ETV Bharat / state

મોટાભાઈનું મૃત્યુ થયું હોવા છતાં PSI જાદવે પોતાની ફરજને પ્રાધાન્ય આપ્યું, મુખ્યપ્રધાને કરી પ્રશંસા

author img

By

Published : Mar 26, 2020, 6:55 PM IST

મોટાભાઇનું મૃત્યુ થયા બાદ તેમની અંતિમ વિધિ ગણતરીના કલાકોમાં આટોપી ફરજ પર હાજર થનારા પીએસઆઇની ફરજનિષ્ઠાને મુખ્યપ્રધાન અને ગૃહપ્રધાને બિરદાવી હતી.

a
ફરજનિષ્ઠ પીએસઆઈને બિરદાવતા મુખ્ય પ્રધાન

દાહોદઃ કોરોના વાઈરસના સંકટને પગલે સમગ્ર ગુજરાતમાં લાગુ કરવામાં આવેલા લૉકડાઉનમાં દિનરાત જોયા વિના ફરજ પર રહેલા પોલીસ જવાનોની કર્તવ્યનિષ્ઠાનો પ્રેરણાદાયક એક કિસ્સો દાહોદ જિલ્લા પોલીસ તંત્રમાં બન્યો છે. ગરબાડા પોલીસ મથકમાં PSI તરીકે ફરજ બજાવતા પી. કે. જાદવે પોતાના સગા મોટાભાઇના મૃત્યુ બાદ તેની અંતિમવિધિ આટોપી ત્વરીત ફરજ ઉપર હાજર થઇ ગયા છે. તેમની આ ફરજનિષ્ઠાને ધ્યાને લઇ મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણી અને ગૃહરાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ આ PSIને ફોન કરી સાંત્વના આપી હતી અને તેમની ફરજ પ્રત્યેની નિષ્ઠાને બિરદાવી હત

ગરબાડા પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટર પી. કે. જાદવના મોટાભાઇ હરદેવસિંહ કરણસિંહ જાદવનું અમદાવાદ ખાતે 63 વર્ષની ઉંમરે અવસાન થયું. તેઓ ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમના નિવૃત કર્મચારી હતા. તેમના અવસાનના સમાચાર મળતા જ પી. કે. જાદવ હતપ્રભ થઇ ગયા હતા. સ્વજનનું અવસાન હંમેશા દુઃખદાયક જ હોય છે.

a
ફરજનિષ્ઠ પીએસઆઈને બિરદાવતા મુખ્ય પ્રધાન


પરંતુ લૉકડાઉનમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવાની ફરજ નિભાવવાની નૈતિકતા સમજી તેઓ ગણતરીના કલાકોમાં અમદાવાદ પહોંચ્યા અને ત્યાં જઇ ભાઇની અંત્યેષ્ઠિ ક્રિયા આટોપીને એક ઘડીનો વિલંબ કર્યા વિના ફરી ગરબાડા પોતાની ફરજ ઉપર હાજર થઇ ગયા હતા. પીએસઆઇ જાદવે જો ધાર્યું હોત તો તેમણે આ બાબતને ધ્યાને લઇ રજા મળી શકે એમ હતી. પણ, તેમણે પોતાની ફરજને ધ્યાને લઇ જનસુરક્ષાના કાર્યને અગ્રીમતા આપી અને ફરજ ઉપર હાજર થઇ ગયા.

આ બાબતની નોંધ લઇ સમગ્ર દાહોદ જિલ્લા પોલીસ તંત્ર વતી જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસરે તેમને મોટાભાઇના મૃત્યુ બદલ સાંત્વના આપી હતી અને ફરજનિષ્ઠાને બિરદાવી હતી. આટલું જ નહીં, આ વાતની ખબર પડતા જ ગૃહરાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ બુધવારે સાંજના સમયે પી. કે. જાદવને ફોન ફરી દિલસોજી વ્યક્ત કરી હતી અને કર્તવ્યનિષ્ઠાની પ્રશંસા કરી હતી.

એવામાં મુખ્ય પ્રધાન વિજયભાઇ રૂપાણી પોતે ગુરુવારે સવારે જાદવને ફોન કર્યો હતો. તેમણે પણ, અવસાન બદલ સાંત્વના પાઠવી હતી. મુખ્યપ્રધાન એ પણ તેમની ફરજ પ્રત્યેની નિષ્ઠાને બિરદાવી હતી. એક કર્મચારીને ખુદ મુખ્યપ્રધાન બિરદાવે તેથી વિશેષ ઉપલબ્ધિ શું હોઇ શકે?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.