગીતના સૂર અને સિતારના તાલ ઉપર ઓસ્ટ્રેલિયામાં રહેતા ગુજરાતીઓ ગરબા રમવા માટે ઉત્સુક થયા છે.

Navratri Festival: સિતારના તાલે ઓસ્ટ્રેલિયામાં ગરબાની રમઝટ, ભાન ભૂલાવશે ભગીરથ ભટ્ટ
Navratri Festival: સિતારના તાલે ઓસ્ટ્રેલિયામાં ગરબાની રમઝટ, ભાન ભૂલાવશે ભગીરથ ભટ્ટ

સિતારના તાલે ઓસ્ટ્રેલિયામાં ગરબાની રમઝટ, ભાન ભૂલાવશે ભગીરથ ભટ્ટ

સુરત: "સંગીત ના કોઈ સીમાડા નથી હોતા"... આ વર્ષે સપ્ટેમ્બર માસમાં ઓસ્ટ્રેલિયા ખાતે પ્રિ-નવરાત્રી ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. નવરાત્રિમાં નવ દિવસ સુધી આમ તો માં દુર્ગાના અલગ અલગ સ્વરૂપોની પૂજા કરવામાં આવતી હોય છે. આ વર્ષે નવરાત્રીના પર્વ દરમિયાન મા સરસ્વતીનું સ્વરૂપ પણ લોકોને જોવા અને માણવા મળશે. બોલીવુડના ઘણાં ગીતોને સિતારવાદન દ્વારા પ્રસ્તુત કરવા માટે ભારતભરમાં જાણીતા સુરતના ભગીરથ ભટ્ટ ઓસ્ટ્રેલિયામાં સિતારના સુરોમાં ગરબા પ્રસ્તુત કરીને લોકોને ગરબા રમવા વિવશ કરી દેશે. મોટેભાગે ડીજે અને ભારે મ્યુઝિક વચ્ચે ગરબા રમાતા હોય છે પરંતુ વિદેશમાં આ વર્ષે પ્રથમવાર એવું બનશે કે લોકો સિતારના સોફ્ટ સુરોની ધૂન ઉપર ગરબા રમશે અને આ માટે ભગીરથ ભટ્ટ છેલ્લા ત્રણ વર્ષથી ગુજરાતની ધરોહર સમા ગરબાને ભારતીય શાસ્ત્રીય સંગીતની ધરોહર સિતાર સાથે મેળવીને અનોખો પ્રયોગ કરી રહ્યા છે. ભારતની બહાર વિદેશની ધરતી ઉપર લોકોને આ પ્રયોગ ખૂબ જ પસંદ પડી રહ્યો છે. ભગીરથ ભટ્ટ માની રહ્યા છે કે પાશ્ચાત્ય સંસ્કૃતિ જે પસંદ કરે એ પછીથી ભારતમાં ટ્રેન્ડ બને છે.

વિદેશમાં ડીજેના તાલે નહીં પરંતુ સિતારના તાલ અને ધ્વનિ પર ગુજરાતીઓ ગરબા રમવા માટે ઉત્સુક
વિદેશમાં ડીજેના તાલે નહીં પરંતુ સિતારના તાલ અને ધ્વનિ પર ગુજરાતીઓ ગરબા રમવા માટે ઉત્સુક

"છેલ્લા 22 વર્ષથી હું સિતારની સાધના કરી રહ્યો છું. સપ્ટેમ્બર માસના અંતમાં હું ઓસ્ટ્રેલિયા જઈ રહ્યો છું. ઓસ્ટ્રેલિયામાં લોકો સિતારવાદનને એક અલગ જ સ્થાન આપી રહ્યા છે. આ સિંતાર તો છે જ પરંતુ આપણાં જૂના ગરબા અને ફોક્ મ્યુઝિકને સિતાર સાથે મેળવવાનું કાર્ય ઓસ્ટ્રેલિયામાં આયોજકો કરી રહ્યા છે. જેને ઓસ્ટ્રેલિયાના લોકો દ્વારા સરાહના મળી રહી છે. નવ દિવસ સુધી અમે મા ના અલગ અલગ રૂપની આરાધના કરતા હોઈએ છીએ. ત્યારે મા સરસ્વતીના વાદ્ય યંત્ર સાથેના ગરબાનું આ મિશ્રણ થાય ત્યારે લોકોને ખૂબ જ પસંદ પડે છે."-- ભગીરથ ભટ્ટ (સિતાર સાધક)

