ETV Bharat / state

ખેડામાં એલસીબીએ હત્યાનો ભેદ ઉકેલી ત્રણ આરોપીઓને ઝડપી પાડયા

author img

By

Published : Jan 20, 2021, 8:22 AM IST

ખેડા જીલ્લાના ઠાસરા તાલુકાના ડાભસર પાસે કેનાલમાંથી ગાડી સાથે એક ઈસમનો મૃતદેહ મળી આવ્યો હતો. જે મામલામાં હત્યા થઈ હોવાનું ખુલતા ખેડા એલસીબી દ્વારા ગણતરીના કલાકોમાં હત્યાનો ભેદ ઉકેલી ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.

kheda
kheda

  • ખેડા પોલીસે બાકી ઉઘરાણીને થયેલી હત્યાનો ભેદ ઉકેલ્યો
  • પોલીસે ત્રણ આરોપીઓની કરી ધરપકડ
  • માથામાં ફટકા મારી કેનાલમાં ફેંકી આરોપીઓ ભાગી ગયા હતા

ખેડાઃ ગળતેશ્વર તાલુકાના સેવાલિયામાં રહેતા ઈલ્યાસભાઈ શેખનો મૃતદેહ 12 જાન્યુઆરીના રોજ ઠાસરાના ડાભસર પાસેથી પસાર થતી શેઢી કેનાલમાંથી મળી આવ્યો હતો. સેવાલિયા પોલીસ સ્ટેશનમાં ઇલ્યાસ ભાઈના ગુમ થવા બાબતની ફરિયાદ નોંધાઈ હતી. જેમનો મૃતદેહ મળતા ઠાસરા પોલીસ દ્વારા સેવાલિયા પોલીસને જાણ કરતા પરિવારજનોએ પહોંચી મૃતદેહની ઓળખ કરી હતી. જેમાં માથાના ભાગે ઈજા પહોંચાડી હત્યા થઈ હોવાનું ખુલતા ઠાસરા પોલીસ દ્વારા હત્યાનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવી હતી.

હત્યાના મામલામાં ખેડા એલસીબી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં બાતમીને આધારે શકમંદ નસરૂદ્દીન શેખ,(રહે. રૂસ્તમપુરા,તા-ગળતેશ્વર)ની ધરપકડ કરી તેની પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં તેણે પોતાના સાગરીત હારૂન શેખ અને રોહિત પરમાર સાથે મળીને હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. ત્યાર બાદ પોલીસે બંને સાગરીતોની પણ ધરપકડ કરી હતી.

બાકી ઉઘરાણીને લઈ કરાઈ હત્યા

પોલીસની સઘન પૂછપરછમાં જાણવા મળ્યું કે ઈલ્યાસભાઈ ગાડી લે વેચનો ધંધો કરતા હતા. નસરૂદ્દીનને ગેરેજનો ધંધો હોવાથી બંને વચ્ચે મિત્રતા કેળવાઈ હતી. ઈલ્યાસે વેગન આર ગાડીના સોદાના વીસ હજાર રૂપિયા નસરૂદ્દીનને આપવાના બાકી હતા. જે અંગે ઉઘરાણી કરવા છતાં આપતો ન હોવાથી નસરૂદ્દીને પોતાના સાગરિતો સાથે મળી ઇલ્યાસને માર મારવાની બીક બતાવવાનું નક્કી કર્યુ હતું.

માથામાં ફટકા મારી કેનાલમાં ફેંકી આરોપીઓ ભાગી ગયા હતા

નક્કી કર્યા મુજબ 11 જાન્યુઆરીએ ગાડી બતાવવાનું બહાનું બનાવી ઈલ્યાસને ડાભસર કેનાલ પર બોલાવ્યો હતો.જ્યાં બાકી રૂપિયાની ઉઘરાણી કરતા બોલાચાલી થતાં નસરૂદ્દીને ઈલ્યાસને બાઇકના જમ્પરની પાઈપ માથામાં મારી હતી. બાદમાં તે પડી જતાં રોહિતે બીજો ફટકો માથામાં મારતા ઈલ્યાસ બેભાન થઈ જતાં તેના ખિસ્સામાંથી મોબાઈલ અને પાંત્રીસ હજાર રૂપિયા કાઢી તેને કેનાલમાં ફેંકી દીધો હતો. બાદમાં ગાડીને કેનાલમાં ધક્કો મારી ત્રણે ભાગી ગયા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.