ETV Bharat / state

કચ્છના મુન્દ્રા પોર્ટમાં ટેલ્કમ પાવડરની આડમાં લવાતું અધધ 2,500 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું

author img

By

Published : Sep 16, 2021, 8:21 AM IST

Updated : Sep 16, 2021, 9:37 AM IST

કચ્છ જિલ્લામાં અવારનવાર દરિયાઈ માર્ગે કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાતું હોય છે. ત્યારે હાલમાં જ મુન્દ્રા પોર્ટ પર ટેલ્કમ પાવડરની આડમાં અંદાજિત 2,500 કરોડ રૂપિયાનો ડ્રગ્સનો જથ્થો પકડાયો હોવાનું સામે આવ્યું છે. અત્યારે DRIની ટીમે તપાસ હાથ ધરી છે.

કચ્છ
કચ્છ

  • કચ્છ જિલ્લાના મુન્દ્રા પોર્ટ પર ટેલ્કમ પાવડરની આડમાં લવાતું ડ્રગ્સ ઝડપાયું
  • ટેલ્કમ પાવડરની આડમાં 2,500 કરોડ રૂપિયાના ડ્રગ્સનો જથ્થો પકડાયો
  • કચ્છ જિલ્લામાં અવારનવાર દરિયાઈ માર્ગે કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાતું હોય
  • મુન્દ્રા પોર્ટ પર DRIની ટીમ દ્વારા ડ્રગ્સ આયાત થયાની બાતમીના આધારે ટીમે 2 કન્ટેનર રોકીને કરી તપાસ

કચ્છઃ જિલ્લામાં આગાઉ અવારનવાર દરિયાઈ માર્ગે કરોડો રૂપિયાના ડ્રગ્સ મળી આવ્યા છે. ત્યારે હાલમાં મુન્દ્રા પોર્ટ પર ટેલ્કમ પાવડરની આડમાં અંદાજિત 2,500 કરોડના ડ્રગ્સનો જથ્થો પકડાયો હોવાનું બહાર આવ્યું છે. DRIની ટીમે મુન્દ્રા પોર્ટ પર સંભવિત ગલ્ફ દેશોથી આવેલા 2 કન્ટેનરને રોકી તેના કાર્ગોની વધારે તપાસ હાથ ધરી હતી, જેમાંથી એક કન્ટેનરમાંથી હજારો કરોડનું અફઘાન હેરોઈન ઝડપાતાં ભારે ખળભળાટ થયો છે અને હાલમાં DRI દ્વારા વધારે તપાસ હાથ ધરાઇ છે.

આ પણ વાંચો- Md ડ્રગ્સ લીધા બાદ યુવકનું મૃત્યુ, દીકરાના મૃત્યુનું રહસ્ય જાણવા પરિવાર ખાઈ રહ્યું છે પોલીસ સ્ટેશનના ધક્કા

રાત સુધી આ તપાસનો સીલસીલો ચાલુ રહ્યો

જિલ્લાના મુન્દ્રા પોર્ટ પર ડિરેક્ટોરેટ ઓફ રેવન્યૂ ઈન્ટેલિજન્સની ટીમે ડ્રગ્સ આયાત થયાની બાતમીના આધારે, 2 કન્ટેનર રોકીને તપાસ હાથ ધરી હતી, જેમાં ટેલ્કમ પાઉડરની આડમાં કચ્છના મુંદરા બંદરે હજારો કરોડો રૂપિયાની કિંમતના હેરોઈનનો જંગી જથ્થો ઝડપાયો હોવાનું બહાર આવ્યું છે. સવારથી ચાલેલી આ તપાસમાં અત્યાર સુધીમાં એક કન્ટેનરમાંથી હજારો કરોડનું અફઘાન હેરોઈન ઝડપાતાં ખળભળાટ મચ્યો છે.

આ પણ વાંચો- અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયું 4 કિલો કોકેઇન ડ્રગ્સ, જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત 20 કરોડ

હેરોઈનની કિંમત હજી પણ વધી શકે છે: સૂત્રો

DRIના સત્તાવાર સૂત્રોએ ચોક્કસ આંકડો જણાવવાના બદલે આંતરરાષ્ટ્રીય માર્કેટ પ્રાઈસ મુજબ, હેરોઈનની કિંમતનો આંકડો ખૂબ મોટો હોવાનો નિર્દેશ આપ્યો છે. આંકડો હજી પણ વધી શકે છે. આ ઉપરાંત હજી તપાસ ચાલુ છે. ત્યારે વધારે જથ્થો બહાર આવી શકે છે અને સંભવિત અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રગ્સનો જથ્થો પકડાયાનો કિસ્સો બની શકે છે.

કન્ટેનરમાંથી 38 બેગ ભરીને હેરોઈન મળ્યું

આ મળતી પ્રાથમિક માહતી મુજબ, આંધ્ર પ્રદેશના વિજયવાડાની એક પેઢીએ કસ્ટમના ચોપડે ટેલ્કમ પાઉડરનો કાર્ગો જિક્લેર કર્યો હતો, જે ઈરાનના બંદર પરથી લોડ થયો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ, અમદાવાદ-રાજકોટની એફએસએલ ટીમોએ સ્થળ તપાસમાં હેરોઈન હોવાનું પ્રાથમિક તારણ આપ્યું છે. કન્ટેઈનરમાંથી 38 બેગ ભરીને હેરોઈન મળ્યું છે. આ હેરોઈન અફઘાનિસ્તાનનું હોવાનું અને કંધારની હસન હુસેન નામની કંપનીનું માલ હોવાનું બહાર આવ્યું છે.

આ પ્રકરણમાં DRI અને NCB દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ છે

ઉલ્લેખનીય છે કે હાલમાં DRI દ્વારા આ ઘટનામાં આરોપીઓને સંકજામાં લેવાના આશયથી ભારે ગુપ્તતા સાથે પૂરજોશમાં તપાસ ચાલી રહી હોવાનું જાણવા મળી છે. આ પ્રકરણમાં DRI અને NCB દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આથી આગામી સમયમાં આ પ્રકરણમાં કોની સંડોવણી છે. તે બહાર આવી શકે છે. આ ઉપરાંત છેલ્લાં કેટલાક સમયથી ભારતીય જળ સીમાએ સુરક્ષા વ્યવસ્થા સઘન થયા બાદ આ રીતે પોર્ટ પર ગેરકાયદે હેરોઈન ઘૂસાડવાનો પ્રયત્ન કરાયો છે તેવી ચર્ચા પણ થઈ રહી છે.

Last Updated : Sep 16, 2021, 9:37 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.