ETV Bharat / state

Junagadh News : શ્રાવણમાં શિવનો એક ભાગ જીવને, મિલ્ક બેંક થકી અનેક લોકોને પ્રસાદમાં મળે છે પવિત્ર અને પોષણકારી દૂધ

author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 26, 2023, 7:02 PM IST

જૂનાગઢમાં 10 વર્ષથી શ્રાવણ માસમાં શિવાલયોમાંથી દૂધ એકત્ર કરી જરુરતમંદોને વિતરણ કરતાં શિવભક્તે આ વર્ષે પણ પોતાની સેવા અવિરત રાખી છે. ઓન્લી ઇન્ડિયનના નામે ઓળખાતા સજ્જનને શિવાલયોના વ્યવસ્થાપકો દ્વારા તમામ સહયોગ કરવામાં આવતાં મહાદેવને ચડતું દૂધ મિલ્ક બેંક બની બાળકોના મોંએ જાય છે.

Junagadh News : શ્રાવણમાં શિવનો એક ભાગ જીવને, મિલ્ક બેંક થકી અનેક લોકોને પ્રસાદમાં મળે છે પવિત્ર અને પોષણકારી દૂધ
Junagadh News : શ્રાવણમાં શિવનો એક ભાગ જીવને, મિલ્ક બેંક થકી અનેક લોકોને પ્રસાદમાં મળે છે પવિત્ર અને પોષણકારી દૂધ

સેવા અવિરત

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લામાં પાછલા દસ વર્ષ કરતા વધુ સમયથી અનોખી મિલ્ક બેંક ચાલી રહી છે. શિવ ભક્તો પવિત્ર શ્રાવણ માસમાં શિવલિંગ પર વિવિધ દ્રવ્યો દ્વારા અભિષેક કરવા માટે આવતા હોય છે. જે પૈકી કેટલાક શિવભક્તો દૂધથી મહાદેવ પર અભિષેક કરતા હોય છે. ત્યારે મહાદેવ પર કરવામાં આવેલા દૂધના અભિષેકમાથી કેટલુંક દૂધ બચાવીને શિવભક્તો તેને મિલ્ક બેંકમાં દાનરૂપે આપે છે. ત્યારે જૂનાગઢના શિવાલયોમાં મિલ્ક બેંક મૂકીને ભક્તો દ્વારા આપવામાં આવતા દૂધ એકત્ર કરીને ગરીબ મજૂર બાળકો હોસ્પિટલના દર્દીઓ અને સગર્ભા મહિલાઓને શિવના પ્રસાદ રૂપે આપીને ઓન્લી ઇન્ડિયન અનોખી રીતે શ્રાવણ મહિનામાં શિવ ભક્તિ કરી રહ્યા છે.

દસ વર્ષથી ચાલતી મિલ્ક બેંક : પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે સમગ્ર મહિના દરમિયાન અને પાછલા દસ વર્ષથી જુનાગઢ શહેરમાં અનોખી મિલ્ક બેંક ચાલી રહી છે. ઓન્લી ઇન્ડિયન નામની વ્યક્તિ થોડા વર્ષો પૂર્વે આવેલા ઓહ માય ગોડ ચલચિત્રમાંથી સકારાત્મક પ્રેરણા લઈને શ્રાવણ મહિનામાં મિલ્ક બેંક શરૂ કરવાનું વિચાર કર્યો, જેને આજે દસ વર્ષ કરતા વધુનો સમય વીતી ચૂક્યો છે.

શિવભક્તની અનોખી ભક્તિ
શિવભક્તની અનોખી ભક્તિ

શિવાલયમાં મિલ્ક બેંક : ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ શિવ ભક્ત ઓન્લી ઇન્ડિયન વહેલી સવારે જૂનાગઢ શહેરમાં આવેલા શિવાલયમાં મિલ્ક બેંક મૂકીને દેવાધિદેવ મહાદેવ પર થતા દૂધના અભિષેકમાંથી કેટલોક હિસ્સો શિવભક્તો મંદિરમાં મૂકવામાં આવેલી મિલ્ક બેંકમાં શિવના નામ સાથે અર્પણ કરે છે . તેના થકી આ મિલ્ક બેંકમાં પ્રતિદિન 40થી 50 લીટર જેટલું દૂધ એકત્ર થાય છે. જૂનાગઢ શહેરમાં આવેલા દસ કરતાં વધુ મંદિરોમાં શ્રાવણ માસ દરમિયાન આ પ્રકારની મિલ્ક બેંક સેવા એક મહિના સુધી સતત કાર્યરત જોવા મળે છે. જેમાં મહિના દરમિયાન હજારો લિટર દૂધ એકત્ર થાય છે. આ દૂધ શિવને અભિષેક થયા બાદ મોટેભાગે નષ્ટ થતું હોય છે. પરંતુ પાછલા દસ વર્ષથી મિલ્ક બેંકની સેવા થકી નષ્ટ થતા દૂધને અટકાવી શકવામાં ઓન્લી ઇન્ડિયન નામની વ્યક્તિને સફળતા મળી છે.