ભારતીય કલાસિકલ મ્યુઝિક: ભગીરથ ભટ્ટે જણાવ્યું હતું કે, ગરબા એ ગુજરાતનું ઘરેણું છે. સિતારવાદન ભારતીય કલાસિકલ મ્યુઝિકમાં જ જોવા મળે છે પરંતુ મેં વિચાર્યું કે સિતાર પર અમે ગુજરાતી ફૉક મ્યુઝિક શા માટે ન વગાડી શકાય? આ વિચાર સાથે છેલ્લા ત્રણ-ચાર વર્ષોથી પ્રયાસ ચાલુ કર્યા અને તેને લોકો દ્વારા સારો પ્રતિસાદ પણ મળી રહ્યો છે. સિતારવાદન હજી સુધી આટલી હદે લાઈમ-લાઈટમાં નથી. તેની પાછળ બે થી ત્રણ કારણો જવાબદાર છે. જેમાં એક તો સિતારવાદકો ખૂબ ઓછા છે. બીજું, હજી સુધી લોકો સુધી પહોંચી શક્યા નથી અથવા તો એમ પણ કહી શકાય કે લોકો પાશ્ચાત્ય સંગીત અને સંસ્કૃતિથી વધારે પ્રભાવિત છે. અત્યારે આ કલાને વિદેશના લોકો વખાણી રહ્યા છે એટલે એ ફેશન ત્યાંથી પરત આવે પછી ભારતમાં ટ્રેન્ડ બની શકે છે. સિતાર એ એક મુશ્કેલ તાર વાદ્ય છે પણ આ એની તરફ એક દ્રષ્ટિકોણની વાત છે કે તમે આ વાદ્યને કઈ દ્રષ્ટિથી લો છો. કદાચ કોઈએ વિચાર્યું નહીં હોય કે ગુજરાતી ફોક ગીતોને પણ સિતાર ઉપર વગાડી શકાય. આ જ દ્રષ્ટિકોણ બદલું છું અને સિતાર ઉપર ગુજરાતી પરંપરાગત ગીતો વગાડું છું.

ઓસ્ટ્રેલિયામાં નવરાત્રી આયોજનમાં સિતારના સંગીત પર લોકો ગરબા કરતા જોવા મળશે
ઓસ્ટ્રેલિયામાં નવરાત્રી આયોજનમાં સિતારના સંગીત પર લોકો ગરબા કરતા જોવા મળશે

સંગીતને સાધનાના રૂપમાં જુઓ: સિતાર વાદન કરી રહેલા વિદ્યાર્થીઓ માટે તેઓએ જણાવ્યું હતું કે, "સલાહ આપવાની ઉંમર કે લાયકાત તો હું પોતાની ગણતો નથી. પરંતુ અત્યારે એટલું જ કહી શકું કે લોકોને લાગે છે કે હું સીએ કરીશ તો મને વધારે પગાર મળશે અથવા તો એલએલબી કરીશ તો આર્થિક રીતે સારું રહેશે આવી ગ્રંથિ લોકોને પહેલાથી જ હોય છે કે આટલું ભણવાથી મને આ નોકરી મળશે. શાસ્ત્રીય સંગીત એવી વસ્તુ છે કે તમે તેને સાધનાના રૂપમાં જુઓ. તમે પહેલા સાધના સારી રીતે કરો. કોઈપણ વાદ્ય યંત્ર વગાડવાથી મને આટલી ઇન્કમ થશે અથવા તો સ્ટેજ મળશે એવી સ્ટેજની જે ભૂખ છે એ નહીં રાખો અને માત્ર સાધના કરો. આપોઆપ મા સરસ્વતી કૃપા કરશે અને લક્ષ્મીજી ના આશીર્વાદ વરસશે.

