ETV Bharat / state

Navsari Leopard Attack : ચીખલી પંથકમાં વધુ એક દીપડાનો હુમલો, વાહનચાલક સાથે ટક્કર થતાં દીપડો વિફર્યો

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 19, 2023, 10:39 PM IST

Navsari Leopard Attack
Navsari Leopard Attack

નવસારી જિલ્લાના ચીખલી પંથકમાં ફડવેલ ગામમાં બાઈકસવાર અને દીપડાનો રસ્તાની વચ્ચોવચ ભેટો થયો હતો. બાઈક જોડે ટક્કર થતાં ગભરાયેલો દીપડો વાહનચાલકને પંજો મારી ભાગી છૂટ્યો હતો. ઈજાગ્રસ્ત બાઈકસવારને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. વન વિભાગને સમગ્ર ઘટનાની જાણ થતા દીપડાને પકડવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે.

ચીખલી પંથકમાં વધુ એક દીપડાનો હુમલો

નવસારી : છેલ્લા એક સપ્તાહમાં ચીખલી પંથકમાં દીપડાના હુમલાની ઘટના સામે આવી રહી છે. જેમાં દીપડા દ્વારા 24 વર્ષીય યુવતી પર હુમલો કરતા યુવતીનું મોત નીપજ્યું હતું. તો બીજી તરફ દીપડાએ સ્થાનિક વિસ્તારમાં આવી વાછરડીનું પણ મારણ કર્યું હતું. જેથી ચીખલી પંથકમાં ભયનો માહોલ છવાયો છે. આવો જ દીપડાના હુમલાનો વધુ એક બનાવ સામે આવ્યો છે.

દીપડાનો હુમલો : ચીખલી તાલુકાના ફડવેલ ગામમાં વીજ કર્મચારી પોતાના કામ અર્થે જઈ રહ્યા હતા. તે દરમિયાન રસ્તાની વચ્ચોવચ બાઈકસવાર અને દીપડાનો ભેટો થયો હતો. જેમાં અચાનક રસ્તા પર આવી ચડેલા દીપડાની બાઇકસવાર જોડે ટક્કર થતાં ગભરાયેલો દીપડો વાહનચાલકને પંજો મારી ભાગી છૂટ્યો હતો. જેમાં બાઈકસવારને ગંભીર ઇજાઓ પહોંચતા તેને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

વન વિભાગની કાર્યવાહી : આ ઘટનાની જાણ વન વિભાગને કરવામાં આવી હતી. વન વિભાગ દ્વારા ગણતરીના સમયમાં જ પાંજરું મૂકી દીપડાને પાંજરે પુરવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે. પરંતુ ચીખલી પંથકમાં છેલ્લા એક અઠવાડિયામાં દીપડાના હુમલાઓ વધતા સ્થાનિકો વન વિભાગ દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. ઉલ્લેખનિય છે કે, નવસારી જિલ્લાના વિવિધ વિસ્તારમાં દીપડા અને મનુષ્યનો ઘણીવાર આમનો સામનો પણ થઈ જતો હોય છે. તેથી દીપડા રાત્રી દરમિયાન માનવવસ્તી તરફ પણ આવી ચડતા હોય છે. જ્યાં પાલતુ પશુઓનો શિકાર પણ કરતા હોય છે.

પડવેલ ગામમાં દીપડો રસ્તો ઓળંગતો હતો ત્યારે ત્યાંથી પસાર થતા વાહનચાલક જોડે દીપડાની ટક્કર થતાં દીપડાએ વાહનચાલકને સામાન્ય નખ માર્યા હતા, પરંતુ દીપડા દ્વારા હુમલો કરવામાં આવ્યો નથી. -- આકાશ પડસાલા (RFO, ચીખલી)

તંત્રની કામગીરી પર આક્ષેપ : સમગ્ર ઘટનાને પગલે કોંગ્રેસ અગ્રણી શૈલેષ પટેલે જણાવ્યું હતું કે, હાલમાં છેલ્લા એક સપ્તાહમાં દીપડાના હુમલામાં વધારો થયો છે. જેમાં એક મોત પણ થયું છે. જેને લઈને ચીખલી પંથકમાં ભયનું વાતાવરણ ઊભું થયું છે. જ્યારે વન વિભાગ દીપડાને પકડવા માટે ખાલી પાંજરા મૂકી પોતાની કામગીરી બતાવી રહી છે, પરંતુ વન વિભાગ દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી.

વન વિભાગ દીપડાને પકડવા માટે ખાલી પાંજરા મૂકી પોતાની કામગીરી બતાવી રહી છે, પરંતુ વન વિભાગ દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી. -- શૈલેષ પટેલ (કોંગ્રેસ અગ્રણી)

નવસારીની ભૌગોલિક સ્થિતિ : નવસારી જિલ્લાનો ચીખલી અને વાંસદા તાલુકો જંગલ વિસ્તારથી ભરપૂર છે. આ વિસ્તારમાં સમયાંતરે હિંસક પશુઓ ગ્રામ્ય વિસ્તાર અથવા જાહેર માર્ગો પર લટાર મારતા હોય છે. ઉપરાંત આવા દ્રશ્યો સમાંતરે કેમેરામાં કેદ થતા હોય છે. હાલ જંગલોના નિકંદનને કારણે વન્યજીવો પોતાનું અસ્તિત્વ ટકાવવા અને ખોરાકની શોધમાં માનવ વસ્તી તરફ આગળ વધી રહ્યા છે.

દીપડા માટે માફક વિસ્તાર : નવસારી જિલ્લાને અડીને આવેલા ડાંગ જિલ્લામાં વિશાળ જંગલ વિસ્તાર છે, પરંતુ પાણી અને ખોરાકના અભાવે ત્યાંથી દીપડા જેવા હિંસક પ્રાણીઓને નવસારીના પૂર્વ પટ્ટીના વાંસદા અને ચીખલી જેવા વિસ્તાર માફક આવી રહ્યા છે. કારણ કે અહીં ખેડૂતો મોટા પ્રમાણમાં શેરડીની ખેતી કરતા હોય છે, જે દીપડાને આશ્રયસ્થાન માટે માફક આવી ગયો છે. તો બીજી તરફ ખેતરમાં વસતા ભૂંડ અને રખડતા શ્વાન શિકાર રૂપે અને પાણી જેવી જરૂરિયાતો અહીં ઉપલબ્ધ થતી હોય છે.

  1. Navsari Python Rescue : વાંસદાના શિંધય ગામમાં ઘૂસ્યો મહાકાય અજગર, ધારાસભ્ય અનંત પટેલે કર્યું રેસ્ક્યુ
  2. Leopard attack: નવસારીના ચીખલીના ઘેજ ગામે દીપડાએ વાછરડા પર કર્યો હુમલો, લોકોમાં ભય
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.