ધર્મની આસ્થા જળવાઈ રહે અને જરૂરિયાતમંદ લોકોને શિવના અભિષેક બાદ વધતું દૂધ મળે તે માટે મિલ્ક બેંક શરૂ કરી છે. જેમાં જૂનાગઢના મંદિરોના પૂજારી અને ટ્રસ્ટીઓની સાથે જે શિવભક્તો અભિષેક કરવા માટે મંદિરમાં આવી રહ્યા છે. તેમનો પણ સહકાર મળી રહ્યો છે..ઓન્લી ઇન્ડિયન (શિવભક્ત)

દૂધનું જરૂરિયાતમં લોકોને વિતરણ : સમગ્ર શ્રાવણ માસ દરમિયાન મિલ્ક બેકમાં એકઠું થયેલું દૂધ પ્રતિદિન પાછલા દસ વર્ષથી જરૂરિયાતમંદ લોકોમાં વિતરણ કરાય છે. જેમાં ગરીબ મજૂર કુપોષિત બાળકો હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા દર્દીઓ અને સગર્ભા મહિલાઓને શિવનો ભાગ જીવને અર્પણ કરાય છે. જેના થકી શ્રાવણ મહિનામાં મિલ્ક બેંક જૂનાગઢ શહેર અને જિલ્લામાં ખૂબ જ પ્રતિષ્ઠિત સેવા પણ બની રહે છે. શિવ ભક્તો દ્વારા અભિષેક કરાયેલું દૂધ નષ્ટ થવાની જગ્યા પર હવે જરૂરિયાત મંદ લોકોના ઘર સુધી પહોંચી જાય છે. આનાથી મોટી શિવભક્તિ બીજી કોઈ ન હોઈ શકે તેવો અભિપ્રાય પણ ઓન્લી ઇન્ડિયન આપી રહ્યા છે. અભિષેક બાદ વધેલું દૂધ યોગ્ય અને જરૂરિયાતમંદ સુધી પાછલા દસ વર્ષથી પહોંચી રહ્યું છે. આ પ્રકારની સકારાત્મક વિચાર શ્રેણી સનાતન હિંદુ ધર્મને વધુ મજબૂત બનાવી રહી છે.

ચલચિત્રમાંથી પ્રેરણા પ્રાપ્ત કરી : થોડા વર્ષો પૂર્વે ગુજરાતી કલાકાર પરેશ રાવલ દ્વારા અભિનિત ચલચિત્ર ઓહ માય ગોડ રજુ થયું હતું. આ ચલચિત્રમાં આપણા સમાજ વ્યવસ્થામાં વ્યાપેલી વિવિધ ધાર્મિક અંધશ્રદ્ધા પર ખૂબ જ કટાક્ષની સાથે ભારે પ્રહાર પણ કરવામાં આવ્યા હતા. ચલચિત્રમાંથી કેટલાક લોકો સારી પ્રેરણા મેળવીને વિવિધ ધાર્મિક અંધ શ્રદ્ધામાંથી મુક્તિ મેળવવાનો પ્રયાસ પણ કર્યો હતો. જે ખરેખર સરાહનીય છે. શહેરમાં ઓન્લી ઇન્ડિયનના નામથી ઓળખાતા વ્યક્તિએ શ્રાવણ માસ દરમિયાન જૂનાગઢના વિવિધ શિવાલયોમાંથી દૂધ એકત્ર કરીને તેને યોગ્ય સ્થાને પહોંચાડીને શ્રાવણ માસમાં અનોખી કહી શકાય તેવી શિવ ભક્તિ પાછલા દસ વર્ષથી કરી રહ્યા છે.

વર્ષભર મિલ્ક બેંક ચલાવવાનો છે વિચાર : ઓન્લી ઇન્ડિયન પાછલા દસ વર્ષ કરતાં વધુ સમયથી વહેલી સવારે ઊઠીને વિવિધ શિવાલયમાં મિલ્ક બેંક મૂકી આવે છે. આ મિલ્ક બેંકમાં ભગવાન શિવ પર દૂધનો અભિષેક કરવા માટે આવતા શિવ ભક્તો તેમની ઈચ્છાથી ભગવાન શિવ પર પ્રતીકાત્મક દૂધનો અભિષેક કરી અને બાકી રહેતું દૂધ મિલ્ક બેંકમાં જમા કરાવે છે. જેને ધીમે ધીમે જૂનાગઢ શહેરના શિવાલયો અને શિવભક્તોમાં પ્રતિસાદ મળી રહ્યો છે. જેનું ધ્યાન રાખીને ઓન્લી ઇન્ડિયન આગામી વર્ષોમાં સમગ્ર વર્ષ દરમિયાન જૂનાગઢ શહેરના શિવાલયોમાં આ પ્રકારની મિલ્ક બેંક સેવા સતત ધમધમતી રહે તે પ્રકારે આગળ વધવાનું પણ વિચારી રહ્યા છે ,અને જો તેમાં સફળતા મળશે તો સમગ્ર વર્ષ દરમિયાન ગરીબ મજૂર કુપોષિત બાળકો હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ગરીબ દર્દીઓ અને સગર્ભા બહેનોને વર્ષ દરમિયાન દૂધનું પોષણ શિવના પ્રસાદ રૂપે મળતું રહેશે.

  1. શ્રાવણ માસમાં અનોખી શિવ ભક્તિ, જૂનાગઢમાં મિલ્ક બેંક દ્વારા શિવ આરાધના
  2. શ્રાવણ માસમાં ‘ઓન્લી ઇન્ડિયન NGO’ ચલાવતા વ્યક્તિએ શરૂ કરી મિલ્ક બેન્ક સેવા
  3. જૂનાગઢમાં શ્રાવણ માસમાં મિલ્ક બેંક થકી ગરીબ લોકોને દૂધ વિતરણ કરતી મિલ્ક બેંક ઓફ મહાદેવ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.