ETV Bharat / state

Panchmahal Four Children Death : ઘોઘંબા તાલુકામાં ગજાપુરા ગામના ચાર બાળકોનું આકસ્મિક મોત, સમગ્ર ગામ હિબકે ચડ્યું

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 26, 2023, 6:53 PM IST

Panchmahal Four Children Death
Panchmahal Four Children Death

પંચમહાલ જિલ્લામાં એક કરુણ બનાવ બન્યો છે. ઘોઘંબા તાલુકામાં ગજાપુરા ગામના ચાર માસૂમ બાળકોનું ખાડામાં ડૂબવાથી મોત થયું છે. ત્યારે એક જ ગામના ચાર બાળકોનું મોત થતા મૃતકોના પરિવાર સહિત સમગ્ર ગામમાં ઘેરા શોકની કાલીમા છવાઈ છે. આમાંથી બે બાળકો તો પરિવારના એકના એક પુત્ર હતા. જોકે, બનાવ કેવી રીતે બન્યો તે હજી જાણી શકાયું નથી.

ઘોઘંબા તાલુકામાં ગજાપુરા ગામના ચાર બાળકોનું આકસ્મિક મોત

પંચમહાલ : ઘોઘંબા તાલુકાના ગજાપુરા ગામમાં એક દુઃખદ ઘટના બની છે. ગજાપુરા ગામના પુજારા ફળિયામાં રહેતા એક જ કુટુંબના ચાર માસૂમ બાળકોના તળાવ નજીક આવેલા ખાડામાં ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યા છે. ગામના ચાર બાળકોનું મોત થતા પરિવાર અને ગામમાં શોકની કાલીમા છવાઈ ગઈ છે.

કરુણ બનાવ : બનાવની મળતી વિગત મુજબ એક જ ફળિયાના સાત જેટલા બાળકો સાયકલ લઈ રમતા રમતા ગામની નજીક આવેલા તળાવ પાસે પહોંચ્યા હતા. દરમિયાન ત્યાં તળાવ નજીક પાણી પુરવઠા યોજના અંતર્ગત ટાંકી અને સંપ બનાવવાની કામગીરી ચાલી રહી છે. બાળકો નજીકમાં ખોદકામ કરવામાં આવેલા પાણી ભરેલા ખાડા પાસે પહોંચ્યા હતા. એ વેળાએ બાળકો અકસ્માતે પાણી ભરેલા ખાડામાં પડ્યા અથવા સ્નાન કરવાના પ્રયાસના ભાગરૂપે પાણીમાં ગયા હતા. જેનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. પરંતુ એક સાથે ચાર બાળકો આ ખાડાના પાણીમાં ડૂબ્યા હતા.

ચાર બાળકના મોત : આ ઘટના સમયે સ્થળ ઉપર ઉપસ્થિત ત્રણ બાળકોએ બૂમરાણ મચાવવા સાથે જ તેઓ પોતાના ફળિયામાં દોડી ગયા હતા. ત્યાં હાજર લોકોને ચાર બાળક તળાવ નજીક ખાડામાં ડૂબ્યા અંગેની જાણ કરી હતી. જેથી ડૂબી ગયેલા બાળકોના સ્વજનોનો સહિત સ્થાનિક લોકો તળાવ ખાતે દોડી આવ્યા હતા. સ્થાનિક તરવૈયાઓએ તાત્કાલિક ભારે જહેમત બાદ ખાડામાં ડૂબી ગયેલા ચારેય માસુમ બાળકોને પાણીમાંથી બહાર કાઢ્યા હતા. પરંતુ બાળકોને ખાડામાંથી બહાર કાઢ્યા તે પૂર્વે જ તેઓનો જીવ જતો રહ્યો હતો.

પરિવારોનું હૈયાફાટ રૂદન : કાલોલ ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણના નિવાસસ્થાન નજીકના ગામમાં જ ઘટના બની હોવાથી આ બનાવની જાણ થતા જ તેઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ઘટના બાદ 108 સહિતને જાણ કરી સ્થળ ઉપર સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી. પરંતુ પાણીમાંથી બહાર કાઢવામાં આવેલા ચારેય માસૂમ બાળકોના મૃત્યુ થયું હોવાનું જાણ થતા જ પરિવારોના હૈયાફાટ રૂદનથી સમગ્ર વાતાવરણમાં આક્રંદ છવાઈ ગયો હતો.

બે પરિવારનો કુળ દીપક ઓલવાયો : ગજાપુરા ગામના પુજારા ફળિયામાં રહેતા એક જ કુટુંબના ચાર માસૂમ બાળકોના ડૂબી જવાથી અકાળે મોતને ભેટ્યા છે. જે પૈકી બે બાળકો તેઓના પરિવારના એક જ સંતાન હોવાથી તેઓના પરિવારનો કુળ દીપક ઓલવાઈ ગયો છે. બનાવની જાણ શાળામાં ભણતા વિદ્યાર્થી મિત્રો અને શિક્ષકોને થતા તેઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, એક જ સંતાનના પિતાનો એકનો એક લાડકવાયો પુત્ર હાલ ડૂબી જવાથી મૃત્યુ પામ્યો છે. તેઓ સેન્ટીંગ કામ અર્થે હાલ આફ્રિકા ગયેલા છે.

અકસ્માત કે બેદરકારી ? ગજાપુરા ગામે પાણી પુરવઠા યોજનાની સંપ અને ટાંકીની ચાલી રહેલી કામગીરી નજીકના દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં તળાવની સાઈડમાં એક ખાડો ખોદવામાં આવ્યો છે. આ ઉપરાંત તળાવની પાળમાંથી પણ માટી લઈ આજુબાજુના ભાગે પુરાણ કરવામાં આવેલું જોવા મળી રહ્યું છે. અહીં કોન્ટ્રાક્ટર દ્વારા હાલ કામગીરી કાર્યરત હોવા છતાં કોઈપણ પ્રકારનું સૂચક બોર્ડ, બેરિકેટિંગ કે આડશ ઊભી કરવામાં આવી હોવાનું જોવા નથી મળી રહ્યું. ત્યારે અહીં જવાબદાર કોન્ટ્રાક્ટરની પણ પ્રાથમિક દ્રષ્ટિએ બેદરકારી હોવાના ચર્ચા જોવા મળી હતી. જોકે આ સમગ્ર ઘટના અકસ્માતે બની છે. પરંતુ ક્યાંકને ક્યાંક બેદરકારી સમજો કે કુદરતી ઘટના પરંતુ ચાર માતા-પિતાએ હાલ તેઓના લાડકવાયા સંતાન ગુમાવતા આખું પુજારા ફળિયું અને ગજાપુરા ગામ હિબકે ચડ્યું છે.

  1. Electrocuted to Death: સુરતમાં ગણપતિના મંડપમાં આરતી કરતાં 13 વર્ષીય કિશોરને કરંટ લાગતા મોત
  2. Panchmahal Crime News : સાધુના વેશમાં હેવાન, સંતાનની લાલચ આપી મહિલા સાથે દુષ્કર્મ આચર્યું
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.