ETV Bharat / state

Lion Death On Railway track : રેલવે ટ્રેક પર સિંહના અકાળે મોત વધ્યા, પૂર્વ વન અધિકારીઓએ આપ્યા અભિપ્રાય

author img

By

Published : Aug 4, 2023, 8:02 PM IST

જંગલ વિસ્તારમાંથી પસાર થતા રેલવે ટ્રેક પર અવારનવાર જંગલી પ્રાણીઓના મૃતદેહ મળતા હોય છે. જેમાં મુખ્યત્વે સિંહના કિસ્સાઓ વધુ છે. એક સમયે વન વિભાગ દ્વારા આવા વિસ્તારમાં ફેન્સીંગ કરવામાં આવી હતી. તેમ છતાં હજુ પણ સિંહોના અકાળે મોતના બનાવ બનતા રહે છે. ત્યારે વન વિભાગના પૂર્વ અધિકારીઓએ આ સમસ્યા અંગે પોતાના અભિપ્રાય રજૂ કર્યા હતા. સિંહના અકાળે થતા મોત રોકવાના કોઈ ઉપાય છે ખરાં ?, જાણો આ ખાસ અહેવાલમાં...

Lion Death On Railway track
Lion Death On Railway track

રેલવે ટ્રેક પર સિંહના અકાળે મોત વધ્યા

જુનાગઢ : ફરી એક વખત ગીર પૂર્વના રેલવે માર્ગ સિંહો માટે મોતના માર્ગ બની રહ્યો છે. પાછલા પંદર દિવસ દરમિયાન રેલવે ટ્રેક પર થયેલા અકસ્માતમાં એક સિંહની સાથે સિંહ બાળનું મોત થયું છે. તો અન્ય બે સિંહને ખૂબ જ ગંભીર ઈજાઓ થવા પામી હતી. ત્યારે રેલ્વે ટ્રેક પર થતા સિંહોના અકસ્માત અને અકાળે મોતને અટકાવવા માટે ચેન લિંક ખૂબ જ મહત્વની સાબિત થઈ શકે છે. આ પ્રકારનો અભિપ્રાય ગીર જંગલમાં 60 વર્ષ સુધી સેવા આપી નિવૃત્ત થયેલા વન વિભાગના પૂર્વ અધિકારીઓ જણાવી રહ્યા છે. વધુમાં ચેન લિંક પ્રોજેક્ટ રેલવે વિભાગને સોંપવામાં આવે તો તેની અમલવારી અને પ્રોજેક્ટની અસરકારકતાને ખૂબ જ સચોટ રીતે લાગુ કરી શકાય છે. તેવો અભિપ્રાય વન વિભાગના પૂર્વ અધિકારીઓએ આપ્યો છે.

ચેન લિંક પ્રોજેક્ટ : પાછલા પંદર દિવસ દરમિયાન ગીર પૂર્વના રેલવે માર્ગ પર ટ્રેનની અડફેટે આવી જતા એક પુખ્ત સિંહનું મોત થયું છે. તો સાવરકુંડલા નજીક અન્ય એક સિંહ બાળ રેલવે ટ્રેક પર મોતને ભેટ્યા છે. અકસ્માતમાં અન્ય બે સિંહો ખૂબ જ ગંભીર રીતે ઘાયલ થયા હતા. જેને લઇને વન વિભાગ પણ હવે હરકતમાં આવ્યું છે. ઉચ્ચ અધિકારીઓએ તાકીદની બેઠક બોલાવીને સિંહના રેલવે માર્ગ પર થઈ રહેલા મોતને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. સિંહોના રેલવે અકસ્માત પર કેવી રીતે નિયંત્રણ લાવી શકાય તે માટે રેલવે અને વન વિભાગના અધિકારીઓની એક કમિટી પણ બનાવવામાં આવી છે. તાકીદની અસરથી સિંહના વિસ્તારમાંથી પસાર થતી રેલવેની ગતિ મર્યાદા ખૂબ જ નિયંત્રિત કરવાનો આદેશ પણ કરી દીધો છે. તેમ છતાં સિંહ હજુ પણ રેલવે અકસ્માતનો ભોગ બની રહ્યા છે. જે ખૂબ ચિંતાનો વિષય છે.

પૂર્વ વન અધિકારીઓએ આપ્યા અભિપ્રાય
પૂર્વ વન અધિકારીઓએ આપ્યા અભિપ્રાય

20 સિંહના મોત : પાછલા પાંચ વર્ષમાં 20 કરતાં વધુ સિંહોના મોત રેલવે ટ્રેક પર અકસ્માતને કારણે થયા છે. ઉનાથી લઈને સાવરકુંડલા સુધીનો આ માર્ગ સિંહો માટે મોતનો માર્ગ બની રહ્યો હતો. ત્યારબાદ પીપાવાવથી લઈને રાજુલા સુધીના માર્ગ પર વન વિભાગ દ્વારા રેલવે ફેન્સીંગ બનાવવામાં આવી હતી. જે કેટલીક અંશે સિંહના અકસ્માતને રોકવામાં સફળ રહી હતી. પરંતુ બે વર્ષ બાદ આ ફેન્સીંગ આજે ખૂબ જ જર્જરિત બની ગઈ છે. જેને કારણે ફરી એક વખત રાજુલાથી લઈને સાવરકુંડલા સુધીના રેલવે માર્ગ પર અકસ્માતની પરંપરા શરૂ થતી જોવા મળે છે. જે વન્યજીવ પ્રેમી અને ખાસ કરીને સિહોની સુરક્ષા માટે સતત પ્રયત્નશીલ અને ચિંતિત બનેલા સિંહ પ્રેમીઓને કોરી ખાય છે.