સુરતના સિતારવાદક ભગીરથ ભટ્ટ આ કળાને રજૂ કરશે
સુરતના સિતારવાદક ભગીરથ ભટ્ટ આ કળાને રજૂ કરશે

માત્ર 14 વર્ષમાં રાષ્ટ્રીય સ્તરે સિતારવાદન : પોતાના જીવનના ટર્નિંગ પોઈન્ટ અંગે તેઓએ જણાવ્યું હતું કે હું નાનપણથી જ રિયાઝ કરી રહ્યો છું. મારી માટે નાની વાહ વાહ પણ મોટીવેશનલ બાબત છે. હું લગભગ 14 વર્ષનો હતો. ત્યારે યુથ ફેસ્ટિવલ યોજાયો હતો. ત્યારે હું ગુજરાતમાં બીજા ક્રમે આવ્યો હતો. આગળ જતાં હું ભારતની અંદર પ્રથમ ક્રમે આવ્યો હતો. એ દિવસ મારા માટે ટર્નિંગ પોઇન્ટ હતો કારણ કે જે સિતારવાદક પ્રથમ ક્રમે આવ્યા હતા, તેઓની ઉંમર 35 વર્ષ હતી અને હું 14 વર્ષનો હતો. ત્યારે મને લાગ્યું કે જો હું સિતારવાદનને કરિયર તરીકે લઉં તો પણ ખોટું નથી.

બોલિવૂડ અને હોલિવૂડમાં દબદબો: ભગીરથ ભટ્ટ નાનપણથી રિયાઝ કરતા આવ્યા છે. આઠ વર્ષના હતા ત્યારથી જ તેઓ ગાયન અને તબલા વાદન કરતા હતા. આ માટે તેઓ મુંબઈ અને પુને પણ ગયા હતા. પોતાના પિતા પંકજભાઈ ભટ્ટ પાસેથી તેઓ આ કળા શીખ્યા છે. એટલું જ નહીં તેઓ બોલિવૂડમાં પણ અનેક માસ્ટર પીસ આપી ચૂક્યા છે. બોલીવુડની વાત કરવામાં આવે તો તેઓ પદ્માવતી, રોબર્ટ 2.0, હમ દો હમારે દો, એક થા વિલન, મલાલમાં પોતાની કળા બતાવી ચૂક્યા છે. બોલીવુડ જ નહીં તેઓએ હોલિવૂડમાં પણ અમેરિકન ગાંધી, બેન્ડિક્સ, કોટા ફેક્ટરી ,ગુલક, હીરા મંડીમાં સિતાર વાદન કરી વિશ્વને અચંબિત કરી ચૂક્યા છે! એટલું જ નહીં તેઓ ઇન્ડિયન આઇડલ, એમટીવી સુપર સ્ટાર, કોક સ્ટુડિયોમાં પણ પરફોર્મ કરી ચૂક્યા છે. તેઓએ એ.આર રહેમાન, સોનુ નિગમ ,અમિત ત્રિવેદી, અરિજિત સિંગ, શંકર મહાદેવન, શ્રેયા ઘોષાલ સાથે પણ કામ કર્યું છે.

  1. Junagadh News : શાસ્ત્રીય સંગીત તેના મુશ્કેલ સમયમાંથી થઈ રહ્યું છે - યુવા કલાકાર
  2. Bhavnagar News: સેકન્ડ ઈનિંગ્સ હોમમાં ગુંજ્યુ, આપણે તો કહીએ કે દરિયા શી મોજમાં ને ઉપરથી કુદરતની રહેમ છે
Last Updated :Aug 16, 2023, 2:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.