જે વિસ્તારમાંથી રેલવે ટ્રેક પસાર થાય છે. આવા વિસ્તારમાં વન વિભાગમાં ખૂબ જ સફળતાપૂર્વક કામગીરી કરી શકે છે. સેવા નિવૃત્ત થયેલા વન વિભાગના પૂર્વ કર્મચારીઓ અને અધિકારીઓને કામ સોંપવામાં આવે. તો તેઓની કુનેહ અને સિંહ સાથે તેમની નિકટતા સિંહોને અકસ્માત બાદ અકાળે મોતથી બચાવી શકવામાં ખૂબ જ મદદગાર સાબિત થઈ શકે છે.-- જે.એમ. દાણીધારિયા (પૂર્વ વન અધિકારી)

વન અધિકારીનો દાવો : ગીર વન વિભાગમાં સેવા નિવૃત્ત થયેલા વન વિભાગના પૂર્વ અધિકારી એન. એલ. કોઠીવાલે ETV BHARAT સાથે એક્સક્લુઝિવ વાતચીત કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે, સિંહોના રેલવે ટ્રેક પર થતા મોતને અટકાવવા માટે સિંહોના જે વિસ્તારમાંથી ટ્રેન પસાર થાય છે. તે વિસ્તારમાં ચેન લીક લગાવવામાં આવે તો તેમાં ખૂબ મોટી સફળતા મળી શકે છે. બાકી ટ્રેનોની સ્પીડ ઘટાડવાથી રેલવે ટ્રેક પર થતા સિંહોના અકાળે મોતને અટકાવી શકવામાં સફળતા મળશે નહીં.

ટ્રેક પાસે ફેન્સીંગ : ગીરમાં વાઈલ્ડ લાઈફના પૂર્વ વોર્ડન અને હાલમાં ગીરના જંગલ અને વન્ય પ્રાણીઓ પર ખૂબ જ નિકટતાથી જોડાયેલા ડો. જલ્પન રૂપાપરાએ પણ તેમનો પ્રતિભાવ આપ્યો હતો. તેઓએ જણાવ્યું કે, રેલવે ટ્રેક પર સિંહોના મોત દુઃખદ બાબત છે. પરંતુ તેને અટકાવવી શકાય તે માટે વન વિભાગ અને રેલવેની ટીમો દ્વારા સતત ચિંતન કરવામાં આવી રહ્યું છે. પાછલા કેટલાક વર્ષો દરમિયાન બૃહદ ગીર વિસ્તારમાં સિંહોની વસ્તી સતત વધી રહી છે. વધુમાં આ વિસ્તારમાં કરવામાં આવેલી ફેન્સીંગ પણ તૂટી ગયેલી છે. જેને કારણે સિંહને રેલવે ટ્રેક પર જતા અટકાવી શકવામાં નિષ્ફળતા મળી રહી છે. રેલવે ટ્રેક પર સિંહ ક્યારેય પણ ન જાય તે પ્રકારનું સમાધાન શોધવુ પણ ખૂબ જ મુશ્કેલ છે.

સંયુક્ત પ્રયાસ : મુખ્ય વન સંરક્ષક અનુરાધા શાહુએ સિંહોના મોતને લઈને તેમનો પ્રતિભાવ આપ્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે, પાછલા દિવસો દરમિયાન રેલવે ટ્રેક પર સિંહોના મોતની ઘટના ખૂબ જ ચિંતાજનક છે. રેલવે વિભાગ અને વન વિભાગની સંયુક્ત ટીમ ફરી આ જ પ્રકારના અકસ્માતો ન સર્જાય તે માટે પરામર્શ કરી રહી છે. તાકીદે આદેશથી એન્જિનની ગતિને ખૂબ જ મર્યાદિત કરી દેવામાં આવી છે. તેની સાથે અકસ્માતોને કાયમી ધોરણે નિવારી શકાય તે માટે કમિટી ખૂબ જ ગંભીરતાપૂર્વક વિચારી રહી છે. આવનારા દિવસોમાં કમિટી દ્વારા જે સહમતિથી સૂચનો આવશે તેને રેલવે ટ્રેકની આસપાસ અમલ કરવામાં આવશે. શક્ય હોય ત્યાં સુધી ગીરના સિંહોને સુરક્ષિત રાખી શકાય તે માટેનો પ્રયાસ રેલવે અને વન વિભાગ સંયુક્ત રીતે કરશે.

  1. Amreli News : રાજુલાના ઉચૈયા પીપાવાવ રેલવે ટ્રેક પર 4 સિંહો ટ્રેનની અડફેટે ચડ્યાં, 1 સિંહનું મોત
  2. સિંહોના અકસ્માત ક્યારે અટકશે ? એક બાદ એક થઈ રહ્યા છે સિંહના મોત
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.